વિશ્વગુરૂ બનવાની દિશામાં અગ્રેસર ભારત

Wednesday 16th November 2022 05:20 EST
 

1947માં આઝાદ થયેલા ભારત અને 2022માં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલા ભારત વચ્ચે આસમાન જમીનનો તફાવત આવી ગયો છે. 1947માં સોયનું પણ ઉત્પાદન ન કરી શકનારો ભારત 2022માં તમામ સેક્ટરમાં આત્મનિર્ભરતાની સાથે વિશ્વ ગુરૂ બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યો છે. 1991માં મુક્ત બજાર વ્યવ્સ્થામાં ડગલાં ભરનારા ભારતે 2014 પછી વિકાસની હરણફાળ ભરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષનો કાર્યકાળ ભારત માટે ટ્રેન્ડ સેટર પૂરવાર થયો છે. એક સમયે નોન એલાયન્સ મૂવમેન્ટ સુધી સીમિત રહેતો ભારત જી-20 સમિટનું અધ્યક્ષપદ સંભાળવા જઇ રહ્યો છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત માટે કશું જ અશક્ય નથી તેવું જનમાનસ તૈયાર થઇ ચૂક્યું છે. દેશ વિકાસ, એકતા અને રાષ્ટ્રવાદના પથ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. આ નોંધપાત્ર મુસાફરીએ દેશમાં લોકશાહીને વધુ મજબૂત બનાવી છે. સમાજના તમામ વર્ગો સશક્તિકરણની દિશામાં આગળ વધી રહ્યાં છે.
મોદી સરકારના દાવા પ્રમાણે છેલ્લા 8 વર્ષમાં ગરીબીનો દર 22 ટકાથી ઘટીને 10 ટકા પર આવી ગયો છે. દેશમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા 1 ટકાથી નીચે આવી ગઇ છે. દેશમાં માથાદીઠ આવક બમણી થઇ છે અને વિદેશી હુંડિયામણ અનામત પણ વિક્રમજનક સપાટી પર પહોંચી ગયું છે. આઝાદીથી વર્ષ 2014 સુધીમાં દેશમાં 6,37,000 શાળાનું નિર્માણ થયું હતું જેની સામે 2014 પછીના આઠ વર્ષમાં 6,53,000 નવી શાળાઓ બાંધવામાં આવી છે. છેલ્લા આઠ વર્ષમાં 15 નવી એઇમ્સને મંજૂરી અપાઇ જેમાંથી 10 કાર્યરત બની છે અને પાંચનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. દેશમાં ડોક્ટરોની કુલ સંખ્યા વધીને 12 લાખ પર પહોંચી છે. ભારત પાસે આજે વિશ્વનું બીજા ક્રમનું રોડ નેટવર્ક છે. છેલ્લા પાંચ વર્ષમાં સોલાર અને વિન્ડ પાવર જનરેશન બમણા થયાં છે.
કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો દર વર્ષે ભારત રેકોર્ડ બનાવી રહ્યો છે. 2012-13માં ખાદ્યાન્ન ઉત્પાદન 255 મિલિયન ટન હતું જે 2021-22માં વધીને 316.06 મિલિયન ટન પર પહોંચી ગયું છે. કોરોના મહામારીના કારણે સમગ્ર વિશ્વમાં મંદીનું વાતાવરણ છતાં છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતની નિકાસ 418 બિલિયન ડોલર પર પહોચી ગઇ હતી.
આજે ભારતમાં સામાન્ય નાગરિકને આયુષમાન ભારત યોજના અંતર્ગત આરોગ્ય વીમાનું કવચ વિનામૂલ્યે મળી રહ્યું છે. પહેલીવાર ખેડૂતોને કિસાન સન્માન નિધિ અંતર્ગત રોકડ સહાય ચૂકવવામાં આવી રહી છે. ગરીબ કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત યોજના, આવાસ યોજના, જલ જીવન મિશન, ડિજિટલ ઇન્ડિયા, ગ્રામ વિકાસ યોજના દેશના છેવાડાના નાગરિકને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી હજુ દેશના 80 કરોડ ગરીબોને દર મહિને પાંચ કિલો અનાજ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ બધી યોજનાઓ ન કેવળ દેશના નાગરિકોનું સશક્તિકરણ કરી રહી છે. આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, ગતિશક્તિ યોજના, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ જેવી યોજનાઓ ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે વિશ્વમાં અગ્રેસર બનાવી રહી છે.
