એશિયન વેપાર-ધંધાથી ધમધમતો બ્રેન્ટ- હેરોનો કેન્ટન રોડ

- કોકીલા પટેલ Wednesday 30th March 2022 09:54 EDT
 
 

૬૦ના દાયકામાં પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયાથી આવેલા આપણા એશિયનો ખાસ કરીને ગુજરાતીઓએ નોર્થ-વેસ્ટ લંડનના બ્રેન્ટ અને હેરોમાં સ્થાયી થવાનું પસંદ કરી આપબળે વિવિધક્ષેત્રે સાહસ ખેડ્યું. બ્રેન્ટ બરોના વેમ્બલીનો ઇલીંગ રોડ, કિંગ્સબરી રોડ, હેરોના પીનર રોડની જેમ એશિયનોએ કેન્ટન વિસ્તારને પણ અનેકવિધ વેપારધંધાથી ખૂબ જીવંત બનાવ્યો છે. એક જમાનામાં કેન્ટન વિસ્તારમાં જયુઇશ (યહૂદી) લોકોની આણ વર્તાતી હતી ત્યાં એશિયનોને મકાન કે દૂકાન ખરીદવાનો કોઇ ચાન્સ નહોતો એ કેન્ટન રોડ પર આજે આપણા સાહસિક વેપારીઓએ ભારે જમાવટ કરી છે. બ્રેન્ટ અને હેરો વચ્ચે આવેલા કેન્ટનનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે.
કેન્ટનનો ઇતિહાસ:
વર્ષો પહેલાં બ્રિટનની એંગ્લો સેકશન જનજાતિએ ઐતિહાસિક ટ્રેક હાલના હનીપોટ લેન નજીક વગડા જેવી જગ્યામાં વસાહત શરૂ કરી. સંભવત: એ વસાહતીઓએ આ જગ્યાને કેન્ટન "કોએનાના પુત્રોનું ખેતર" તરીકે નામ આપ્યું હશે. વેલ્ડસ્ટોન બ્રુક નામની નદી જેવું ઝરણું જે બાજુના હેરો વિસ્તારના વેલ્ડસ્ટોનમાંથી ઉદભવે છે અને એ કેન્ટનમાં થઇને પસાર થાય છે એ નદીનો સૌંદર્યમય લેન્ડસ્કેપ કેન્ટનમાં જોવા મળતો.
૧૨૩૧માં કેન્ટન એ "કેનિન્ટન" તરીકે જાણીતું હતું એનો ઉલ્લેખ થયો હતો. ત્યારબાદ કેન્ટનનો મોર્ડન સ્પેલીંગ સૌ પ્રથમ ૧૫૯૬માં નોંધવામાં આવ્યો હતો. એ સમયે "પેજ" પરિવાર કેન્ટન વિસ્તારના મહત્વપૂર્ણ જમીનના માલિક હતા. ત્યારપછી અન્ય એક જાણીતા "નોર્થ પરિવારે" ૧૫૪૫માં હેરો મેનોર હસ્તગત કરી હતી. ૧૬૩૦માં રશાઉટ પરિવારે પણ કેન્ટન વિસ્તારમાં એસ્ટેટ ખરીદ્યું હતું, જેમાં સર જહોન રશાઉટ ૧૭૯૭માં નોર્થવીકના પ્રથમ બેરોન બન્યા હતા. ૧૯૧૨માં એ જમીન કેપ્ટન E.G.સ્પેન્સર-ચર્ચિલને આપવામાં આવી હતી.
૧૬મી થી ૧૮મી સદીમાં જે ખેડૂતોને ખેતરો પર વાડ કરવાની અને સામાન્ય જમીનનો દાવો કરવાની મંજૂરી આપતી હતી એ જમીનના હોલ્ડિંગમાં ફેરફારને પ્રોત્સાહન આપ્યું હતું. 20મી સદીની શરૂઆત સુધી આ વિસ્તારમાં નવા ખેતરો દેખાયા.
૧૭૨૧માં કેન્ટનમાં એક ઘર, સાત કોટેજ અને એક લુહારની દુકાન હતી. રેકોર્ડ્સ દર્શાવે છે કે, ૧૭૫૧ સુધીમાં, ત્યાં એક 'પ્લાવ' પબ હતું. જે આજે પણ 'પ્લાવ પબ' તરીકે જાણીતું છે પરંતુ તેનું અસલ બિલ્ડિંગ નથી.
૧૯મી સદીનું કેન્ટન કેવું હતું:
૧૮૦૩માં જ્હોન લેમ્બર્ટે 'કેન્ટન લોજ' નામનું ઘર બનાવ્યું. આજુબાજુની જમીન કેન્ટન ગ્રેન્જ તરીકે જાણીતી બની, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે, જે વેલ્ડસ્ટોન બ્રુક નદી દ્વારા વુડકોક પાર્કથી અલગ પડે છે.
