કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હજુ પણ વેન્ટિલેટર પર

Wednesday 17th August 2022 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ કાર્ડિયાક એરેસ્ટના કારણે છેલ્લા છ દિવસથી ઓલ ઇંડિયા ઇન્સ્ટિસ્ટયુટ ઓફ મેડિકલ ઇન્સ્ટિટ્યુટ (‘એઇમ્સ’)માં સારવાર લઇ રહેલા એક્ટર - કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની સ્થિતિ સતત નાજુક બનેલી છે. તેઓ હજુ પણ બેભાન અને વેન્ટિલેટર પર હોવાના અહેવાલ છે. રાજુ શ્રીવાસ્તવની હાલતને લઈને સમય-સમય પરિવાર દ્વારા માહિતી અપાઇ રહી છે તો તેના ફેન્સ પોતાના પ્રિય કલાકારના જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે. અભિનેતાના પીઆરઓ અજીત સક્સેનાએ કહ્યું હતું કે, એક્ટર હજુ વેન્ટિલેટર પર હોવાથી ઇન્ફેક્શનનો ખતરો હોય છે. આ કારણે પરિવારની મંજૂરી લઈને ડોક્ટરોએ નિર્ણય કર્યો કે એક્ટરને મળવા કે તેના બેડની પાસે કોઈ જશે નહીં. આ સિવાય તેના પ્રિયજનોના મેસેજ રેકોર્ડ કરીને રાજુને સંભળાવાઇ રહ્યાં છે. આમાં અમિતાભ બચ્ચનના અવાજમાં રેકોર્ડ શુભેચ્છા સંદેશો પણ સામેલ છે.
મગજની એક નસ દબાયેલી છે
‘એઇમ્સ’માં સારવાર લઇ રહેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મગજનું MRI કરતાં ડોક્ટરોને જાણવા મળ્યું છે કે તેમના મગજની એક નસ દબાયેલી છે. રાજુના ભાઈ દીપુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મગજની નસ દબાયેલી હોવાની જાણ થયા પછી હવે તેની ઘનિષ્ટ સારવાર ચાલે છે. રિકવરીમાં આઠથી દસ દિવસ લાગશે. રાજુ શ્રીવાસ્તવના ભત્રીજા કુશલે જણાવ્યું કે તેમની તબિયતમાં ધીમો સુધારો જણાઈ રહ્યો છે તેમણે હાથ - આંગળીઓ હલાવી હતી. હવે ડોક્ટરોએ આશા દર્શાવી છે કે થોડા જ વખતમાં રાજુ શ્રીવાસ્તવ સંપૂર્ણ સાજા થઈ જશે. ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવ 9 ઓગસ્ટે ડબલ વર્કઆઉટ કરતા બેચેની અનુભવીને બેભાન થઈ ગયા હતા. તેમને તીવ્ર હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરતાં જ ડોક્ટરોએ તાત્કાલિક બે સ્ટેન્ટ મૂકી દીધા હતા. આ પછીથી ડોક્ટરોએ જણાવ્યું હતું કે રાજુનું મગજ સારવારને રિસ્પોન્ડ કરતું નથી.


    comments powered by Disqus