જો તમે કિંગ્સબરીમાં રહેતા હશો અને ચટાકેદાર ઇંડિયન ફૂડના શોખીન હશો તો રિયા રેસ્ટોરાંના નામથી પરિચિત હશો જ તેમાં કોઇ બેમત નથી. આ એક એવું સ્થળ છે કે જ્યાં તમને ગુજરાતી થાળીથી લઇને સાઉથ ઇંડિયન, પંજાબી ડિશીઝથી માંડીને ચાઇનીઝ પ્લેટર અને ઇંડિયન સ્ટ્રીટ ફૂડ - ભેળપુરી, પાણીપુરી, રગડોપેટિસ, વડાપાઉં સહિત બધું જ એક સાથે મળી રહે છે. શુદ્ધ શાકાહારી, સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત ભોજન માટે આગવી નામનાં ધરાવતાં રિયા રેસ્ટોરાંની સફળતાના મૂળમાં છે અનિતાબહેન પટેલની દસકાઓની મહેનત અને તેમના પુત્રો વિકેશભાઇ અને નીલેશભાઇનું વિઝન. 1986માં મધ્ય ગુજરાતથી લંડન આવીને વસેલાં અનિતાબહેન શરૂમાં તો પારિવારિક જવાબદારીમાં વ્યસ્ત રહ્યાં, પણ સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવાનો વિચાર સતત મનમાં રમતો હતો. 1995માં તેમણે ઘરેથી જ ગુજરાતી ટિફિન સેવા શરૂ કરી. લોકોને તેમની રસોઇનો સ્વાદ એવો તે દાઢે વળગ્યો કે છ-આઠ ટિફિનથી શરૂ થયેલું કામ 24-26 ટિફિન સુધી વિસ્તર્યું. અનિતાબહેને નાનામોટા પ્રસંગોએ કેટરિંગ સર્વીસ આપવાનું શરૂ કર્યું. ખૂબ જ સારા રિસ્પોન્સથી ઉત્સાહિત અનિતાબહેનનું સપનું વિસ્તર્યું, જે કિંગ્સબરીમાં રિયા રેસ્ટોરાંના નામે સાકાર થયું છે. રિયા રેસ્ટોરાં ફેમિલી વિઝિટ માટે બેસ્ટ પ્લેસ છે કેમ કે અહીં પરિવારના નાના-મોટા સહુકોઇની પસંદનું ફૂડ ઉપલબ્ધ છે. અને ઘરે બેઠાં જમવું હોય તો ઓનલાઇન પણ ઓર્ડર કરી શકાય છે.
રિયા રેસ્ટોરાંની સફળતાનું સિક્રેટ શું છે તેવા સવાલના અનિતાબહેન કહે છેઃ બેસ્ટ ટેસ્ટ, બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટ સર્વીસનો ત્રિવેણીસંગમ. દરેક ડિશીઝ બનાવવા માટે અમે શ્રેષ્ઠ ક્વોલિટીની સામગ્રી વાપરીએ છીએ. કસ્ટમરની નાનામાં નાની જરૂરત અને સજેશનનો અમલ કરીએ છીએ. આ જ કારણ છે કે અમારા કસ્ટમર્સમાં માત્ર ગુજરાતીઓ કે ભારતીયો જ નહીં, સ્થાનિક વ્હાઇટ લોકોનો સમાવેશ થાય છે. કસ્ટમર્સના સંતોષ થકી જ અમે સફળતાના શિખરે પહોંચ્યા છીએ.’