હાલની ભારત સરકાર દ્વારા અપનાવાયેલી વિદેશ નીતિ ભારતને વિકસિત દેશ બનાવવાની હામ રાખે છે. ઇરાક, યમન, અફઘાનિસ્તાનથી માંડીને યુક્રેન સુધીની ઘટનાઓમાં ભારતે વિશ્વ સમક્ષ પૂરવાર કરી દીધું છે કે અસરકારક દ્વિપક્ષી સંબંધો પોતાના નાગરિકોના જીવનો બચાવવામાં કેટલાં મદદરૂપ સાબિત થઇ શકે છે. આજે ભારત આતંકવાદ સામેની લડાઇ, ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ સોલાર એલાયન્સ, ક્વાડ સંગઠનના મોરચે અગ્રીમ નેતૃત્વ પુરું પાડી રહ્યો છે. વિશ્વના સૌથી અમીર દેશોના સંગઠન જી-7માં ભારતને વિશેષ આમંત્રિત દેશ તરીકેનું સન્માન પ્રાપ્ત થાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં પણ ભારતનો અવાજ પડઘાય છે અને તેની ગંભીર નોંધ લેવાય છે. જી-20 જેવા પ્રભાવશાળી સંગઠનનું પ્રમુખપદ આ વર્ષે ભારતને સોંપવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આજે કોઇ દેશ ભારતને દબડાવવાની હિંમત કરી શક્તો નથી. ભારતે પોતાની જરૂરીયાતોને કેન્દ્રમાં રાખીને નવી વિદેશ નીતિ અમલમાં મૂકી છે. યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમના દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છતાં ભારતે રશિયા પાસેથી કોઈ રોકટોક વગર ક્રુડ ઓઇલની ખરીદી કરી શકે છે. ભારતમાં માનવ અધિકાર ઉલ્લંઘનના આરોપો મૂકતા અમેરિકાને સ્પષ્ટ રીતે કહી શકે છે કે અમેરિકામાં થતા માનવ અધિકાર ઉલ્લંઘન પર પણ અમે ચાંપતી નજર રાખી રહ્યાં છીએ. અગાઉ કાશ્મીરના મામલામાં ઘણા પશ્ચિમના દેશો ચંચુપાત કરતા હતા પરંતુ આજે ભારત તેમને રોકડું પરખાવી રહ્યો છે કે આ અમારો દ્વિપક્ષીય મામલો છે અને તેમાં ત્રીજા પક્ષની દખલની કોઇ જરૂર નથી. ભારતની અડીખમ સ્થિતિના કારણે જ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવાના નિર્ણય પર વિશ્વના કોઇ દેશે વિરોધ નોંધાવવાની હિંમત કરી નથી. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકોએ પાકિસ્તાનને કદ પ્રમાણે વેતરી નાખ્યો છે. એલઓસી પર વારંવાર થઇ રહેલા યુદ્ધવિરામ ઉલ્લંઘનોનો અંત આવી ગયો છે. કાશ્મીરમાં ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદીઓનો સફાયો કરી રહી છે. એલએસી પર ચીનની સેનાને ભારતીય જાંબાઝો નીડરતાથી પડકાર આપી રહ્યાં છે.
આર્થિક મોરચે પણ ભારત મજબૂત બની રહ્યો છે. કોરોના મહામારી બાદ સમૃદ્ધ દેશોના અર્થતંત્રો ખોડંગાઇ રહ્યાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી મજબૂત બનીને ઉભરી રહ્યું છે. બ્રિટન જેવી મહાસત્તાઓનો જીડીપી વૃદ્ધિ દર ઘટી રહ્યો છે ત્યારે 2022-23માં ભારતનું અર્થતંત્ર 7 ટકાના દરે વૃદ્ધિ કરે તેવું અનુમાન છે. આ વૃદ્ધિદર વિશ્વમાં સૌથી અધિક છે. મોદી સરકારનો દાવો છે કે આગામી બે કે 3 વર્ષમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બની જશે. આજે વિશ્વના અન્ય દેશોના ચલણોની સરખામણીમાં ભારતીય રૂપિયો અમેરિકાના ડોલર સામે મજબૂત ટક્કર ઝીલી રહ્યો છે. વિશ્વના કોઇપણ શેરબજાર કરતાં ભારતીય શેરબજારોમાં રૂમઝૂમ તેજી જોવા મળી રહી છે. આ બધી બાબતો મજબૂત અર્થતંત્રની ગવાહી આપી રહી છે.
મજબૂત અર્થતંત્ર, સ્પષ્ટ વિદેશ નીતિ અને ઘરઆંગણે મજબૂત આર્થિક સુધારા સાથે જો આ રીતે જ ભારત આગળ વધતો રહ્યો તો તેને વિકસિત દેશ બનતા વિશ્વની કોઇ શક્તિ અટકાવી શકશે નહીં.


comments powered by Disqus