કિંગ્સબરી રોડની ટેકરીઓ પર સ્થપાયેલું શ્રી સ્વામીનારાયણ મંદિર આધ્યાત્મિકતા, સમુદાય અને સંસ્કૃતિની દીવાદાંડી સમાન છે. 2014માં ખુલ્લું મૂકાયેલા આ પ્રતિષ્ઠિત અને પુરસ્કાર વિજેતા મંદિરને તેની ગ્રીન ટેકનોલોજી અને કન્સ્ટ્રક્શનના કારણે વિશ્વના સૌપ્રથમ ઇકો ટેમ્પલ તરીકે જાણીતુ છે. આ મંદિર આદર્શ જીવનના ઉદાહરણ તરીકે સેવા આપે છે.
કિંગ્સબરી ખાતે આવેલું આ સ્વામીનારાયણ મંદિર સામાજિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રગતિના વિશ્વવ્યાપી કેન્દ્રસમાન મણિનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના સ્થાપક પરમ પૂજ્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. તેમના અનુગામી પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે તેમના ગુરુના વિઝનને મૂર્તિમંત કરવાને પોતાનું મિશન બનાવી દીધું હતું અને આવા ભવ્ય મંદિરની સ્થાપના કરી હતી.
આજે સ્વામીનારાયણ ગાદીના વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ સમાજના પ્રેરણાસ્ત્રોત બનીને મંદિરને ધાર્મિક, સખાવતી, સામુદાયિક, રમતગમત, આરોગ્ય, સુખાકારી, શૈક્ષણિક, સંગીત, નૃત્ય અને કલાની પ્રવૃત્તિઓમાં આગેવાની આપી રહ્યાં છે.
હજારો-હજારો મુલાકાતીઓએ આ મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે અને મંદિરે ઝડપથી પોતાને સમાજ મધ્યે સીમાસ્તંભ તરીકે સ્થાપિત કર્યું છે. દરરોજની હાડમારીઓમાંથી મુક્તિ અપાવતા અભયારણ્ય સમાન શાંત મંદિરમાં પગ મૂકતાંની સાથે જ અનુભવાતી શાંતિ અંગે મુલાકાતીઓ પ્રશંસા કરતા થાકતા નથી. આ મંદિર યુવા પેઢીની સાથેસાથે વૃદ્ધો માટે પૂજાઅર્ચના, બેડમિંગ્ટન, સંગીત, કોન્સર્ટના રિહર્સલ કરવા, યોગ અથવા પરંપરાગત ભારતીય કલા કૌશલ્ય શીખવા માટેનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બની રહ્યું છે.
સમાજ અને સખાવત મંદિરના કેન્દ્રસ્થાને રહ્યાં છે. મંદિરમાં નિયમિત રીતે રક્તદાન શિબિરોનું આયોજન થાય છે, હોનારત રાહત ભંડોળ એકત્ર કરાય છે, જરૂરતમંદો માટે જીવનજરૂરી વસ્તુઓ અને ભોજન સામગ્રી એકઠાં કરી જરૂરીયાતવાળા લોકોને વહેંચવામાં આવે છે. તાજેતરમાં ફાટી નીકળેલી કોરોના મહામારી સામેની લડાઇમાં અગ્રીમ મોરચે રહેવાનું મંદિરને ગર્વ છે.
જાન્યુઆરી 2021માં મંદિરના રચયિતા વેદરત્ન આચાર્ય સ્વામીશ્રી મહારાજની સમૃતિમાં કોવિડ-19 વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારુ યુરોપનું પહેલું હિન્દુ મંદિર બની રહ્યું હતું. આ સેન્ટરમાં ન કેવળ કોરોનાની વેક્સિનના 40,000 ડોઝ અપાયા પરંતુ આ અભિયાનના કારણે ભારતીય ઉપખંડના સમુદાયોમાં કોરોના વેક્સિન લેવામાં પ્રવર્તતો ખચકાટ દૂર કરવામાં મદદ મળી હતી. કોરોના મહામારી ચરમ પર હતી ત્યારે હોસ્પિટલ સ્ટાફને 5000 કરતાં વધુ હોટ ફૂડ પેકેટ પૂરાં પડાયાં હતાં.
કેટલાક દિવસે સાંજે રસપ્રદ રીતે સમગ્ર કિંગ્સબરી વિસ્તારમાં બેગપાઇપ્સની મધુર સૂરાવલિઓ સાંભળી શકાય છે. આ સૂરાવલિઓ મંદિરમાં શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડ દ્વારા થતાં રિહર્સલમાંથી વહે છે.
મંદિર જાહેર જનતા માટે હંમેશા ખુલ્લું રખાય છે. શાળા અને વિઝિટર્સ ટૂર માટે અગાઉથી વ્યવસ્થા કરી શકાય છે. મંદિરની ઘણી પ્રવૃત્તિઓમાં દરેક સમાજના લોકો ભાગ લઇ શકે છે. હાલમાં આચાર્યશ્રી જિતેન્દ્રપ્રિયદાસ સ્વામી સંતવૃંદ સાથે યુકે પધાર્યા છે.

