પૌરાણિક મહાભારતનું યુદ્ધ ભીષણ શસ્ત્રો હોવા છતાં, ૧૮ દિવસમાં સમાપ્ત થઈ ગયું હતું. વર્તમાન યુક્રેન-રશિયા મહાયુદ્ધ કેટલા દિવસ ચાલશે તેની આગાહી કરી શકાય તેમ નથી. યુક્રેન જેવા મગતરાંને ચપટીમાં ચોળી નાખવાની વ્લાદિમીર પુટિનની ગણતરી બર આવી નથી અને યુક્રેન એટલી જોરદાર ઝીંક ઝીલી રહ્યું છે કે રશિયાએ થોડાં જ દિવસમાં યુદ્ધ સમાપ્ત કરી નાખવું પડે તે આવશ્યક છે. રશિયાનું ક્વિક ઓપરેશન અથવા સર્જિકલ સ્ટ્રાઈક લાંબા યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.
એક અહેવાલ એવો પણ છે કે રશિયા વાસ્તવમાં યુદ્ધ લંબાવી રહ્યું છે જેથી અમેરિકાને યુદ્ધમાં ઘસડી લવાય. જોકે, જેમ યુદ્ધ મલંબાય છે તેમ યુક્રેનની સાથે રશિયાને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો મહાસત્તા તરીકે રશિયાની પ્રતિષ્ઠાને નુકસાન ઉપરાંત, આર્મીની પકડ ઢીલી પડવાનો અંદેશો છે. રશિયા પાસે હવે 14-15 દિવસ ચાલે તેટલો શસ્ત્રસરંજામ બચ્યો છે અને રશિયાએ ચીનની મદદ માગી હોવાના અમેરિકી અહેવાલો પણ ફરતાં થયાં છે. જોકે, ચીને તત્કાળ આવા દાવાને રદિયો આપી દીધો છે. હકીકત એ છે કે આ દાવામાં સત્યતા હોય તો પણ ચીન વર્તમાન સંજોગોમાં રશિયાની વહારે જાય તેવી શક્યતા ઓછી છે.
યુક્રેનના શહેરો પર એટલો જોરદાર અને વિનાશક બોમ્બ અને મિસાઈલમારો ચાલતો રહ્યો છે કે ત્યાંના શહેરોમાં ભારે તબાહી સર્જાઈ છે. રશિયા કેટલાય દિવસથી યુક્રેનની રાજધાનીને ભરડો લઈ રહ્યું છે પરંતુ, તેનો નિકાલ વાવવાના બદલે અન્ય શહેરોમાં વિનાશ વેરવાની યોજના અપનાવી રહ્યું છે.
વિશ્વમાં રશિયા-યુક્રેન સંઘર્ષ ઓછો હોય તેમ ઈરાનના કારનામાંથી એશિયામાં તંગદીલી સર્જાઈ છે. જનરલ સુલેમાનીની હત્યાનો બદલો લેવાનું કારણ આપી ઈરાને ઈરાકસ્થિત અમેરિકી કોન્સ્યુલેટ પર 12 મિસાઈલો છોડતાં નવા જંગના મંડાણ થવાની શક્યતા ઘેરી બની છે. ઈરાકમાં લાંબા સમયથી અમેરિકાની હાજરી ઈરાનને હંમેશા ખટકતી રહી છે. એમ પણ કહેવાય છે કે અમેરિકાએ જવાબી કાર્યવાહી માટે પૂરતી તૈયારી કરી લીધી છે. એક અહેવાલ મુજબ અમેરિકાને યુરોપ અને એશિયાના બે મોરચે લડવું પડે તે માટે ઈરાન અને રસિયા વચ્ચે આ સાંઠગાંઠ હોઈ શકે છે. હકીકત એ છે કે નાટોને આગળ ધરી અમેરિકા યુક્રેનને શસ્ત્રો સહિતની સહાય કરે છે અને કરાવે છે પરંતુ પરંતુ, રશિયા સાથે સીધા જંગમાં ઉતરવાની બાઈડેન કે યુરોપીય નાટો દેશોની તૈયારી નથી.
