રાજ્યોના ચૂંટણી પરિણામો કે દિશાનિર્દેશ

Wednesday 16th March 2022 06:20 EDT
 

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાન સભા ચૂંટણીઓના પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે ઉત્સવ અથવા ધૂળેટીના રંગરાગ સમાન બની રહ્યા છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાચું જ કહ્યું છે કે આ પરિણામો ૨૦૨૪ની ચૂંટણીઓની ઝાંખી છે. પંજાબમાં સત્તા હાંસલ કરવાની ભાજપની ઈચ્છા બર આવી નથી પરંતુ, તેના માટે અનેક પરિબળો કામ કરી ગયા છે. પંજાબમાં ભાજપના કોઈ મૂળ ન હોવાં છતાં, વર્ષો સુધી અકાલી દળ સાથે જોડાણના કારણે ભાજપ સત્તામાં ભાગીદારી મેળવતો હતો. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરાયેલા કેપ્ટન અમરિન્દર સિંહ સાથેનું જોડાણ ભાજપને સત્તા પર લાવી ન શક્યું તેની પાછળ કૃષિ આંદોલને પણ મોટી ભૂમિકા ભજવી છે. પંજાબમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની ભવ્ય જીત અકલ્પનીય છે અને ભારતના રાજકારણમાં એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે તેમ છે.
સૌથી મહત્ત્વની બાબત એ રહી કે લોકો કોણ કામ કરે છે તેના પર ધ્યાન આપતા થયા છે. ઉત્તર પ્રદેશમાં કોઈ મુખ્યપ્રધાન સતત બીજી વખત સત્તા પર આવતો નહિ હોવાની વાયકા છતાં, વડા પ્રધાન મોદીના વીજવેગી પ્રચાર અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની કામગીરીએ જ ભાજપને બહુમતી અપાવી છે. વડા પ્રધાન મોદીએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના પરિવારવાદ પર જે આક્રમણ કર્યું તેનાથી પંજો ડૂબી ગયો અને સાઈકલમાંથી હવા નીકળી ગઈ. આમ છતાં, એટલું તો કહેવું જોઈએ કે સપાના અખિલેશ યાદવ મુખ્ય વિરોધપક્ષ ગણાવી શકાય તેટલી સારી બેઠકો લાવી શક્યા છે. માયાવતી અને પ્રિયંકા ગાંધીએ એટલી નામોશીપૂર્ણ અને સજ્જડ હાર મેળવી છે કે તેમના પક્ષો ફરીથી ઉભા થઈ શકે તેવી હાલતમાં રહ્યાં નથી.
ઉત્તર પ્રદેશમાં ભાજપે ૨૦૧૭ની ચૂંટણીની સરખામણીએ ઓછી બેઠકો પ્રાપ્ત કરી છે. પાંચ વર્ષના શાસન પછી બેઠકો ઘટે એ મોટી વાત નથી. કૃષિ કાયદા વિરોધી ખેડૂત આંદોલનની અસર, અખિલેશ યાદવ-જ્યંત ચૌધરીની જુગલબંદી, યોગી બ્રાહ્મણ વિરોધી હોવાનો જોરદાર પ્રચાર સહિતની પ્રતિકૂળતાઓને ખાળીને મોદીએ ભાજપને આ જીત અપાવી છે.આની સાથે યોગી આદિત્યનાથની બુલડોઝર બાબા તરીકેની ઈમેજ પણ કામ કરી ગઈ છે. માફિયાઓ, ગેરકાયદે બાંધકામ અને ગુનાખોરો સામે તેમણે જે રીતે સત્તાનું બુલડોઝર વાપર્યું છે તેનાથી તેમની સક્રિયતા સ્પષ્ટ થઈ છે અને તેઓ કશું ચલાવી લેશે નહિ તેવો સંદેશ પ્રસ્થાપિત થયો છે. લોકોને આ ગમ્યું છે.
કોંગ્રેસ પાર્ટીની હાલત તો ‘લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ’ જેવી થઈ ગઈ છે. એક સમયના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પક્ષનું કોઈ ધણીધોરી રહ્યું નથી. હું, બાવો અને મંગળદાસની માફક સોનિયા, રાહુલ અને હવે પ્રિયંકા સત્તા મેળવવા કાવાદાવા રમવાનો પ્રયાસ કરે છે પરંતુ, તેમના દાવ એટલાં ઊંધા પડે છે કે હવે તેના મૂળિયાં પ્રાદેશિક પક્ષો જેટલાં પણ મજબૂત રહ્યાં નથી. હકીકત તો એવી છે કે કપિલ સિબ્બલ જેવા નેતા પણ સીધું જ કહેતા થયા છે કે કોંગ્રેસ પાર્ટી ઘરની બની રહેવી ન જોઈએ અને સોનિયા, રાહુલ અને પ્રિયંકાએ રાજીનામાં આપી દેવાં જોઈએ. પરંતુ, ખાટલે ખોડ એવી છે કે કોંગીજનોને ગાંધી પરિવારમાં જ કરિશ્મા દેખાય છે.
બીજી તરફ, આમ આદમી પાર્ટી (આપ) કાઠું કાઢી રહી છે અને કોંગ્રેસના વિકલ્પનું સ્થાન મેળવી રહી છે. પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી ત્યાં કેજરીવાલની પાર્ટીએ બહુમતીથી સત્તા હાંસલ કરી છે. અગાઉ, દીલ્હીમાં પણ કોંગ્રેસની સરકાર હતી ત્યાં આજે આપ સરકાર છે. કોંગ્રેસની છાપ મુસ્લિમ પાર્ટી તરીકેની થઈ જવાથી બહુમતી હિંદુ મતદારો કોંગ્રેસને પસંદ કરતા નથી. કેજરીવાલે ‘આપ’ પર મુસ્લિમ પાર્ટી તરીકેનો ઠપ્પો ના લાગી જાય તેનું પૂરું ધ્યાન રાખ્યું છે. દિલ્હીના રમખાણ, શાહીન બાગના દેખાવો, સીએએ સામેનો વિરોધ કે ટ્રિપલ તલાકનો મુદ્દો હોય, કેજરીવાલે મુસ્લિમો તરફી વલણ બતાવવાનું ટાળ્યું છે.
દિલ્હી અને પંજાબ પછી કેજરીવાલની નજર ગુજરાત અને હિમાચલ પ્રદેશ પર છે. મોદી આ બાબત બરાબર સમજે છે તેથી તેમણે ગુજરાતનો વીજવેગી પ્રવાસ કરીને પોતાની આભા થકી સંકેત આપી દીધો છે કે મોદીના ગુજરાત પર હજુ અન્ય કોઈનો સિક્કો વાગે તેમ નથી. ગુજરાતમાં ટુંક સમયમાં ચૂંટણી જાહેર કરી દેવાય તેવી પણ શક્યતા છે અને આ પહેલા મોદી રાજકીય પરિસ્થિતિનો જે તાગ મેળવવા ઈચ્છતા હતા તે તેમને મળી ગયો છે.


comments powered by Disqus