ઇસ્લામાબાદઃ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા રવિવારે પાકિસ્તાનનાં પીએમ ઈમરાનખાને પરેડ ગ્રાઉન્ડ ખાતે મેગા રેલીને સંબોધી હતી. તેમણે આક્ષેપો કર્યા હતા કે મારી સરકાર ઉથલાવવા અને મને સત્તા પરથી હાંકી કાઢવા માટે લોકોએ પૈસા આપીને મારા સાંસદોને ખરીદવાની કોશિષ કરી છે પણ તેઓ તેમાં નિષ્ફ્ળ રહ્યા છે. પાકિસ્તાન બહારનાં તત્વો દેશનાં આંતરિક માળખાને ખોરવી રહ્યા છે. વિપક્ષોનાં ત્રણ ઉંદર દેશને લૂંટી રહ્યા છે. ઈમરાનખાને કહ્યું કે મેં ધનિકો પર ટેક્સ લગાવી તે પૈસા ગરીબોને આપ્યા છે તેમનાં કલ્યાણ માટે ખર્ચ કર્યા છે. ભલે મારી સરકારને જવું પડે કે મારે જીવ આપવો પડે પણ હું મુશર્રફ જેવા લોકોને કે ગૂનેગારોને કે ભ્રષ્ટ નેતાઓને માફ નહીં કરૂં.
ઇમરાન સરકારે બહુમતી ગુમાવી : બિલાવલ
બિલાવલ ઝરદારી ભુટ્ટોએ કહ્યું છે કે ઈમરાન ખાન સરકારે બહુમતી ગુમાવી છે તેમની પાસે હવે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે અન્ય વિપક્ષો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ.
પાક. સંસદમાં ઇમરાન સામે અવિશ્વાસ પ્રસ્તાવઃ ૩૧ માર્ચે થશે મતદાન
પાકિસ્તાનની સંસદમાં વડાપ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ ગઈ છે. જો કે તેની સાતે જ 31 માર્ચ સુધી સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવી છે. સ્પીકરે જણાવ્યું હતું કે 31 માર્ચે સાંજે ચાર કલાકે આ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે કે જે ઇમરાન ખાન સરકારના ભવિષ્યનો નિર્ણય કરશે. નોંધનીય છે કે ઇમરાન સરકાર સામેની અવિશ્વાસ દરખાસ્તને 161 સાંસદોએ સમર્થન કર્યું છે.
ઈમરાન અને તેમના પત્ની બુશરા બીબી પર છ અબજ રૂપિયાની લાંચનો આરોપ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હાલ ગમે ત્યારે વડાપ્રધાન પદ ગુમાવી શકે તેમ છે. આ સ્થિતિ વચ્ચે ઈમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબી પર 6 અબજ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. પાકિસ્તાનના વિપક્ષ મુસ્લિમ લીગ નવાઝના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે ઈમરાન ખાન અને તેમના પત્ની પર છ અબજ પીકેઆર (પાકિસ્તાની રૂપિયા)ની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

