ગયા સપ્તાહના "સમાજ દર્પણ"માં આપે વાંચ્યું હશે કે, સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. પરિવર્તનના એક ભાગ રૂપે હવે અહિંસા અને શાકાહારને મહત્વ અપાઇ રહ્યું છે. ભારત વિશ્વ ગુરૂ બનવાની દિશામાં ડગ માંડી રહ્યાનું સ્પષ્ટ જોઇ શકાય છે. ૨૧જુને સમગ્ર વિશ્વે યોગા દિન ઉજવ્યો. યોગાનું મહત્વ દુનિયાને સમજાઇ ગયું છે. હવે આપને એક એવા સમાચાર આપીશ કે ભારતીય હોવાના નાતે કોલર ઊંચા કરવાનું મન રોકી નહિ શકો!
અમેરિકા દુનિયાની મહાસત્તા ગણાય છે. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે દોલત હોય તો દુનિયાની કોઇપણ ચીજ ખરીદી શકાય છે, સિવાય માતા-પિતા. અમેરિકા પાસે દોલત હોવા છતાં એના ગન કલ્ચર પર કાબૂ મેળવવાની લાચારી અનુભવે છે. સ્કુલો, કોલેજો, અરે! સરેઆમ સાર્વજનિક જગ્યાઓ પર પણ બંદૂકની ગોળીએ સંખ્યાબંધ માનવીઓના જાન લેવાયા છે કે ઘાયલ કરાયા છે. જેના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા વર્ષમાં ૭૦૦ સામૂહિક ફાયરીંગ થયેલ છે. ક્રૂરતાએ માઝા મૂકી છે. ગોળીબારનો આ સીલસીલો, હિંસાચારને કઇ રીતે અટકાવવો? અમેરિકન સરકાર માટે એ માથાનો દુખાવો બની ગયો છે.
જૈન ધર્મે એમાં આશાનું કિરણ દેખાડ્યું છે.
આ સમસ્યાના સૂલઝાવ માટે આપણો ભારતનો અહિંસા ધર્મ વ્હારે આવ્યો છે. ગન કલ્ચરની સમસ્યાના સમાધાન માટે સરકાર સમક્ષ જૈનાએ પ્રસ્તાવ ઘણા સમયથી મૂક્યો હતો. જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકાની સંસ્થા "જૈના"ના આ પ્રસ્તાવને પાર્લામેન્ટમાં મંજૂરી મળી ગઇ છે. આ વિષય પર છેલ્લા ઘણા સમયથી ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. આખરે મંજૂરીની મ્હોર લાગતા અહિંસા પરમો ધર્મ બની જશે.
"અહિંસા અને સાત્વિક આહાર-શાકાહાર" વિષયને કોલેજમાં દાખલ કરવાનું નક્કી કરાયું છે. અમેરિકાની ૪૦ યુનિવર્સિટીઓમાં જૈન ધર્મના અભ્યાસક્રમ શરૂ કરવા જૈન સમુદાય આગળ આવ્યો છે. એના અભ્યાસક્રમની રૂપરેખા બની રહી છે. અમેરિકા અને કેનેડામાં મળી દોઢેક લાખ જેટલા જૈનો છે. આ પ્રોજેક્ટનો અંદાજી ખર્ચ ૪૫૦ કરોડ રૂપિયા જેટલો થશે. એના આ પ્રથમ ચરણનો ખર્ચ ૧૫૦ કરોડ રૂપિયા થશે. આ ખર્ચ જૈનોએ ઉપાડી લીધો છે. એના સૌથી મોટા દાતા ડો. જશવંત દોશીએ ૯૬ કરોડ રૂપિયાનું માતબર દાન ફાળવ્યું છે. ઘણાં સ્કોલરોએ ભારત જઇ જૈન કલ્ચર સમજવા અને શીખવાનો અનુભવ મેળવવા ભારતભરના મહત્વના સ્થળોની મુલાકાત લઇ અભ્યાસ કરી Ph.D. ની ડીગ્રી મેળવી છે. મતલબ કે હવે ભારતના અહિંસાના પાઠ અમેરિકન વિદ્યાર્થીઓ શીખશે અને જીવનમાં પરિવર્તન લાવશે. ક્રમશ: ગન કલ્ચર અહિંસા કલ્ચર તરફ વળશે.
ઘણાં દેશોમાં સંસ્કૃત પણ શીખવાડાય છે. આયુર્વેદ પણ સર્વમાન્ય બનતું જાય છે. આપણા રસોડામાં વપરાતા મસાલાના મહત્વનો ય પ્રચાર-પ્રસાર જોરશોરથી થઇ રહ્યો છે. આમ ભારતની સંસ્કૃતિ તરફનો વિશ્વનો ઝૂકાવ વધી રહ્યો છે. ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પ્રભાવને માન્યતા મળી રહ્યાનું જાણી આપણા સૌને આનંદ અને ગૌરવ ઉપજે એમાં શંકા નથી.
