સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Tuesday 15th March 2022 16:25 EDT
 

ભારત
• દેશમાં હવે 12થી 14 વર્ષનાં બાળકોને પણ કોરોના વેક્સિન અપાશેઃ કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે કોરનાનાને હટાવવા સરકાર દ્વારા સોમવારે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 16મી માર્ચથી દેશભરમાં 12થી 14 વર્ષની વય જૂથનાં તમામ બાળકોને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 15 વર્ષ કે તેથી મોટી ઉંમરનાં લોકોને જ વેક્સિન આપવામાં આવતી હતી. આ સાથે સરકારે 60 વર્ષથી વધુ ઉંમરનાં વૃદ્ધો માટે વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવા કોમોર્બિડિટીઝની શરત હટાવી છે. આમ હવે 60 વર્ષથી વધુ ઉંમરનાં તમામ સિનિયર સિટિઝન્સ કોરોનાની વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે. કેન્દ્રના આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આ જાહેરાત કરી હતી.
• સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂ પાછળ અત્યાર સુધી રૂ. 418 કરોડ ખર્ચ્યા: કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે નવા સંસદભવન સાથે સંકળાયેલા સેંટ્રલ વિસ્ટા એવન્યૂના રીડેવલપમેન્ટ પાછળ અત્યાર સુધીમાં રૂ. 418.70 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો મે મહિના સુધી પૂર્ણ કરી લેવાની સરકારે ખાતરી આપી છે. નોંધનીય છે કે સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનો પ્રથમ ફેઝ 26મી જાન્યુઆરી સુધી પુરો થઇ જવાનો હતો. જોકે તે અધુરો રહી ગયો છે. હવે રાજ્યસભામાં સરકારે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ મે મહિનામાં પુરો કરી લેવામાં આવશે. આવાસ તેમજ શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરે રાજ્યસભામાં આ જાણકારી આપી હતી.
• મમતાને શત્રુઘ્ન સિન્હાને લોકસભાની ટિકિટ આપીઃ કોંગ્રેસ ‘ખામોશ’ઃ પશ્ચિમ બંગાળમાં લોકસભાની એક અને વિધાનસભાની ચાર બેઠકો પર ૧૨ એપ્રિલે પેટાચૂંટણી યોજાવાની છે. તેમાં બંગાળની લોકસભા બેઠક આસનસોલ પણ સામેલ છે. આ બેઠક બાબુલ સુપ્રિયોના કારણે ખાલી પડી હતી. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસનસોલ બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રખ્યાત અભિનેતા શત્રુઘ્ન સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે ટ્વીટ દ્વારા આની જાહેરાત કરી છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે કોંગ્રેસને ખબર નથી કે શત્રુઘ્ન સિન્હા ક્યારે પક્ષમાંથી નીકળી ગયા? શત્રુઘ્નના આ પક્ષપલટાની પાર્ટીના તમામ મોટા નેતાઓ આશ્ચર્યચકિત છે. જોકે હાલમાં તેમણે ખામોશીનો જ સૂર અપનાવ્યો છે.
• પેટીએમ પેમેન્ટ બેન્ક ચાઈનીઝ કંપનીઓના ડેટા લિક કરતી હોવાનો ઘટસ્ફોટ: ભારતની ડિજિટલ પેમેન્ટસ જાયન્ટ પેટીએમ માટે ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરતી પેટીએમ પેમેન્ટસ બેન્ક વિદેશોમાં સર્વરોને ડાટા મોકલીને નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના અને તેના ગ્રાહકોનું યોગ્ય વેરિફિકેશન નહીં કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવા ગ્રાહકો લેવા પર મનાઈ ફરમાવી પેટીએમ પેમેન્ટસ બેન્કને સજા કરી હોવાના અહેવાલ છે. વિગતો ખાનગી હોવાનું કહીને પોતાની ઓળખ નહીં આપી આ જાણકારી ધરાવતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, પેટીએમ પેમેન્ટસ બેન્કમાં પરોક્ષ રીતે હોલ્ડિંગ ધરાવતી ચાઈના સ્થિત કંપનીઓ સાથે કંપનીના સર્વરો થકી માહિતી પહોંચાડતી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને ઈન્સ્પેકશન્સમાં જણાવ્યું છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક એક પેટીએમ અને તેના સ્થાપક વિજય શેખર શર્મા વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ચાઈનાના અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડ અને તેના સહયોગી જેક માની એન્ટ ગ્રુપ કંપની પેટીએમની માલિકીના શેરો ધરાવે છે.
