-કોકિલા પટેલ
ગુજરાત સમાચાર' દ્વારા પ્રસિધ્ધ થયેલ કેન્ટન, નોર્થ હેરો, વેમ્બલી-ઇલીંગ રોડની વિશેષ પૂર્તિને ખૂબ જ લોકઆવકાર મળતાં જે તે વિસ્તારમાંથી અમને જાહેરાત આપનાર વિવિધક્ષેત્રે વ્યાપાર-વ્યવસાય ધરાવનાર એશિયન જાહેરાત દાતાઓએ પણ આભાર વ્યક્ત કરતા ઇમેલ અમને મોકલ્યા છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન મંદ પડેલા વેપાર-વ્યવસાયમાં દૈવત આવે, ફરી રાબેતા મુજબ કાર્યરત બને, આર્થિક સધ્ધરતા મળે એ આશયથી અમે આવી સવિશેષ પૂર્તિનો સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ આરંભ્યો છે.
વેમ્બલી, આર્લપટન, હેરોની જેમ નોર્થ-વેસ્ટ લંડનના બ્રેન્ટ બરોના કીંગ્સબરી તથા ક્વીન્સબરીના ઇતિહાસ સાથે એ વિસ્તારમાં વિકસીત એશિયન વ્યાપાર-વ્યવસાયની ઉપયોગી માહિતી સૌ વાંચકોને પહોંચાડવાનું આમારો પ્રયાસ છે. વેમ્બલીના ઇલીંગ રોડ પછી ખરીદી માટે ગુજરાતી/ભારતીયોનો માનવ મહેરામણ જ્યાં ઉભરાય છે એ કિંગ્સબરી તથા ક્વીન્સબરીનો ઇતિહાસ અને વિકાસ કેવી રીતે, કયારે થયો એ જાણવાની સૌને ઉત્સકતા હોય જ. આવો આપણે કિંગ્સબરીના ઇતિહાસને જાણીએ.
કેન્ટન રોડના ઇતિહાસમાં અગાઉ અમે જણાવ્યા મુજબ વર્ષો પહેલાં બ્રિટનની એંગ્લો સેકશન જનજાતિએ કેન્ટન નજીક હાલના હનીપોટ લેનની ચોમેર વિશાળ વગડા જેવી જગ્યામાં વસાહત શરૂ કરી. આ વિસ્તારનું ૧૮૩૮ સુધી આ વિસ્તારની ૯૭% જમીનમાં માત્ર ઘાસ ઉગતું. વર્ષના ચોક્કસ સમયે આયર્લેન્ડથી મોસમી ખેત મજૂરો આ વિસ્તારમાં કામ કરવા આવતા. એન્ગલો સેકસન સધર્ન કિંગ્સબરી, હાલનો ફ્રાયન્ટ કન્ટ્રી પાર્ક અને આજુબાજુના વિસ્તારમાં સ્થાયી થયો હતો. બ્રિટીશ ઇતિહાસની નોંધ મુજબ કીંગસબરીનો મોટા ભાગનો વિસ્તાર એન્ગલો સેકસન લોર્ડ અલવોર્ડ વીટ હસ્તક હતો. તેમને આ વિસ્તારને કીંગ્સબરી તરીકે જાહેર કરેલું. ૧૫મી અને ૧૬મી સદીમાં કિંગ્સબરી ગ્રીનનો વિકાસ થયો. વિશાળ જંગલો સાફ કરવામાં આવ્યા હતા અને હાઇડ ખાતે ઘરો પણ બાંધવામાં આવ્યા એ સાથે એજવેર રોડ પર જે ગુનાહિત પ્રવૃત્તિઓ થતી એ ઓછી થઇ.
કિંગ્સબરીના વેલ્સ હાર્પ જળાશય પર ૧૮૩૫માં કામ પૂર્ણ થયું. મોટાભાગે, ઓલ્ડ વેલ્શ હાર્પ પબના માલિક, વિલિયમ પર્કિન્સ વોર્નરના પ્રયત્નોને કારણે, જળાશયની આસપાસનો વિસ્તાર પ્રાકૃતિક સૌંદયથી ભરપૂર બની ગયો. ૧૯૩૦ના અંતમાં, કિંગ્સબરી અવિશ્વસનીય ગ્રામ્ય વિસ્તારોમાંનું એક આહલાદક સ્થળ તરીકે પ્રખ્યાત હતું. 19મી સદીના ઉત્તરાર્ધમાં, ઘાસની ખેતીમાં ઘટાડો થતાં સ્થાનિક ખેડૂતોને અસર થવા લાગી. બેરોજગારી, ઊંચા ભાડા અને ટૂંકા ભાડાપટ્ટે આઇરીશ ખેડૂતો પાસે નબળી ઇમારતોનું સમારકામ કરાવવામાં આવતું.