કોલીન્ડલ-લંડનના નૂતન જૈન સેન્ટરના લાભાર્થે ભરત શાહે સ્વીકારેલ "૩ નેશનલ પીક્સ ચેલેન્જ"
જૈન સેન્ટરના વિકાસમાં સહાયરૂપ બનવા શ્રી ભરત શાહે "૩ નેશનલ પીકસ્ ચેલેન્જ" પર પસંદગી ઉતારી છે. ૮ જુલાઇથી દરરોજ એક-એક કરી બ્રિટનના ત્રણ ઊંચા પર્વતોના કપરાં ચઢાણ ત્રણ દિવસમાં પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે. “*સ્કોટલેન્ડનું "બેન નેવીસ" * ઇંગ્લેન્ડનું સ્કાફેલ પીક અને *વેલ્સનું સ્નોડન મળી ૨૬ માઇલનું ચઢાણ, કુલ ઊંચાઇ ૩૦૦૦ માઇલ અને લગભગ ૬૮,૦૦૦ પગથિયાંના આ પીક્સનો મોટો પડકાર મેં ઝીલ્યો છે. જીવનમાં કદીય ટ્રેકીંગ કર્યું નથી. આ પડકાર મારા માટે મોટો છે પણ એથી મોટું કામ મારી દ્રષ્ટિએ જૈન સેન્ટરને મદદરૂપ થવાનું છે", એમ "ગુજરાત સમાચાર"ને ભરત શાહે જણાવતા ઉમેર્યું હતું કે ડો.નટુભાઇએ આદરેલ આ ભગીરથ પ્રોજેક્ટ સૌના સાથથી પૂર્ણ થશે એવી મને શ્રધ્ધા છે. સૌને ફુલ નહિ તો ફુલની પાંખડી મદદ કરવા નમ્ર અરજ. દાન નોંધાવનારે
http://justgiving.com/fundraising/bharatshah3peaks
જૈન સેન્ટરમાં આંતર રાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી
રવિવાર ૨૬ જુનના રોજ જૈન નેટવર્ક, કોલીન્ડલ ખાતે ઇન્ટરનેશનલ યોગા ડેનું આયોજન જૈન નેટવર્ક અને પતંજલિ યોગા પીઠ યુ.કે.ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જાણીતાં યોગ શિક્ષિકા કલ્પના બહેન અને એમના પતિશ્રી ભરતભાઇ પટેલે આ દિવસનું સંચાલન કર્યું હતું. એમાં ૩૫થી વધુ વડિલો સહિત એક નાના બાળકે એનાં મમ્મી તેમજ દાદી સાથે ભાગ લીધો હતો. ૨૦૧૧થી આ સેન્ટરમાં કલ્પના બહેન યોગા વર્ગની સેવા વિના વેતને આપી રહ્યાં છે.
૨૦૦૬માં યોગ ગુરૂ પૂ.રામદેવજી આવ્યા ત્યારથી પતંજલિ ટ્રસ્ટ યુ.કે.ના સ્થાપક બની યોગા ટીચરની ટ્રેનિંગ મેળવી આ દંપતિ સમાજને સેવા સાદર કરી રહ્યાં છે. કલ્પનાબહેને "ગુજરાત સમાચાર"ના સેવા અને જ્ઞાન યજ્ઞને બિરદાવ્યો હતો.
લોકડાઉન બાદ પ્રથમ વાર આંતર રાષ્ટ્રીય યોગા દિન નિમિત્તે સૌ એકત્ર થયા અને માનવ સંપર્કની મહત્તા મહસૂસ કરી. આ પ્રસંગે જૈન સેન્ટરના સર્વેસર્વા ડો. નટુભાઇ શાહને ખાસ યાદ કરી એમને અંજલિ આપી એમની ખોટ વરતાઇ હોવાનું સૌએ સ્વીકાર્યું. સ્વર્ગસ્થના પ્રેરણાદાયક સામાજિક કાર્યને આગળ ધપાવવાની જવાબદારી સૌએ નિભાવવાની નૈતિક ફરજ બજાવવા ઉત્સુકતા દાખવી. સભાને સંબોધન કરતાં ભટ્ટ દંપતિએ યોગાનું મહત્વ અને એનો ઇતિહાસ રજુ કર્યો.
સાચું સુખ તન-મનનું છે જે દોલતથી ખરીદાતું નથી પરંતુ નિયમિત યોગ દ્વારા મેળવાય એ દુનિયાભરના લોકો સ્વીકારતા થયા છે. આપણા ભારતના દીર્ધ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીની આ સિધ્ધિ ભારત અને ભારતીય સંસ્કૃતિને ગૌરવ અપાવે છે. આ દિવસમાં હાજર રહી સભાને સંબોધવાનું સૌભાગ્ય મને પણ સાંપડ્યું હતું.
આ સાથે જાણીતા નૃત્યકાર શ્રી સતીષ શાહે ઉપસ્થિત રહી ડાન્સ યોગા પણ કરાવેલ સૌ વડિલોએ આ સવા કલાકના યોગમાં ઉમંગભેર ભાગ લઇ છેલ્લે હાસ્ય યોગથી એનું સમાપન થયું. અલ્પાહાર કરી ફરી મળવાના કોલ સાથે સૌ વિદાય થયાં હતાં.

