સમાજવાદી અને નસીબવાદી ભારતમાં નવા ડિજિટલ મૂડીવાદનો ઉદય થઈ રહ્યો છે. નોકરી કરવાના બદલે પોતાના એન્ટરપ્રાઈઝ કે બિઝનેસના માલિક બનવાનું સ્વપ્ન સાકાર કરવામાં યુવાનો આગળ આવી રહ્યા છે. પહેલા પાનના ગલ્લાઓ પર કે ચોરેચૌટે ક્રિકેટ અને ફિલ્મોની વાતો જ થતી હતી તેનું સ્થાન હવે બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટ કે શેરબજારની વાતોએ લીધું છે. ભારતના 1.4 બિલિયન લોકસમૂહ માટે ‘ટોટલ પ્રોફિટ’ અને ‘ટામ- ટોટલ એડ્રેસેબલ માર્કેટ’ જેવાં શબ્દો નવા કે અછૂતાં રહ્યા નથી.
ભારતમાં વિકાસ સાધવા માટે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ (FDI) આવશ્યક સાધન ગણી શકાય. ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ 2021ના કેલેન્ડર વર્ષમાં ઘટીને 74.01 બિલિયન ડોલર થયો હતો જે તેની અિગાઉના વર્ષના 87.55 બિલિયન ડોલરની સરખામણીએ 15 ટકા ઓછો છે. વિદેશી મૂડીરોકાણ મુખ્યત્વે કોમર્શિયલ બિઝનેસ નિર્ણયો હોય છે અને પ્રાકૃતિક સ્રોતોની પ્રાપ્યતા, બજારના કદ, માળખાકીય સવલતો, રાજકીય અને સામાન્ય ઈન્વેસ્ટમેન્ટની આબોહવા સહિતના અનેક પરિબળો પર આધારિત રહે છે. ભારતે વિદેશી મૂડીરોકાણ આકર્ષવા વ્યૂહાત્મક મહત્ત્વના ચોક્કસ ક્ષેત્રો સિવાય બેન્કિંગ, ઈન્સ્યુરન્સ, રીટેઈલ તેમજ ડિફેન્સ અને એગ્રીકલ્ચર સેક્ટર્સમાં પણ વિદેશી મૂડીરોકાણના નિયમનો હળવાં કર્યાં છે. મોટા ભાગના સેક્ટર્સ માટે 100 ટકા મૂડીરોકાણની છૂટ જાહેર કરી છે અને તેના સારાં પરિણામ પણ મળી રહ્યા છે. જોકે, ચીનની સરખામણીએ ભારત હજુ પાછળ છે તેનું કારણ એ પણ છે કે ચીનમાં સ્ટાર્ટ અપ્સ લગભગ ગૃહઉદ્યોગ બની ગયો છે. તેને સસ્તી મજૂરી અને રોકાણલક્ષી કાયદાઓનો લાભ છે જેના નિર્ણયો મુખ્યત્વે સરકાર હસ્તક જ હોય છે. ભારત લોકશાહી રાષ્ટ્ર હોવાથી તેને બંધારણીય માર્ગે જ ચાલવાનું રહે છે જ્યારે ચીન માટે આવા કોઈ નિયંત્રણો નથી. બીજી તરફ, ભારતની આર્થિક વૃદ્ધિની સરખામણીએ ચીનની વૃદ્ધિ થોડી ધીમી પડી છે જેનો લાભ ભારત ઉઠાવી શકે તેમ છે. 1.35 બિલિયનની વસ્તી ધરાવતો ભારત દેશ એક સમયના એશિયન જાયન્ટને હંફાવી શકે તેમ છે. વિશ્વના તમામ દેશોમાં ભારતીય બુદ્ધિધનનો સિક્કો વાગી રહ્યો છે જેમાં ચીન પાછળ પડી રહ્યું છે. ચીનની બાળનિયંત્રણ નીતિ તેને ભારે પડી રહી છે.