•રાજીવ ગાંધી હત્યા કેસમાં જન્મટીપ કાપી રહેલા પેરારિવલનને અંતે જામીનઃસુપ્રીમ કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા એ.જી. પેરારિવલનના જામીનને મંજૂરી આપી હતી. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ બી.આર. ગવઇની બનેલી ખંડપીઠ દ્વારા એ.જી. પેરારિવલનના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પેરારિવલનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તે ૩૨ વર્ષથી જેલમાં છે અને તેનો વ્યવહાર જેલમાં અને પેરોલ દરમિયાન જેલની બહાર પણ તેનો વ્યવહાર સંતોષજનક રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં પરારિવલનની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી.
• ઓગસ્ટા હેલિકોપ્ટર સોદામાં ઝડપાયેલા ક્રિશ્ચિયન માઇકલની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવીઃ ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદામાં વચેટિયા તરીકે ભ્રષ્ટાચાર આદરવા બદલ ઝડપાયેલા ક્રિશ્ચયન માઈકલની જામીન અરજી રદ કરતાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે તેની સામેના આરોપ ખૂબ ગંભીર છે, વળીતે ભારતીય નાગરિક ન હોવાથી ભાગી જવાનું જોખમ છે. જસ્ટિસ મનોજકુમાર ઓહરીએ સ્વીકાર્યું કે કોઈ આરોપી વિદેશી હોવા માત્રથી તેના જામીન નકારી શકાય નહીં, પરંતુ આરોપી જે રીતે ઇન્વેસ્ટિગેશનમાંથી છટકી ગયો હતો અને તેને દુબઈથી ભારત લાવવા પ્રત્યાર્પણની સંપૂર્ણ પ્રક્રિયા કરી મહાપ્રયાસે ભારત લાવી શકાયો હતો એ હકીકતો ધ્યાનમાં લેતાં જામીન સ્વીકારી શકાય નહીં. તેથી આ કોર્ટે આ અરજી વિચારણા યોગ્ય માનતી નથી.
• ભોપાલમાં ચાર બાંગ્લાદેશી આતંકવાદી ઝડપાયાઃ ભોપાલમાંથી એટીએસ દ્વારા 4 બાંગ્લાદેશી આતંકવાદી ઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાતમિક પૂછપરછમાં તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-એ-મુજાહિદ્દીન (બાંગ્લાદેશ)ના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સંગઠન બાંગ્લાદેશમાં ૧૫ વર્ષમાં ૫૦૦ બોમ્બ વિસ્ફોટ કરાવી ચૂક્યું છે. પરોઢ્યે ૩-૩૦ વાગ્યે આ આંતકીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમાં જેહાદી સાહિત્ય, ઇલેક્ટ્રોનિક સાધનો તથા સંદિગ્ધ દસ્તાવેજો મળી આવ્યા છે. પાડોશીઓએ જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી અહીં રહેતા હતા. તેઓ સ્લીપર સેલ તૈયાર કરી રહ્યા હોવાનું ઊલટતપાસમાં જાણવા મળ્યું છે.
• એપ્રિલ 2021થી ફેબ્રુઆરી 2022 વચ્ચે સોનાની આયાત 73 ટકા વધીઃ મહામારીકાળમાં એક તરફ લોકો સામે જીવનનિર્વાહનું સંકટ હતું પરંતુ તે દરમિયાન જ ભારતીયોએ સોનાની મોટેપાયે ખરીદી કરી હતી. તેને કારણે વર્તમાન નાણાકીય વર્ષ 2021-22ના અત્યારસુધીના 11 મહિનામાં (એપ્રિલથી ફેબ્રુઆરી)માં દેશમાં સોનાની આયાત વધીને 45.1 અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ હતી. સત્તાવાર આંકડા મુજબ માગ વધતાં સોનાની આયાતમાં આ સમયગાળા દરમિયાન 73 ટકા વધારો નોંધાયો હતો. તે પહેલાં 2020-21ની સમાન મુદત (એપ્રિલ- ફેબ્રુઆરી)માં 26.11 અબજ ડોલરના સોનાની આયાત થઇ હતી.
