લંડન: ઇન્ડોનેશિયાના બાલી ખાતે આયોજિત જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને તાત્કાલિક અટકાવી દેવા હાકલ કરી હતી.
જી-20 શિખર સંમેલનની સૌપ્રથમ બેઠકમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે, રશિયા યુક્રેનમાંથી બહાર નીકળે અને આ બર્બરતાપૂર્ણ યુદ્ધનો અંત લાવે. જી-20 બેઠકમાં ગેરહાજર રહેવા માટે રશિયન પ્રમુખ પુતિનની આકરી ટીકા કરતા સુનાકે જણાવ્યું હતું કે, પુતિને રશિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે બહિષ્કૃત દેશ બનાવી દીધો છે. બ્રિટન યુક્રેનને રશિયા સામેના યુદ્ધનો અંત ન આવે ત્યાં સુધી સહાય કરતો રહેશે.
સુનાકે જણાવ્યું હતું કે, દેશોએ તેમના પાડોશી દેશો પર હુમલા કરવા જોઇએ નહીં. તેમણે નાગરિકો પર અને નાગરિક માળખાકીય સુવિધાઓ પર હુમલા કરવા જોઇએ નહીં અને પરમાણુ યુદ્ધની ધમકીઓ આપવી જોઇએ નહીં. આ વર્ષે જી-20 સમિટનું સુકાન ભારતને સોંપાયું છે ત્યારે પ્રથમ સેશનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં યુદ્ધ વિરામ લાગુ કરીને યુદ્ધનો અંત આણવો જોઇએ.
આપણે યુક્રેનમાં યુદ્ધ વિરામ અને ડિપ્લોમસી માટેનો ઉકેલ શોધવો પડશે. મોદીએ જણાવ્યું હતું કે, પાછલી એક સદીમાં બીજા વિશ્વયુદ્ધે સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો હતો. ત્યારબાદના નેતાઓએ શાંતિના માર્ગે આગળ વધવા ગંભીર પ્રયાસો કર્યાં હતાં. હવે આપણો વારો છે. કોરોના મહામારી પછીના આ કાળમાં નવી વૈશ્વિક વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી આપણા શિરે છે. વિશ્વમાં શાંતિ, ભાઇચારા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે. આગામી વર્ષે મહાત્મા ગાંધી અને ગૌતમ બુદ્ધની ધરતી પર જી-20 શિખર સંમેલન યોજાશે ત્યારે મને આશા છે કે આપણે વિશ્વ શાંતિનો સશક્ત સંદેશો પાઠવી શકીશું.
પુતિને વિશ્વ નેતાઓનો સામનો કરવા સમિટમાં હાજર રહેવું જોઇતું હતું – સુનાક
રશિયન પ્રમુખ પુતિનની ગેરહાજરીની આકરી ટીકા કરતા રિશી સુનાકે જણાવ્યું હતું કે, પુતિને વિશ્વ નેતાઓનો સામનો કરવા સમિટમાં હાજર રહેવું જોઇતું હતું. સુનાકે જણાવ્યું હતું કે સ્થિતિ બદલવાની બધી સત્તા એક વ્યક્તિના હાથમાં છે. જો પુતિન હાજર રહ્યા હોત તો આપણે આ સ્થિતિનો ઉકેલ લાવી શક્યાં હોત.
તટસ્થ રહેલા ભારત અને ચીનની સુનાકે આકરી ટીકા કરી
યુક્રેન યુદ્ધ મામલામાં તટસ્થ વલણ અપનાવનારા ભારત અને ચીનની રિશી સુનાકે આકરી ટીકા કરી હતી. સુનાકે જણાવ્યું હતું કે, યુક્રેન યુદ્ધના મામલામાં આ દેશો દ્વારા જે અલગ ચીલો ચાતરવામાં આવ્યો છે તેના કારણે તમામ દેશો જોખમમાં મૂકાયાં છે. રશિયાનું યુક્રેન પર ગેરકાયદેસર આક્રમણ આપણા બધાને વિપરિત અસર કરી રહ્યું છે.
રિશી સુનાક અને નરેન્દ્ર મોદી વચ્ચે પહેલીવાર ફેસ ટુ ફેસ મુલાકાત
રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાનપદે ચૂંટાઇ આવ્યા પછી બાલી ખાતે આયોજિત જી-20 શિખર સંમેલનમાં પહેલીવાર સુનાક અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફેસ ટુ ફેસ મુલાકાત યોજાઇ હતી. બંને વચ્ચે સંખ્યાબંધ મુદ્દા પર ચર્ચા થઇ હોવાનું માનવામાં આવે છે.