કેન્ટન વિસ્તારમાં ગ્રેહામ પરિવાર પાસે વિશાળ જમીન હતી. ૧૮૫૦ના દાયકામાં, એક સ્કોટિશ પરિવાર, લાઉડન્સે, સ્થાનિક ખેતરો ખેડૂતોને ભાડે આપ્યા અને સ્કોટિશ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમને સુધાર્યા. લગભગ તે જ સમયે, ગ્રીમવેડ પરિવારે શીપકોટ ફાર્મ ખાતે કેટલાક પ્રારંભિક દૂધના પાવડરનું ઉત્પાદન કર્યું હતું. તેઓએ ૧૮૫૩-૫૬ દરમિયાન ક્રિમિઅન યુધ્ધમાં સૈનિકોને મોટી માત્રામાં દૂધ પૂરું પાડ્યું.
૧૮૩૭માં, લંડન એન્ડ બર્મિંગહામ રેલ્વે (L&BR) એ શીપકોટ ફાર્મની જમીનમાંથી પસાર થતી લાઇનનું નિર્માણ કર્યું, પરંતુ કેન્ટનમાં સ્ટેશન ના બનાવ્યું હોવાથી, રેલ્વેની આ વિસ્તાર પર થોડી અસર થઈ.
૧૮૩૧ માં, કેન્ટનની વસ્તી ૮૩ હતી; ૧૮૪૧ માં ૯૯ જેટલી હતી; અને ૧૮૫૯માં વધીને ૧૦૯ થઇ હતી. આમાંના મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલી નોકરીઓ ધરાવતા હતા. ૧૯૭૩માં પહેલવહેલી એક બિયર શોપ ખોલવામાં આવી.
૧૮૫૨માં, ગામમાં કેન્ટન ફાર્મ હતું જે ૧૯૬૫-૬૬માં તોડી પાડવામાં આવ્યું, ચાર મકાનો, ૧૧ કોટેજીસ, પ્લાવ પબ, બ્લેકસ્મિથ અને રાષ્ટ્રીય શાળાનો સમાવેશ થતો હતો. ૧૮૮૦માં, મેટ્રોપોલિટન રેલ્વેએ દક્ષિણ-પશ્ચિમ કેન્ટનમાં થઇને લાઇન લંબાવી, પરંતુ ફરીથી કોઈ સ્ટેશન બનાવવામાં આવ્યું ન હતું.
કેન્ટન ઉપનગર બન્યું:
૧૯૧૨માં, કેન્ટન સ્ટેશન અને નોર્થ વેમ્બલી સ્ટેશન L&NWRની 'નવી લાઇન' પર ખોલવામાં આવ્યું, જે ઉપનગરોને મધ્ય લંડન સાથે જોડે છે. કેન્ટન રોડની દક્ષિણે પ્રથમ ઉપનગરીય ઇમારતો રેલવે કોટેજ હતી. 1914 સુધીમાં, સ્પેન્સર-ચર્ચિલની એસ્ટેટના ત્રણ રસ્તાઓ બાંધવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં કોઈ ઘર નહોતું.
૧૯૨૦ના દાયકામાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં નવા આવાસ બનાવવામાં આવ્યા હતા.
૧૯૨૩માં, નોર્થવિક પાર્ક સ્ટેશન મેટ્રોપોલિટન લાઇન પર ખુલ્યું. આનાથી નજીકના વેમ્બલી પાર્કમાં ૧૯૨૪-૨૫ના બ્રિટિશ સામ્રાજ્ય પ્રદર્શનની સફળતા સાથે, ઉપનગરીય વિકાસને વધુ પ્રોત્સાહન મળ્યું.
૧૯૨૧ અને ૧૯૩૩ ની વચ્ચે, ક્રાઇસ્ટ ચર્ચ કોલેજ, ઓક્સફોર્ડે આ વિસ્તારમાં તેની માલિકીની મિલકતો વેચી દીધી, અને અન્ય જમીનમાલિકોએ પણ તે જ કર્યું.
આ સમયે, ખાનગી બિલ્ડરોએ મોટી કંપનીઓને બદલે આ વિસ્તારમાં મોટાભાગના મકાનો બાંધ્યા હતા.
૧૯૨૪થી, શોપિંગ સેન્ટર વિકસિત થવાનું શરૂ થયું. ૧૯૨૭-૩૦ સુધીમાં, કોલસાના ઘણા વેપારીઓએ સ્ટેશનની બાજુમાં એક પંક્તિમાં દુકાન સ્થાપી હતી. દરમિયાન, ૧૯૨૫ અને ૧૯૩૩ની વચ્ચે, કેન્ટન રોડ, પ્લો પબથી વુડકોક હિલ સુધી, ધરમૂળથી બદલાઈ ગયો. કેન્ટનની વસ્તી ૧૯૨૧ માં ૨૬૮ થી વધીને ૧૯૩૧માં ૬,૧૭૧ જેટલી થઈ. ૧૯૩૩માં, રેસ્ટ પબનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું અને તે મિડલસેક્સનું સૌથી મોટું પબ બન્યું.

