લંડનના ખૂણે ખૂણેથી ટ્રેન, બસ કે મોટરકાર મારફતે તાજાં શાકભાજી અને ફ્રુટ ખાસ કરીને ભારતની કેરીઓ ખરીદવા આવનારાને 'કિંગ્સબરી ફ્રુટ એન્ડ વેજ” ક્યાં આવ્યું? એ કહેવાની જરૂર નથી. સવારથી જ જયાંં શાકભાજી ખરીદી કરનારાની ભીડ ઉભરાય છે એ 477-481 Kingsbury Road ઉપર 'કિંગ્સબરી ફ્રુટ એન્ડ વેજ'ના માલિક હિરજીભાઇ વાલજીભાઇ હિરાણી મળવાનું થયું. મૂળ કચ્છ-ભૂજના વતની અને સાદગીપૂર્ણ, સરળ વ્યક્તિત્વ ધરાવતા હિરજીભાઇએ ૧૯૯૨માં નાના પાયે શાકભાજીનો બીઝનેસ શરૂ કર્યો હતો પરંતુ આજે એ વિશાળ પાયે વિસ્તરીને લંડનભરમાં ભારે લોકચાહના મેળવી રહ્યો છે એનું કારણ શું? એવો સવાલ કરતાં હિરજીભાઇ કહે છે કે, ‘ઉત્તમ કવોલિટી ને ખુબ જ વ્યાજબી દર". તાજાં શાકભાજી રોજેરોજ વેચાય તો બગાડ ઓછો થાય...! કચરા પેટીમાં ફેંકવા ના પડે..! એથી ઉત્તમ એ કે ગ્રાહકના ખિસ્સાને પોસાય એવા વ્યાજબી દરે રોજે રોજ શાકભાજીનો નિકાલ થાય એમાં બન્ને પક્ષે ફાયદો જ છે ને?!
'કિંગ્સબરી ફ્રુટ એન્ડ વેજ”માં કેન્યા, યુગાન્ડા, ઇન્ડિયા, ટાન્ઝાનિયા, ગાના, સાયપ્રસ તથા યુરોપમાંથી રોજે રોજ તાજાં શાકભાજી આવે છે. ઉપરાંત ફળફળાદિ સાઉથ આફ્રિકા, ઇન્ડિયા, સ્પેન, બ્રાઝીલ, ચીલી, કેન્યા, યુગાન્ડાથી આવે છે. 'કિંગ્સબરી ફ્રુટ એન્ડ વેજ”માં કેરીની સીઝનમાં દૂર દૂરથી લોકો ખાસ કેરીના જથ્થાબંધ બોક્સ લેવા આવે છે એનું કારણ શું? એના જવાબમાં હિરજીભાઇ કહે છે કે, ‘અમે ઇન્ડિયામાં જુદી જુદી જગ્યાએ આંબાવાડીઓ ખરીદી લઇએ છીએ. મહારાષ્ટ્રના દેવગઢ અને રત્નાગિરિથી હાફૂસ કેરી, ગુજરાતના વાપી, ધરમપુર, નવસારીની આસપાસ હાફૂસ-કેસરની આંબાવાડીઓ ખરીદીએ છીએ ઉપરાંત કચ્છમાં ગઢશીશાની બાજુમાં માઉમાં કેસર કેરીની વાડીઓ અમે લઇ લઇએ છીએ એટલે ત્યાંથી સીધી જ જથ્થાબંધ કેરીઓ અહીં એક્સપોર્ટ થાય છે જેનો લાભ અમારા હજારો ગ્રાહકોને મળે છે.

