સુવર્ણ જયંતિ ટાણે ‘સ્મરણ યાત્રા’

જીવંત પંથ-૨

સી.બી. પટેલ Wednesday 29th June 2022 07:12 EDT
 
 

વડીલો સહીત સહુ વાચક મિત્રો,
પ્રકાશન વ્યવસાયમાં ૫૦ વર્ષ પૂર્ણ કરવા એ એક ઐતિહાસિક ઘટના કહું તો જરાય અતિશયોક્તિ નથી. આ ૫૦ વર્ષની મજલ એકલે હાથે હાંસલ ન થાય. આ સિધ્ધિના હકક્દાર સેંકડો નહિ, હજારો નહિ, હા, લાખો વાચકો, સમર્થકો અને સમગ્ર સમાજ છે. આપ સૌએ આપેલ સથવારો ને પ્રતિભાવનો આ પ્રતાપ છે. આ સિમા ચિહ્ન સર કરવા આપ સૌનો પા'ડ માનું એટલો ઓછો છે. પંકજ વોરાની પેલી ક્તિઓ ‘સાથ સાથ ભેરૂ તો સર થાય મેરૂ’ચરિતાર્થ થતી જોઇ શકાય છે. મારૂં પ્રકાશન વ્યવસાયમાં આવવું એ એક યોગાનુયોગનો અવસર છે.
એની પૂર્વભૂમિકા પર એક નજર કરૂં તો અમારા ભાદરણના ઘરે અમે નાના હતા ત્યારે છાપાં અને મેગેઝીનો આવતાં. ઘરના દિવાનખાનામાં અખબાર કે મેગેઝીન પડ્યાં હોય તો સ્વાભાવિક રીતે એના પર નજર પડે. નજર પડે એટલે વાંચવાનું મન થાય. આમ વાચનનો શોખ કેળવાતો ગયો. વાચન સાથેની એ મૈત્રીએ જીવનમાં મારા માર્ગને સરળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યારે એના મહત્વનો અંદાજ ન હતો જેની કદર મને આજે થાય છે. મારા આ અનુભવની મિશાલ આપ સૌના જીવનમાં પણ અજવાળાં પાથરશે એ સુવર્ણ અક્ષરે લખી રાખજો.
૧૯૫૦ના દાયકાની વાત છે. એ સમયના "સંદેશ"ના તંત્રી નંદલાલ ચુનીલાલ બોડીવાલા કે "ગુજરાત સમાચાર"ના તંત્રી ઇન્દ્રવદન મોદી (જો હું સરનેમ ભૂલતો ન હોઉં તો) ! એ મુઠ્ઠી ઊંચેરા તંત્રીઓએ જે પ્રકારે ગુજરાતની અસ્મિતાને પાળી-પોષી આધુનિકરણ તરફ લઇ ગયા એ હકીકત ઇતિહાસના ચોપડે અંકિત થઇ ગયેલ છે. મારા સૌથી પ્રેરણાજનક પાત્રોમાં ઝવેરચંદ મેઘાણી. સૌરાષ્ટ્રના જન્મભૂમિ પ્રવાસીના વીકલી "ફુલછાબ"માં તંત્રી તરીકે એમણે ફરજ બજાવી હતી. અખબારી આલમમાં આગવું કામ કરનારા આવા બધાં મહાનુભાવોના પગલે મેં કૂચ આરંભી પણ કેવા સંજોગોમાં એનો ઇતિહાસ રસપ્રદ છે.
 ૧૯૬૬માં લંડનમાં હું મારો LLB અને બેરીસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરવાની ઇચ્છા સાથે આવ્યો હતો. મા સરસ્વતિની કૃપા હતી પરંતુ મા લક્ષ્મીની કૃપા પણ ખુબ જરૂરી હતી. એ વિના પણ ન ચાલે! મા લક્ષ્મી માતાની મહેરબાની ય થઇ. અને જોતજોતામાં આર્થિક રીતે સંગીન સ્થિતિમાં અમે આવી ગયા. મારા પરિવારજનો, ભાગીદારો અને સન્મિત્રોનો સાથ સાંપડ્યો એને મારૂં સદ્ભાગ્ય ગણું છું.
