અમદાવાદઃ ગૌતમ અદાણીએ પોતાના 60મા જન્મદિવસ અને પિતા શાંતિલાલભાઈ અદાણીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે 60 હજાર કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. સખાવત માટે ભારતમાં અત્યાર સુધીની આ સૌથી મોટી પ્રતિબદ્ધતા છે. આ સાથે અદાણી માર્ક ઝકરબર્ગ અને વોરેન બફેટ જેવા અબજોપતિઓની હરોળમાં જોડાયા છે, જેમણે તેમની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકાર માટે આપવાની પહેલ કરી છે.
આ ભંડોળ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થ
કેર, શિક્ષણ, સ્કિલ ડેવલપમેંટના ક્ષેત્રોમાં સખાવતી પ્રવૃત્તિઓ માટે વાપરવામાં આવશે. આ દાનનું સંચાલન
અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પ્રીતિબેન અદાણી કરે છે.
“મારી પ્રેરણાના મજબૂત સ્ત્રોત એવા મારા પિતાજીની 100મી જન્મજયંતિ હોવા ઉપરાંત આ વર્ષ મારા 60મા જન્મદિવસનું વર્ષ પણ હોવાથી પરિવારે આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધી સખાવતી પ્રવૃત્તિઓ માટે રૂ. 60 હજાર કરોડનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આ ત્રણેય ક્ષેત્રો આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા માટે ચાલકબળની રચના કરે છે. અદાણી પરિવારનું આ યોગદાન એવા કેટલાક તેજસ્વી પ્રતિભાવાનોને આકર્ષવાનો ઇરાદો ધરાવે છે કે જેઓ અમારી ‘ગ્રોથ વિથ ગુડનેસ’ની ફિલોસોફીને પરિપૂર્ણ કરવાનો જુસ્સો ધરાવે છે.”
- ગૌતમ અદાણી
ભારતના સૌથી ધનાઢ્ય લોકો અને સખાવત
ભારતના સૌથી ધનાઢ્ય લોકોની ભૂતકાળમાં સખાવતી હેતુઓ માટે વધુ દાન ન કરવા બદલ ટીકા કરવામાં આવી છે. ગ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ બેઈન એન્ડ કંપની દ્વારા ઈન્ડિયા ફિલાન્થ્રોપી રિપોર્ટ 2021માં જણાવાયું છે કે 500 અબજ રૂપિયાથી વધુની નેટવર્થ ધરાવતા દેશના અતિ સમૃદ્ધ વ્યક્તિઓએ તેમની સંપત્તિના 0.5% દાનમાં આપ્યા છે.
જમશેદજી ટાટા, જેમણે ટાટા ટ્રસ્ટ્સની સ્થાપના કરી છે, તે છેલ્લી સદીના સૌથી ઉદાર વ્યક્તિ છે. તેમના દ્વારા કરેલા કુલ દાનનું વર્તમાન મૂલ્ય $102 બિલિયનથી વધુ છે. FY21 માં, પ્રેમજીએ ચેરિટી માટે $1.3 બિલિયન અથવા રૂ. 9,713 કરોડનું દાન કર્યું હતું. 2021ના હુરુન ઈન્ડિયાના અહેવાલ મુજબ HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદરનો પરિવાર બીજા સૌથી મોટા દાતા હતા. હવે અદાણીએ નવો દાખલો બેસાડ્યો છે. અદાણીની હાલની સખાવતની રકમ બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે 2021માં તેમના ફાઉન્ડેશનને જે દાન આપ્યું હતું તેની લગભગ અડધી છે, જ્યારે ભૂતપૂર્વ દંપતીના કુલ દાનનું મૂલ્ય $74.6 બિલિયન છે.
તથ્યો અને આંકડા:
1.અદાણી ફાઉન્ડેશન ભારતના 16 રાજ્યોના 2,409 ગામડાઓમાં 3.7 મિલિયન લોકોને આવરી લે છે
1996 માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશને તેના સંસાધનો સામાજિક સેવા પર કેન્દ્રિત કર્યા છે જેનો ઉદ્દેશ ટકાઉ આજીવિકા, આરોગ્ય, પોષણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતના મુન્દ્રામાં ગ્રામીણ સમુદાયોથી શરૂ કરીને ફાઉન્ડેશન હવે ભારતના 16 રાજ્યોના 2,409 ગામડાઓમાં 3.7 મિલિયન લોકોને આવરી લે છે.
2. એશિયાના સૌથી ધનિક અબજોપતિ
અદાણી એ અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન છે, જે ભારતમાં છ જાહેર લિસ્ટેડ કંપનીઓ સાથે પોર્ટ અને એનર્જી સમૂહ છે. એપ્રિલ 2022માં, ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ મુજબ, અદાણીની સંપત્તિ $122.2 બિલિયન હતી.
