કોઈ પણ દેશ માટે ઓછી આયાત અને વધુ નિકાસનો મંત્ર ફળદાયી બની રહે છે. દેશના અર્થતંત્રને આગળ વધારવા માટે સ્વદેશી ઉત્પાદનોની વિદેશમાં ખપત વધે તે જરૂરી છે. આયાત પાછળ જે જંગી ખર્ચો કરવો પડે છે તેની જગ્યાએ દેશમાં જ તેનું ઉત્પાદન કરી આત્મનિર્ભરતા હાંસલ કરવાની નીતિ ભારતે અપનાવી છે. ભારત માટે આનંદ અને ગર્વની બાબત એ છે કે વર્તમાન નાણાવર્ષમાં ભારતે પ્રથમ વખત 400 બિલિયન ડોલરના માલસામાનની નિકાસ કરવાનો લક્ષ્યાંક પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે અને છેલ્લા પાંચ મહિનામાં જ 164 બિલિયન ડોલરના મૂલ્યની નિકાસ કરવામાં આવી છે.
મોટા ભાગના દેશોમાંથી ભારતની નિકાસની સરખામણીએ આયાતો વધુ રહેવાથી વેપારખાધ સર્જાય છે જે અર્થતંત્ર માટે નુકસાનકારી છે. આયાત અને નિકાસ વચ્ચેની ખાઈ પૂરવા માટે પણ નિકાસ વધારવી જરૂરી બની રહે છે. અત્યાર સુધી વિદેશવેપારમાં ચીન અને અમેરિકા જેવી મહાસત્તાઓનું પ્રભુત્વ રહ્યું છે તેને તોડવા તરફ ભારતે આગેકૂચ કરી છે. કોરોના મહામારી પછી ભારતે તેની નિકાસો વધારી વિદેશના બજારોમાં નોંધપાત્ર પગપેસારો કર્યો છે.ઉત્તમ ગુણવત્તા અને સ્પર્ધાત્મક કિંમતોના કારણે વિદેશોમાં ભારતીય માલસમાનની ખપત વધી છે.
ભારતની નિકાસોમાં પેટ્રોલિયમ પેદાશો, રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, રત્નો અને હીરા-ઝવેરાત, જવેલરી, આભુષણો તેમજ એન્જિનીઅરીંગ માલસામાનનો સમાવેશ થયો છે. સરકારે સ્વદેશી અને આત્મનિર્ભર ઉત્પાદનો વધારી તેની નિકાસ વધારવાને આપેલા પ્રોત્સાહનો ઉગી નીકળ્યા છે. વિદેશી માલના ડમ્પિંગને અટકાવવા આયાતો પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનું પગલું પણ લેવાયું છે.
દેશની નિકાસોમાં ગુજરાતની વાત કરીએ તો નિકાસ કામગીરીમાં ફરી એક વખત અગ્રસ્થાન હાંસલ કર્યું છે. નીતિ આયોગના રેન્કિંગમાં તટવર્તી રાજ્ય ગુજરાતને સૌથી વધુ 78.86 પોઈન્ટ અને દેશના વેપારઉદ્યોગનું કેન્દ્ર ગણાતા રાજ્ય મહારાષ્ટ્રને 77.14 પોઈન્ટ અપાયા છે. ગુજરાતે દેશની નિકાસોમાં 101.2 બિલિયન ડોલરનો ફાળો નોંધાવ્યો છે જે કુલ નિકાસોમાં 25 ટકાનો હિસ્સો છે.
યુકેની વાત કરીએ તો ચાન્સેલર રિશિ સુનાકે હાલમાં જ સ્વીકાર્યું છે કે બ્રેક્ઝિટ પછી યુકેએ ઈયુ સિંગલ માર્કેટ અને કસ્ટ્મસ યુનિયન છોડવું પડ્યું તેનાથી નિયંત્રણો વધ્યા છે અને બ્રિટિશ નિકાસકારોને યુરોપમાં નિકાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. નિકાસ જ્યારે અર્થતંત્રના પ્રાણ સમાન હોય ત્યારે આવું ચાલી શકે નહિ. ભારતે આ બિઝનેસ નિયંત્રણો અનુભવ્યા છે અને તેથી જ વેપાર સરળ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે જેને સફળતા પ્રાપ્ત થઈ છે.