પછી, ૧૯૩૫માં, કેન્ટનને તેનું પોતાનું ઓડિઓન સિનેમા મળ્યું (જે ૧૯૬૧ માં તોડી પાડવામાં આવ્યું હતું).
કેન્ટનનું નવું ઉપનગર સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે વહેંચાયેલું હતું. ૧૯૩૪થી, દક્ષિણ ભાગ વેમ્બલી અર્બન ડિસ્ટ્રિક્ટ (૧૯૩૭થી, વેમ્બલી બરો) માં હતો, જ્યારે ઉત્તર ભાગ હેરો અર્બન ડિસ્ટ્રિક્ટમાં હતો. ૧૯૩૬માં, વેમ્બલીએ ખુલ્લી જગ્યા તરીકે ઉપયોગ કરવા માટે ૧૯૨ એકર નોર્થવિક પાર્ક એસ્ટેટ ખરીદી હતી.
ધર્મસ્થાનો અને શાળાઓ:
20મી સદીમાં જેમ જેમ જનસમુદાયનો વિકાસ થતો ગયો તેમ તેમ ત્યાં ધર્મસ્થાનો અને શાળાઓ બનાવવામાં આવી. ૧૯૨૭માં, એક નવો પરગણું બનાવવા માટે ઘણા કેન્ટન પેરિશની રચના થઈ. ૧૯૨૯ થી, વિવિધ બિન-કન્ફોર્મિસ્ટ ચર્ચો ખોલવામાં આવ્યા, ત્યારબાદ ૧૯૩૨માં કેન્ટન રોડ પર રોમન કેથોલિક ચર્ચ ઓફ ઓલ સેન્ટ્સ.
હેરો સ્કૂલે ૧૬૬૦ની શરૂઆતમાં સ્થાનિક બાળકોને ભણાવવા માટે 'સ્કૂલ ડેમ્સ' પ્રદાન કર્યા હતા, કેન્ટનમાં ૧૮૪૧માં પ્રથમ શાળાઓ કેન્ટન લોજ અને ઇન્ફન્ટ સ્કૂલ હતી. એ વખતે કેન્ટન લોજમાં ૧૩ વિદ્યાર્થીઓ ભણતા. ૧૮૫૨માં એક રાષ્ટ્રીય શાળા ખોલવામાં આવી. ૧૯૨૭માં કેન્ટન કોલેજ અને એક પ્રાઇવેટ શરૂ થઇ અને એ ૧૯૫૭ સુધી ચાલી. ત્યારબાદ ૧૯૩૦ અને ૧૯૫૦ના દાયકામાં વધુ શાળાઓ ખોલવામાં આવી. ૧૯૫૩માં, સ્પેન્સર-ચર્ચિલની મૂળ યોજનાના કેન્દ્રમાં સામાજિક કેન્દ્ર તરીકે ૧૯૨૩માં બાંધવામાં આવેલ પેલેસ્ટ્રા, મેસોનિક સેન્ટર બન્યું.
કેન્ટન એટલે જયુઇશની મોનોપોલી:
૧૯૩૦ દરમિયાન, ઘણા યહૂદી લોકો કેન્ટનમાં સ્થળાંતર થયા. આ સમયગાળા દરમિયાન યહૂદીઓની સંખ્યા, જે મોટે ભાગે યુનાઈટેડ સિનાગોગ સાથે સંકળાયેલી હતી, એ હેરોમાં, ખાસ કરીને કેન્ટન અને વેમ્બલી વિસ્તારમાં સ્થળાંતર થઈ. જ્યારે વોન રોડ પરિસર હસ્તગત કરવામાં આવ્યું ત્યારે, કેન્ટન યહૂદીઓના જૂથે બીજા મંડળની રચના કરી જેણે ૧૯૪૮માં કેન્ટન પાર્ક એવન્યુમાં સિનાગોગની સ્થાપના કરી, જે ૧૯૪૯માં યુનાઈટેડ સિનાગોગ સાથે સંલગ્ન અને એક વર્ષ પછી પૂજા માટે નોંધાયેલ. ૧૯૫૮માં શાફ્ટ્સબરી એવન્યુ, કેન્ટનમાં એક ઈમારત બાંધવામાં આવી હતી અને ૧૯૬૨માં એને વિસ્તૃત કરવામાં આવી હતી. ૧૯૬૫માં એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે લંડન બરો ઓફ હેરો અને બ્રેન્ટના કેન્ટન, વેમ્બલી ભાગમાં આશરે ૨૧,૦૦૦ યહૂદી લોકો હતા.
૧૯૯૬ માં, શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર જે વોગન રોડ, વેસ્ટ હેરોમાં હતું. સમયાંતરે સ્વામિનારાયણ સત્સંગીઓની સંખ્યામાં વધારો થતાં મંદિર વેસ્ટ હેરોથી વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન ખાતે ખસેડવામાં આવ્યું. આજે શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિરની કાષ્ટકલાકૃત ભવ્ય ઇમારત અનેકવિધ પ્રવૃત્તિઓ, ઉત્સવોથી સતત પ્રવૃત્ત રહે છે. કોરોનાકાળમાં આ મંદિરે અન્ય મંદિરોની જેમ ખૂબ સરાહનીય સેવાકાર્ય કર્યાં છે એટલું જ નહિ પણ મંદિરના પરિસરમાંથી સ્થાનિક લોકો માટે કોવિડ વેકસીનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ૧૮મી સદીની શરૂઆતમાં કેન્ટનનું પહેલું પ્લાવ પબ્લિક હાઉસ ખુલ્યું હતું એની અત્યારે મૂળ ઇમારત નથી પણ ત્યાં હવે એક ઈન્ડો-ચાઈનીઝ ફ્યુઝન રેસ્ટોરન્ટ અને બ્લુ જીંજર નામની રેસ્ટોરન્ટ- બાર છે.
'''''
ખાસ નોંધ:
વર્તમાન કેન્ટન રોડના બીઝનેસીસ વિષે સ્થાનિક વેપારીઓને મળી એમના પ્રતિભાવ લખીશું.-અસ્તુ.