મારા પિતાશ્રી ૧૯૬૦માં સંન્યાસ લઇ પરિવારથી વિમુખ બની ગયા. વારંવાર પ્રયત્નો છતાં અમારો મેળાપ થઇ શકતો ન હતો. ૧૯૭૩માં અમારા પુત્રને લઇ સ્વદેશ બાધા વગેરેનું આયોજન થયું. અમે વડોદરા ગયા ત્યારે જાણવા મળ્યું કે સ્વામીજી ચાતુર્માસ માટે કરનાળી (ચાંદોદ-કરનાળી)માં છે. મારા માતુશ્રીએ અમને સાવધ કર્યા કે જો સ્વામીજીને ખબર પડી કે તમે ત્યાં જઇ રહ્યાં છો તો જોવા જેવી થશે. અમે પરિવારજનો અને કેટલાક મિત્રો સાથે કરનાળીના સ્વામિજીના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે ખુબ હો હા મચી ગઇ. લાંબી દાઢી અને સાધુવેશ પરિધાન સ્વામિજીએ રાડારાડ કરી, "અહિંથી જતા રહો, ચાલ્યા જાવ...” વગેરે આક્રોશભર્યા ઉદગારો કાઢ્યા. આ બધું જોઇને મારો પુત્ર ખુબ ગભરાઇ ગયો અને રડવા લાગ્યો. તત્કાળ સ્વામીજીને ખ્યાલ આવ્યો કે, આ તેમનું ગ્રાન્ડ ચાઇલ્ડ છે. જે અમને "ગેટ આઉટ" કહેતા હતા તેમની કડકાઇમાં સહેજ નરમાશ આવી ગઇ. આપણામાં કહેવત છે ને કે, મૂડી કરતા વ્યાજ વ્હાલું લાગે એ મુજબ પર્વત પીગળ્યાનો અનુભવ થયો.
પછી તો નર્મદાના કિનારે ફરવા ચાલો, કહીને મને સાથે લીધો. સોમનાથ ઘાટ નજીક પીપળાના એક વૃક્ષના ચોતરે અમે બેઠાં.
અડધો કલાક પહેલાનો ગુસ્સો ઠંડો પડ્યો. પણ કડકાઇ ચાલુ હતી. મારી સાથે હિન્દીમાં વાત કરવા લાગ્યા. “ક્યા કરતે હો?” મેં અમારી આર્થિક સધ્ધરતાની વાત કરી અને તેમનો ગુસ્સો તો ભભૂકી ઉઠ્યો.
 “ પૈસાકા ગર્વ આ ગયા હૈ. ડંફાસ મારો છો.” મેં પિતાજીને પૂછ્યછયું “હું શું કરૂં તો તમને ગમે? મંદિર બંધાવું?” જવાબ મળ્યો, "ના..ના..શ્રધ્ધા વધે ને અંધશ્રધ્ધા દૂર થાય એવું કાંઈ કરો. તમારામાં તાકાત હોય તો "અખંડ આનંદ" જેવું કામ કરો. એના મૂળ સ્થાપક હતા ભિક્ષુક આનંદ. સ્વામિજીએ જણાવ્યું કે, આ ભિક્ષુક આનદનું મૂળ નામ લલ્લુ શેઠ હતું અને એ બોરસદના લોહાણા સદ્ગૃહસ્થ હતા. પરિવારમાં ક્યાંક તકલીફ થઇ અને લલ્લુ શેઠે સંન્યાસ લીધો. ભારત દેશના વિચરણમાં તેઓએ ગોરખપુર ખાતેના ગીતા પ્રકાશ પ્રેસ વિષે જાણ્યું અને અભ્યાસ કર્યો. ભિક્ષુકજીએ સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદમાં ખોલ્યું અને અખંડ આનંદનું પ્રકાશન શરુ કર્યું.
આ ઇતિહાસ સમજાવતા સમજાવતા સ્વામિજીએ માત્ર ધન-દોલત પાછળની દોડ જરૂરી નથી એમ સમજાવતા કંઇક સમાજોપયોગી પ્રવૃત્તિ કરવા આદેશ આપ્યો એની કેટલીક શિસ્ત પણ સમજાવી. આ વ્યવસાયમાં મારી અણઆવડત કે બિન અનુભવ વિષે સ્વામિજીએ વિશ્વાસપૂર્વક કહ્યું કે, મન હોય તો માળવે જવાય.
(ક્રમશ:)


comments powered by Disqus