મોટા ભાગના ખેતમજૂરો જમીન પર કામ કરતા હોવા છતાં, થોડા શ્રીમંત અથવા પ્રખ્યાત લોકો પણ કિંગ્સબરીમાં રહેતા હતા. ૧૮૯૦માં 'કિંગ્સબરીમાં સંભવતઃ છ જેટલા સજ્જનો રહેતા હતા, જેમને તેમના કોચમેન દ્વારા, સંભવતઃ હેન્ડન સ્ટેશન પર, સવારે... જ્યારે તેમના કોચ પસાર થતા હતા. ત્યારે ખેતમજૂરોના સ્કૂલે જતાં બાળકોને સાઇડે ઉભા રહીને સલામ ભરવી પડતી.
સલામ ન કરનાર બાળકોને શિક્ષકો શિક્ષા કરતા. ૧૭૭૧ થી ૧૭૭૪ સુધી, લેખક ઓલિવર ગોલ્ડસ્મિથ હાઇડ ફાર્મમાં રહેતા હતા. ગોલ્ડસ્મિથે કિંગ્સબરીમાં રહીને ‘She Stoops to Conquer'' નાટક લખ્યું હતું.
૧૮૯૩માં, કંદહાર અને વોટરફોર્ડના ફિલ્ડ માર્શલ લોર્ડ રોબર્ટ્સ, જેઓ ઇન્ડિયાથી પાછા ફર્યા એ પછી તેઓ કિંગ્સબરીના ગ્રોવ પાર્કમાં રહેતા હતા. રોબર્ટ્સ દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ આર્મી અને ડચ સાઉથ આફ્રિકન રિપબ્લિક વચ્ચે બોઅર યુદ્ધમાં લડ્યા હતા. ૧૯૦૪માં તેમણે લશ્કરી સેવામાંથી નિવૃત્તિ લઇ નવેમ્બર ૧૯૧૪માં તેમનું અવસાન થયું.
કિંગ્સબરીનું એક મોટું ઘર જે બચ્યું છે તે કિંગ્સબરી મેનોર છે, જે ૧૮૯૯માં ડચેસ ઓફ સધરલેન્ડ માટે બાંધવામાં આવ્યું હતું. ૧૯૨૯ માં તેનું નામ બદલીને કિંગ્સબરી મેનોર રાખવામાં આવ્યું હતું અને હવે તે બ્રેન્ટના લંડન બરો સાથે જોડાયેલા વૃદ્ધો માટેનું ઘર છે.
એરક્રાફટ ઉદ્યોગથી વિકાસ તરફ:
પ્રથમ વિશ્વ યુધ્ધ દરમિયાન હેન્ડન એરોડ્રોમની નિકટતાએ ઉત્તરપૂર્વ કિંગ્સબરીને એરક્રાફ્ટ ઉદ્યોગના વિકાસ તરફ દોર્યું. જેના કામદારોમાં ઘણી મહિલાઓ હતી. કિંગ્સબરીમાં જ ત્રણ એરોડ્રોમ પણ હતા.
૧૯૦૯૧૦માં સ્ટેગ લેનમાં ૨૦ મકાનો બાંધવામાં આવ્યા હતા. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે, આર્કિટેક્ટ ફ્રેન્ક બેન્સે એરક્રાફ્ટ કામદારો માટે રો ગ્રીન વિલેજ બનાવ્યું. યુદ્ધ પછી, હે લેન પાસે કૃત્રિમ અંગ બનાવવાની ફેક્ટરી સ્થાપવામાં આવી.
એરક્રાફ્ટ ઉદ્યોગના વિકાસ અને 1924-25ના બ્રિટિશ એમ્પાયર એક્ઝિબિશનને કારણે આ વિસ્તારમાં રસ્તાઓ સુધર્યા. ૧૯૧૧ થી ૧૯૨૧ સુધી, કિંગ્સબરીની વસ્તી ૮૨૧થી વધીને ૧,૮૫૬ થઈ ગઈ.