‘ગુજરાત સમાચાર’ના આ અંકમાં કેન્ટન સ્પેશિયલ ફિચર ‘કેન્ટનમાં આપનું સ્વાગત છે’ પ્રસિદ્ધ કર્યો છે. આ દરમિયાન કેન્ટનવાસીઓનો ભરપૂર સહકાર મળ્યો. સામાજિક - રાજકીય - વ્યાપારિક અગ્રણીઓ સાથે વિસ્તારપૂર્વક વાતચીત થઈ અને તેમની મહેનત તથા સફળતાની પ્રેરણાસ્પદ સફર સાંભળવાની તક મળી. આ વિશેષ અંકે કેન્ટનવાસીઓ સાથે એક શાશ્વત જોડાણ બનાવ્યું છે. આ સાથે જ આગામી દિવસોમાં ‘ગુજરાત સમાચાર’ હવે નોર્થ હેરો વિસ્તાર ઉપર સ્પેશિયલ ફિચર પ્રસિદ્ધ કરશે. હું અમારી ટીમ સાથે ટૂંક સમયમાં જ નોર્થ હેરો વિસ્તારના અગ્રણીઓને રૂબરૂ મળવા આવીશ. હંમેશની જેમ આપ સહુના સહકારની અપેક્ષા સાથે..

પૂજા રાવલ,
મેનેજર, બિઝનેસ ડેવલપમેન્ટ


comments powered by Disqus