• કાશ્મીરી કુડી શેફાલી રાઝદાન નેધરલેન્ડમાં યુએસ રાજદૂત બનશેઃ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ભારતી મૂળની રાજકીય કાર્યકર શેફાલી રાઝદાન દુગ્ગલને નેધરલેન્ડમાં અમેરિકાના રાજદૂત તરીકે નોમિનેટ કરી છે. તેમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. ૫૦ વર્ષની શેપાલી મૂળ રૂપથી ભારતમાં કાશ્મીરની છે. શેફાલી સિનસિનાટી, શિકાગો, ન્યૂયોર્ક અને બોસ્ટનમાં મોટી થઈ છે. બે બાળકોની માતા શેફાલી એક અનુભવી રાજકીય કાર્યકર, મહિલા અધિકારોની પ્રખર વકીલ અને માનવાધિકારની પ્રચારક છે. અગાઉ તેને પ્રેસિડન્ટ દ્વારા તેને હાલોકોસ્ટ મેમોરિયલ સંગ્રહાલય પરિષદ માટે નિયુક્ત થઈ ચૂકી છે અને વેસ્ટર્ન રિજન સલાહકાર તરીકે કામ કરી રહી છે. શેફાલીએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ કોમ્યુનિકેશનમાં એમએ કર્યું છે અને મિયામી યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનનો પણ અભ્યાસ કર્યો છે.
દેશવિદેશ
ડ્રેગનની ચાલ : બાંગ્લાદેશમાં મિસાઇલ મેન્ટેનન્સ સેન્ટર ઊભું કરી રહ્યું છે ચીનઃ ચીન હવે બાંગ્લાદેશને મહોરું બનાવીને ભારત વિરુદ્ધ મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરવાને કામે લાગી ગયું છે. ચીન બાંગ્લાદેશમાં જમીન પરથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ માટે મેન્ટેનન્સ સેન્ટર બનાવી રહ્યું છે. ચીને બાંગ્લાદેશને વર્ષ 2011માં પૂરા પાડ્યા હતા તેની જાળવણી માટે આ સેન્ટર ઊભું થઈ રહ્યું છે. આ મેન્ટેનન્સ સેન્ટર ઊભું થઈ રહ્યાની વાત ગોપનીય રાખવામાં આવી છે. ચીન કે બાંગ્લાદેશ બન્નેમાંથી એક પણ દેશે તેની જાહેરાત નથી કરી. તેમ છતાં એક રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે બાંગ્લાદેશમાં આવું સેન્ટર ઊભું થઈ રહ્યું છે અને અહેવાલમાં વરિષ્ઠ બાંગ્લાદેશી રાજદ્વારી સાથેની વાતચીતને ટાંકવામાં આવી છે.
• સાઉદી અરબમાં એક દિવસમાં એક સાથે ૮૧ લોકોને ફાંસી અપાઇ: સાઉદી અરબમાં એક જ દિવસમાં ૮૧ લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. સાઉદી અરબની અધિકૃત ન્યુઝ એન્જસીઓ આ અંગે માહિતી આપી છે કે આ તમામ ગુનેગારો ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા હતા અને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. તેમાં ઇસ્લામિક સ્ટ્રટે ગ્રુપ, અલ-કાયદા, યમનના હૂતી વિદ્વોહી જૂથો તથા અન્ય આંતકવાદી સંગઠનો સાથે સંકળાયેલા ગુનેગારોનો સમાવેશ થતો હતો. તેમ સાઉદી પ્રેસ એન્જસી (SPA)એ તેના અહેવાલમાં જણાવ્યું છે.