તેઓ બફેટને પાછળ રાખીને વિશ્વના 5મા સૌથી અમીર બન્યા. ફોર્બ્સે અહેવાલમાં જણાવ્યું હતું કે અદાણીની અંદાજિત $123.7 બિલિયન નેટ વર્થ તેમને ભારત અને એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બનાવે છે, જે દેશના નંબર 2 શ્રીમંત મુકેશ અંબાણીની સરખામણીમાં $19 બિલિયન વધુ હતી.
3. વર્ષ 2008: અબજોપતિ રેન્કમાં પ્રથમપ્રવેશ
અદાણીની ઉદ્યોગસાહસિકતાની સફર 1988માં શરૂ થઈ હતી જ્યારે તેણે પિતાની કાપડની દુકાન છોડીને કોમોડિટી એક્સપોર્ટ ફર્મ શરૂ કરી હતી. ભારતના સૌથી મોટા બંદરના માલિક બન્યા. તેઓ 2008માં સૌપ્રથમ અબજોપતિની રેન્કમાં જોડાયા હતા, જ્યારે અંદાજિત નેટવર્થ $9.3 બિલિયન હતી.
4. વર્ષ 2021: $8.9 બિલિયનથી $50.5 બિલિયન
અદાણીની અંદાજિત સંપત્તિ એપ્રિલ 2021 સુધીમાં $8.9 બિલિયનથી વધીને $50.5 બિલિયન થઈ ગઈ હતી, જ્યારે ફોર્બ્સે તે વર્ષ માટે તેની વાર્ષિક વિશ્વના અબજોપતિઓની યાદી બહાર પાડી હતી. ફેબ્રુઆરી 2022 માં, તેણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા, સાથી ભારતીય અબજોપતિ મુકેશ અંબાણીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પાછળ છોડી દીધા. તેમની નેટ વર્થ ફરી એક વાર બમણી થઈને $90 બિલિયનથી વધુ થઈ ગઈ.
5. નવીનતમ: અદાણીએ ભારતની સૌથી મોટી કોપર રિફાઇનરી બનાવવા માટે $775 મિલિયન એકત્ર કર્યા
ગૌતમ અદાણી અને તેમના પરિવાર દ્વારા નિયંત્રિત અદાણી એન્ટરપ્રાઇઝિસ ભારતની સૌથી મોટી કોપર રિફાઇનરી બનાવવાની યોજનાઓ સાથે આગળ વધી રહી છે કારણ કે વિશ્વનું બીજા ક્રમનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર ધાતુની આયાત પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. એરપોર્ટ, ખાદ્ય તેલ, બંદરો, રિન્યુએબલ એનર્જી અને ટોલ રોડ્સમાં પણ રસ ધરાવતા આ સંગઠને ગત રવિવારે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના એકમે કચ્છ કોપરની આગેવાની હેઠળની બેંકોના સિન્ડિકેટ પાસેથી લોનમાં 60.7 અબજ રૂપિયા ($775 મિલિયન) એકત્ર કર્યા છે. પશ્ચિમ ભારતમાં અદાણીના ગૃહ રાજ્ય ગુજરાતમાં ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનિંગ પ્લાન્ટના નિર્માણને વેગ આપવા માટે આવકનો ઉપયોગ કરવામાં આવશે.
•••
"હું ગૌતમ અદાણી અને તેમના ફાઉન્ડેશનની આ પહેલને આવકારું છું. આપણે બધા મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોને જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે સંપત્તિ, પ્રદેશ કે ધર્મના દરેક વિભાજનને અવગણી ભેગા મળી કામ કરી રહ્યા છીએ આ સારી બાબત છે.” - અઝીમ પ્રેમજી, વિપ્રોના સ્થાપક અને અધ્યક્ષ
આ એક અદ્ભુત દાખલો છે. ગૌતમ અદાણી હવે લિજેન્ડ્રી રતન ટાટા, અઝીમ પ્રેમજીની યાદીમાં જોડાયા
- હર્ષ ગોએન્કા, અધ્યક્ષ આરપીજી
હું ગૌતમભાઈની આ પહેલથી ખૂબ જ પ્રભાવિત થયો છું. હું તેમના ઊંડા પારિવારિક મૂલ્યો અને ભારતને સમૃદ્ધ જોવાની પ્રતિબદ્ધતા માટે તેમની પ્રશંસા કરું છું.
- ઉદય કોટક, એમડી કોટક મહિન્દ્રા બેંક
પપ્પા, તમે એ પાયો છો જે અમારા પરિવારને એકસાથે રાખે છે: કરણ
પપ્પા તમે દર વર્ષે તમારી ઊર્જા અને જુસ્સાથી અમને પ્રેરણા આપો છો. તમારી સાથેનો દરેક અનુભવ મને પાઠ ભણાવે છે. તમે એ પાયો છો જે અમારા પરિવારને એક સાથે રાખે છે.
- કરણ અદાણી, CEO અદાણી પોર્ટ્સ એન્ડ SEZ
•••

