ગોધરાકાંડઃ આખરે દૂધનું દૂધ, પાણીનું પાણી થયું

Wednesday 29th June 2022 06:33 EDT
 

આખરે સત્ય બહાર આવીને રહ્યું છે. વર્ષોથી ગુજરાતના 2002ના રમખાણો બાબતે તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કથિત સંડોવણીના મુદ્દા અને આક્ષેપો પર સુપ્રીમ કોર્ટે ફીંડલું વાળી દીધું છે. ગુજરાતમાં રમખાણો પૂર્વયોજિત કાવતરું હતા તેવા દાવા સાથે તત્કાલીન મુખ્યપ્રધાન મોદી તથા અન્યો સામે કાયર્વાહીની ઝાકિયા જાફરીની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રમખાણોની વિશદ તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના રિપોર્ટ સામે પણ જે પ્રશ્નો ઉઠાવાયા હતા તે તમામને એક ઝાટકે ફગાવી કોર્ટે ખોટા નિવેદનો અને દસ્તાવેજો ઉભા કરનારા લોકો સામે તત્કાળ પગલા લેવાનો નિર્દેશ આપીને નવી દિશા પણ ચીંધી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો વડા પ્રધાન મોદીની રાજકીય કારકિર્દીના સૌથી અઘરા પ્રકરણનું દેખીતું સમાપન છે.
કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત 68 લોકોની હત્યાના ગુલબર્ગકાંડમાં નરેન્દ્ર મોદીને સંડોવવાનો ચોક્કસ સ્થાપિત હિતોનો પ્રયાસ સફળ થયો નથી. એટલું જ નહિ, સુપ્રીમ કોર્ટે નુક્તેચીની પણ કરી છે કે SITના રિપોર્ટ વિરુદ્ધ જાફરીના વિધવા ઝાકિયાની લાગણીઓ સાથે રમત રમવામાં આવી છે અને તેમને આગળ ધરી બનાવટી દસ્તાવેજોના આધારે પગલાં લેવાની અરજી કરવામાં આવી છે. SITના રિપોર્ટમાં તિસ્તા સેતલવાડે શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સાથે મળીને ‘નિર્દોષ લોકોને હાનિ પહોંચાડવા માટે ખોટી અને દુષ્ટતાપૂર્ણ ગુનાઈત કાર્યવાહી કરી હતી’નો દાવો પણ કરાયો હતો અને સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટમાં કશું ખોટું નહિ હોવાનું સ્પષ્ટ નીરિક્ષણ પણ કર્યું છે.
કોર્ટે તો એટલે સુધી જણાવ્યું છે કે છેલ્લાં 16 વર્ષથી વર્તમાન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. કુટિલ કાવતરાંને ઉઘાડું પાડવાની પ્રક્રિયામાં સામેલ પ્રત્યેક પદાધિકારીની ઈમાનદારી સામે પણ સવાલ ઉઠાવવાની ધૃષ્ટતા કરાઈ હતી. આ ન્યાય પ્રક્રિયાના આવા દુરુપયોગમાં સામેલ તમામ લોકો સામે વાસ્તવમાં કાયદાકીય પગલાં લેવાં જોઈએ.
તત્કાલીન મુખ્યપ્રધાન મોદીએ રમખાણો શરૂ થવા સાથે એક બેઠકમાં હિન્દુઓને હુમલાનો સમય મળી રહે તેવી ચેષ્ટા કરી હોવાનો અને પોતે તે બેઠકમાં હાજર હોવાનો દાવો પણ IPS ઓફિસર સંજીવ ભટ્ટે કર્યો હતો. સિટની તપાસમાં આવી કોઈ બેઠક યોજાઈ ન હોવાનું સત્ય બહાર આવ્યું હતું પરંતુ, આવાં જૂઠાણાંના કારણે મોદીની સ્વચ્છ છબી ખરડાઈ હતી તે ભૂલવું ન જોઈએ.
નવાઈની વાત તો એ કહી શકાય કે કહેવાતા માનવાધિકાર કર્મશીલ તિસ્તા સેતલવાડને સુપ્રીમ કોર્ટની નિરિક્ષણોના આધારે ધરપકડ કરી જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેમણે એમ કહ્યાનું મનાય છે કે તમારું ધાર્યું કરી છે. અમારી સરકાર પણ આવશે. જોકે, હવે તિસ્તા, પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને અટકાયતમાં લેવાયાં છે ત્યારે તેમની સમક્ષ ઘણા ઓછાં વિકલ્પો રહ્યા છે.
રાજકારણમાં ન્યાયિક પ્રક્રિયાનો આશરો લઈ મેલી રમતો રમવામાં આવે તેને ક્યાં સુધી ચલાવી લેવાય તે મોટો પ્રશ્ન છે. આથી જ સુપ્રીમ કોર્ટે સખત પગલું લીધું છે કારણકે ન્યાયતંત્રમાં આસ્થાનો પણ સવાલ ઉભો થાય છે સત્યને લાંબો વખત દબાવી કે છુપાવી શકાતું નથી તે આ ચુકાદાથી પુનઃસ્થાપિત થયું છે.


comments powered by Disqus