૧૯૨૮ માં કિંગ્સબરી સ્થિત એવિએટર એમી જોન્સન સ્ટેગ લેન એરોડ્રોમની મુલાકાત લીધી જ્હોન્સનને પ્રેરણા મળી અને તેણે નક્કી કર્યું કે તે પોતે પાઇલટ બનવા માંગે છે. ૧૯૩૦માં, જોહ્ન્સનને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી જ્યારે તે લંડનથી ઓસ્ટ્રેલિયા સુધી એકલ ઉડાન ભરનાર પ્રથમ મહિલા બની. તે જ વર્ષે, તેણીને તેની સિદ્ધિ બદલ કિંગ જ્યોર્જ V તરફથી CBE પ્રાપ્ત થયું.
બેલફાસ્ટમાં આર્કિટેક્ટ તરીકે તાલીમ લેનાર આર્કિટેક્ટ અર્નેસ્ટ ટ્રોબ્રિજે ૧૯૧૯-૨૦માં આ વિસ્તારના ઘરોની આકારણી કરીને આર્કિટેક્ચર પર મોટી છાપ પાડી છે.
ગુજરાતીઓનું મનપસંદ પરગણું કવીન્સબરી
ક્વીન્સબરી એ ઉત્તર-પશ્ચિમ લંડન, ઈંગ્લેન્ડનો એક વિસ્તાર છે, જે લંડન બરો ઓફ હેરોની દક્ષિણપૂર્વમાં બ્રેન્ટના લંડન બરો સાથેની સીમા પર છે.
ક્વીન્સબરી ઉપનગર ૧૮૮૬-૧૯૩૭દરમિયાન પર્સી હેરોલ્ડ એડવર્ડ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે આ વિસ્તારના આવાસોના ઉદઘાટન વખતે જાહેર કરેલી અખબારની સ્પર્ધામાં આ નામ પસંદ કરવામાં આવ્યું હતું. ૧૯૧૬ થી ક્વીન્સબરી સ્ટેગ લેન એરોડ્રોમનું સ્થળ હતું.
ક્વીન્સબરીમાં લંડનના બ્રેન્ટ અને હેરો એ બંને બરોના બે વોર્ડનો સમાવેશ થાય છે. ક્વીન્સબરીમાં હેરો અને બ્રેન્ટની વસતી ગણતરીના આંકડા મુજબ અહીં ભારતીય વંશજોની વસતી વધુ હોવાનું મનાય છે.ઇસ્ટ આફ્રિકાથી આવેલા આપણા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ પહેલાં વેમ્બલી-અલ્પર્ટન વિસ્તારમાં આવીને સ્થાયી થયા. ત્યારબાદ વૈભવી વિસ્તાર ગણાતા પ્રેસ્ટન રોડ પર કેટલાક વ્યાપારી-વ્યવસાયીઓ રહેવા આવ્યા. લગભગ ૮૦ના દાયકા પછી જેમ જેમ આપણા ગુજરાતીઓ, ભારતીયો અનેકવિધક્ષેત્રે જમાવટ કરી આર્થિક સધ્ધરતા મેળવતા ગયા એમ કેન્ટન, કિંગ્સબરી, ક્વીન્સબરીમાં મિલકતો ખરીદી ત્યાં વસવાટ કરવાનું પસંદ કર્યું એ સાથે જ કિંગ્સબરી અને ક્વીન્સબરી ગુજરાતીઓનું મનગમતું પરગણું બનતું ગયું. આજે કિંગ્સબરી સ્ટેશન રોડની આસપાસનો વિસ્તાર રેસ્ટોરન્ટો અને ગુજરાતી-ભારતીય વેપાર ધંધાથી ધમધમતો થયો છે.
કિંગ્સબરી સ્ટેશન જે જયુબિલી લાઇનથી કનેકટેડ છે એ સ્ટેશનથી બહાર નીકળો એટલે ગુજરાતી અને મિડલઇસ્ટના વ્યાપાર-ધંધાથી આખો એરિયા સતત બીઝી દેખાય. અહીં જ્વેલર્સ, રેસ્ટોરાં, કલબો, પબ, ગ્રોસરી, તાજાં શાકભાજી, ફરસાણ-મિઠાઇ અને મીડલઇસ્ટના સૂકામેવાની દુકાનો, મોબાઇલ ફોન્સ, ઇલેકટ્રીકલ શો રૂમ્સ, બ્યુટી પાર્લર સહિત પોસ્ટ ઓફિસ અને સ્ટ્રીટ બેંકોની સુવિધા ઉપલબ્ધ છે. કિંગ્સબરીમાં ચર્ચ લેન પર ઐતિહાસિક ચર્ચ છે સાથે સ્વામિનારાયણ મંદિરો, જૈન દેરાસર, સિનાગોગ અને વિખ્યાત જ્યુઇશ સ્કૂલ પણ છે.

