આજકાલ ગ્રાહક હોય કે મતદાર, સહુને આકર્ષવા અથવા લલચાવવા માટે ‘રેવડી અથવા લોલીપોપ’ મફતમાં આપવાની જાહેરાતોએ માઝા મૂકી છે. ચૂંટણીની મૌસમ હોય ત્યારે રાજકીય પક્ષો દ્વારા મફત-મફતની બોલબાલા વધી જાય છે. આમાં નૈતિકતા જરા પણ નથી પરંતુ, સત્તા આગળ શાણપણ નકામું હોય ત્યાં નૈતિકતાને કોણ પૂછે છે. એક પક્ષ વીજળી મફત આપવાની વાત કરે છે તો બીજો પક્ષ લેપટોપ કે અન્ય સાધનો મફત આપવાની વાત કરે છે. વાસ્તવિકતા એ છે કે સત્તા હાથમાં આવ્યા પછી ‘તમે કોણ અને હું કોણ’માં વચનો અદ્ધરતાલ રહે છે. મફત મેળવનારો વર્ગ મોટો હોય ત્યારે વાસ્તવિક નુકસાન ટેક્સ ભરનારા નાગરિકોને જાય છે જેમની પરસેવાની કમાણીમાંથી આ મફતિયા લહાણી થતી રહે છે. ભારતમાં ખુદ સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું છે કે આ પ્રકારના રેવડી કલ્ચરના કારણે અર્થતંત્રને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. લોકોનું કલ્યાણ સારી બાબત છે પરંતુ,
મફતિયા લહાણીના નાણા માળખાકીય વિકાસ પાછળ ખર્ચાવા જોઈએ જેનો લાભ તમામ નાગરિકોને મળી શકે.
આપણે યુકેની વાત કરીએ તો વડા પ્રધાન બનવાની સ્પર્ધામાં બે ઉમેદવારો લિઝ ટ્રસ અને રિશિ સુનાક વચ્ચે પણ મતદારોને ખુશ કરવાની હોડ લાગી છે. લિઝ ટ્રસે તો મોંઘવારીમાં પીસાતી પ્રજાને ખુશ કરવા ઈન્કમ ટેક્સમાં કાપ અને નેશનલ ઈન્સ્યુરન્સ નાબૂદ કરવા સહિતની લોલીપોપ જાહેર કરવામાં પાછું વળીને જોયું નથી. બીજી તરફ, સુનાકે પણ ટ્રસના પગલે ટેક્સ ઘટાડવાનું વચન આપવું પડ્યું છે. જોકે, સુનાકે એવી સ્પષ્ટતા કરી છે કે તેમનું પ્રાધાન્ય ફૂગાવાને કાબુમાં લેવાનું હશે જેનાથી આપમેળે મોંઘવારી નિયંત્રણમાં આવશે. યુકેમાં પણ ઘણા મતદારોએ એવો મત દર્શાવ્યો છે કે શાળાઓ કે આરોગ્યસેવા પાછળ ખર્ચા વધારવા જોઈએ અને તેના માટે ભંડોળ ઉભું કરવા ટેક્સ પણ નાખવા જોઈએ. એક બાબત સ્પષ્ટ છે કે આજનો રૂપિયો ગાડાના પૈડાં જેટલો મોટો લાગે છે પરંતુ, તેનાથી ભવિષ્યમાં કેટલી આફતનું પોટલું ગળે વળગશે તે પણ જોવું જરૂરી છે.