• ચીને નેપાળમાં દબાણ કર્યું, બોર્ડર પોલીસને ધમકાવીઃ ચીન તેને વિસ્તારવાદી નીતિઓને કારણે ફરી ચર્ચામાં છે. નેપાળ સરકારે ચીન અને ગંભીર આરોપ મૂક્યો છે. નેપાળ સરકાર લીક થયેલા એક રિપોર્ટમાં ચીન સામે નેપાળના ક્ષેત્રમાં દબાણ કરવાનો આરોપ મુકાયો છે. ચીની દળોએ નેપાળની બોર્ડર પોલીસની ધમકી આપ્યાનો પણ રિપોર્ટમાં દાવો કરાયો છે. ચીની દળોએ નેપાળની સરહદે લાલુંગજોંગ નામના ધાર્મિક સ્થળે ધાર્મિંક પ્રવૃતિઓ પ્રતિબંધિત કરી દીધી હતી. રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે ચીન નેપાળના પશુપાલકો માટે ઢોર ચરાવવાની જગ્યા પણ મર્યાદિત કરી રહ્યું છે.
• પાક.ના સત્તરૂઢ ગઢબંધનમાં તિરાડ, સાથી પક્ષો સરકારને બ્લેકમેઈલ કરી છેઃ પાકિસ્તાનમાં વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપીને ઇમરાન સરકારની મુશ્કેલીઓ વધારી છે ત્યાં ઇમરાનના પક્ષ પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના નેતૃત્વ હેઠળના શાસક ગઠબંધનમાં મતભેદો સર્જાયા છે. સરકારના બે મંત્રી અંદરોઅંદર બાખડી પડ્યા. એવો ગણગણાટ છે કે શાસક ગઠબંધનના કેટલાક સભ્યો પણ અવિશ્વાસ પ્રસ્તાવને ટેકો આપી શકે છે. આ મુદ્દે ગૃહ મંત્રી શેખ રાશિદ અને જળ સંસાધન મંત્રી મુનીશ ઇલાહીએ એકબીજા સામે આક્ષેપો કર્યા.
• વિશ્વમાં કોરોનાથી બે વર્ષમાં ૧૮.૨ મિલિયન લોકોનાં મોત થયા છેઃ કોરોનાની મહામારીમાં છેલ્લા બે વર્ષમાં મૃત્યુના સત્તાાર આંક કરતા ૩ ગણા વધુ મોત થયા હોવાનું લાન્સેટના અભ્યાસમાં જણાયું છે. વર્લ્ડો મીટર હાલ કોવિડ મૃત્યુનો આંક 60,52,436નો દર્શાવી રહ્યું છે ખરો મૃત્યુઆંક તેનાં કરતા ત્રણ ગણો વધારે એટલે કે 1 કરોડ 80 લાખ કે 182 લાખનો હોઈ શકે છે. મોટાભાગનાં દેશોએ તેમાં સત્તાવાર મૃત્યુઆંક છુપાવ્યા છે જેને કારણે મોતનો આંકડો ઓછો જણાઈ રહ્યો છે. અનેક દેશોમાં ટેસ્ટિંગનો અભાવ તેમજ મૃત્યુનાં અવાસ્તવિક આંકડાઓનો કારણે સત્તાવાર મૃત્યુઆંક અને સાચા મૃત્યુઆંક વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો છે. સ્પેનિશ ફ્લૂ પછીનો આ સૌથી મોટો અને ખોફનાક મૃત્યુઆંક છે તેમ વોશિંગ્ટન યુનિવર્સિટીનાં ક્રિસ્ટોફર જે.એલ. મરેઓ જણાવ્યું છે. 1918માં સ્પેનિશ ફ્લૂ વખતે 50 મિલિયન લોકોનાં મોત થાયં હતાં જ્યારે કોવિડથી 18.2 મિલિયન એટલે 182 લાખનાં મોત થયા છે. જે 17 ટકાનો વધારો દર્શાવે છે. એક અંદાજ મુજબ વિશ્વમાં દર એક લાખથી વસ્તીએ વધુ 120 લોકોનાં મોત થયા હોઈ શકે છે.


comments powered by Disqus