પર્યાવરણ અને સનાતન ધર્મનું સ્વરુપ

Wednesday 29th June 2022 06:34 EDT
 

આસ્થા-ધર્મ અને વિજ્ઞાન સાથોસાથ ચાલતા રહે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં બાપ્ટિઝમ અથવા દીક્ષાવિધિ હોય છે જેમાં બાળકનું નામકરણ પણ થાય છે. આ સમારોહમાં નવો ચીલો પાડવાની શરૂઆત થઈ છે. બિશપ ઓફ ઓક્સફર્ડ રેવ. સ્ટીવન ક્રોફ્ટે જાહેર ઉપાસનાનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને ડાયસિસ ઓફ ઓક્સફર્ડના અધિકારક્ષેત્ર હેઠળના 808 ચર્ચીસમાં હવે ક્રિશ્ચિયન્સને સર્જનના ગૌરવ તેમજ પૃથ્વી પરના જીવનની જાળવણી અને નવસર્જનની પ્રતિજ્ઞા લેવાનું કહેવાશે અને આસ્થાળુઓ ઈશ્વરેચ્છાથી આ કરવાનું વચન આપશે.
ક્લાઈમેટ ચેઈન્જના વિશ્વમાં આ નવી તરાહને અવશ્ય આવકાર મળશે અને મળવો જોઈએ કારણકે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની સર્વિસીસમાં આ સૌપ્રથમ પર્યાવરણલક્ષી સુધારો કરાયો છે. બિશપ ઓફ ઓક્સફર્ડ હાઉસ ઓફ લોર્ડ્ઝની પર્યાવર્ણ અને ક્લાઈમેટ ચેઈન્જની સિલેક્ટ કમિટીના સભ્ય છે. ત્યારે આવો સુધારો તેમના તરફથી આવ્યો છે તે આવકારપાત્ર વલણ કહેવાય. જોકે, કેટલાક ધર્મનેતાઓએ પર્યાવરણ સમસ્યાને રાજકીય મુદ્દો કહેવાની અને ચર્ચના નિયમોમાં સમાવેશ કરવા સામે પ્રશ્ન ઉઠાવવાની ધૃષ્ટતા પણ કરી જ છે.
ક્રિશ્ચિયન્સની આસ્થાને આવકારીએ પરંતુ, હિન્દુ આસ્થા અથવા સર્વ પ્રાચીન સનાતન ધર્મનું શું? શું કોઈને જાણ છે ખરી કે યુગોથી ચાલતી પરંપરામાં પૃથ્વીને માતા સમાન ગણવામાં આવે છે અને પાંચ તત્વો અર્થાત પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિને મહત્ત્વ અપાયું છે તેવા સનાતન ધર્મમાં અપાર શાંતિમંત્રો છે. ખૂબ જાણીતા શાંતિમંત્રની વિભાવના જોઈએ તો ખબર પડશે કે સનાતન ધર્મમાં પર્યાવરણને કેટલું મહત્ત્વ અપાયું છે.
‘સર્વ આકાશ અને અવકાશમાં શાંતિ પ્રસરી રહે, સમગ્ર પૃથ્વી, જળ, તમામ વનસ્પતિ, વૃક્ષો અને વેલાઓમાં શાંતિ પ્રસરપી રહે, સર્વત્ર બ્રહ્માંડ-યુનિવર્સમાં શાંતિ પ્રસરી રહે. વિશ્વના દેવો અને બ્રહ્મમાં શાંતિ પ્રસરી રહે, તમામ સ્થળે માત્ર અને માત્ર શાંતિ જ પ્રસરી રહે.’ જો આપણે આ મંત્ર અનુસાર વર્તન કરીએ તો ક્લાઈમેટ ચેઈન્જની સમસ્યા વિશે વિચારવું જ ન પડે.
એક ચર્ચામાં વિતંડાવાદના પ્રખ્યાત વ્યક્તિએ સંતને પ્રશ્ન કર્યો કે ઈસ્લામ, ક્રિશ્ચિયન સહિતના ધર્મોની સ્થાપના વિશેષ વ્યક્તિ કે સંતે કરી છે તો હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી? આ સંતે ઉત્તર વાળ્યો કે કોઈએ હિન્દુ ધર્મની સ્થાપના કરી નથી તે સનાતન કાળથી ચાલતો આવે છે, તેમાં સરવાળા થતાં રહે છે કારણકે તે જીવન જીવવાનું વિજ્ઞાન છે. વિજ્ઞાનનો નિયમ કે સિદ્ધાંત કોઈ એક વિજ્ઞાનીએ સ્થાપ્યો છે તેમ કહી શકાય નહિ. નીતનવી શોધખોળ થતી રહે છે અને વિજ્ઞાનના શાસ્ત્રો રચાતા જાય છે તેવું જ કલેવર સનાતન ધર્મનું છે. ઈસ્લામમાં કુરાન તો ખ્રિસ્તીઓમાં બાઈબલ, એમ બધાંજ ધર્મોમાં એક નિયમગ્રંથ છે પરંતુ, સનાતન ધર્મમાં ચતુર્વેદથી માંડી ઉપનિષદો, પુરાણો સહિતના ગ્રંથો છે અને દરેકનું મહત્ત્વ છે. પ્રત્યેક ઉપનિષદ પરમાત્માની ખોજનો વિચાર રજૂ કરે છે. કોઈ એકબીજાના વિરોધી નથી પરંતુ, પૂરક છે.


comments powered by Disqus