તાજેતરમાં જ યુકેના ધ એપ્રેન્ટિસ શોમાં લોર્ડ એલન સુગરે ભારતવંશી હરપ્રીત કૌરના બિઝનેસમાં મોટું મૂડીરોકાણ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતમાં પણ બિઝનેસ અને ઈન્વેસ્ટમેન્ટલક્ષી રિયાલિટી ‘શાર્ક ટેન્ક’ની લોકપ્રિયતા વધી રહી છે તેની પાછળનું કારણ એ કહી શકાય કે સામાન્ય ભારતીયો પણ પોતાના બિઝનેસ આઈડિયા માટે સફળ ઉદ્યોગસાહસિકો પાસેથી રોકાણ મેળવવા ઉત્સુક થયા છે. શાર્ક ટેન્કને બિઝનેસ આઈડિયામાં રોકાણો માટેની 85,000 અરજી મળી હતી. આમાંથી માત્ર 198 આઈડિયા પાંચ જજીસની જ્યૂરી સમક્ષ પહોંચી શક્યા છે. સ્વબળે આગળ વધવાનો યુવાવર્ગનો ઉત્સાહ છલકાય છે.
આપબળે ઉદ્યોગપતિ બની કોસ્મેટિક્સ અને ડ્રગ્સથી માંડી ધરતી પર જોડીઓ બનાવતી મેચમેકિંગ એપ અને ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સના ક્ષેત્રોમાં ચીલો ચાતરનારા જજીસ પાસેથી 67 સ્ટાર્ટઅપ્સ મૂડીરોકાણ મેળવવામાં સફળ થયા તેમાંથી 60 ટકા જેટલા તો પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો હતા અને 40 ટકાથી વધુમાં મહિલા સહસ્થાપકો હતી અને 33 ટકા સહસ્થાપકો બેંગલુરુ, દિલ્હી કે મુંબઈ જેવા મહાનગરોમાંથી નહિ પરંતુ, નાનકડા શહેરમાંથી આવ્યા હતા. વિજેતા બિઝનેસીસમાંથી માત્ર નવ સ્થાપકો પાસે પ્રખ્યાત ઈજનેરી કે બિઝનેસ સ્કૂલની ડીગ્રી હતી. એ પણ વિચારવા જેવું છે કે અત્યાર સુધી બિઝનેસ સામ્રાજ્યના પગથિયાં ચડવા માટેનો રાજમાર્ગ આવી ડીગ્રીઓ થકી ખૂલતો હતો.
ભારતીયોમાં ઉદ્યોગસાહસિકતાનું પ્રમાણ વધ્યું છે. ભારતીય એન્ટ્રેપ્રીન્યોર્સે ગત બે વર્ષમાં 310,000થી વધુ નવા બિઝનેસીસ રજિસ્ટર્ડ કરાવ્યા છે. અગાઉના બે વર્ષમાં આ સંખ્યા 250,000ની હતી. માર્ચ 2019 અને નવેમ્બર 2021ના ગાળામાં રીટેઈલ સ્ટોકપાઈલર્સની સંખ્યા બમણી થઈને 77 મિલિયનની થઈ છે. એમ કહેવાય છે કે જરૂરિયાત શોધખોળની માતા છે તેના હિસાબે કોરોના મહામારીમાં ભારે ફટકો પડ્યો અને લાખો લોકો નવી તકો શોધવા માટે આગળ આવ્યા હતા. જોકે, આ સંપૂર્ણ સત્ય નથી. કેટલાક લોકોએ સ્વપસંદગીથી આ માર્ગ શોધ્યો હતો. એક સમયે યુવાનો સિવિલ સર્વિસની પરીક્ષાઓ આપી બ્યૂરોક્રેટ બનવા ઈચ્છતા હતા પરંતુ, હવે કેપિટાલિસ્ટ કે ઉદ્યોગપતિ બનવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. વિશ્વના રાજકીય તખતા પર ભારતે અનોખુ સ્થાન હાંસલ કર્યું છે. અમેરિકા જેવા દેશો માટે ભારત અણગમતું હોવાં છતાં, તેને વ્યૂહાત્મક પાર્ટનર બનાવવાની ફરજ પડે છે કારણકે આ અનેકતામાં એકતાનું નવું ભારત છે.
