વર્ષોથી દક્ષિણ ભારતીય વાનગીઓએ વિશ્વભરમાં લોકપ્રિયતા હાંસલ કરી છે. વિશ્વભરમાં અલગ અલગ દેશના લોકો અને સમુદાયો દક્ષિણ ભારતીય વાનગીઓની લિજ્જત માણે છે. ઉત્તરગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા નાના શહેર ઊંઝાના સુમન પટેલને મિત્રે આપેલા આઇડિયાએ વિદેશની ધરતી પર પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક બનાવ્યા હતા. 10 વર્ષથી કુરિયર બિઝનેસ ચલાવતા સુમને શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતું દક્ષિણ ભારતીય ભોજન પીરસતી રેસ્ટોરન્ટ ખોલવાના વિચારને અમલમાં મૂક્યો. ડે ટુ ડે ઓપરેશનલ મેનેજમેન્ટ અને વિશેષ કુશળતા માગી લેતા હોટલ બિઝનેસ માટે તેમની પાસે જરૂરી અનુભવ નહોતો પરંતુ સુમને કિંગ્સબરી રોડ પર નવેમ્બર 2021માં તેમના ડ્રીમ રેસ્ટોરન્ટ શ્રીજી ડોસાનો પ્રારંભ કર્યો. આઇડિયા આપનાર મિત્રે પણ તેમાં મદદ કરી હતી. ફક્ત નવ જ મહિનામાં શ્રીજી ડોસા રેસ્ટોરન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓમાં લોકપ્રિય બની ગયું છે.
સુમનના જણાવ્યા અનુસાર ભારતીયો ઉપરાંત બ્રિટિશર, પાકિસ્તાની અને બાંગ્લાદેશી પણ અમારા ગ્રાહકો છે. લંડનની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્થાનિકો નવા ફૂડ જોઇન્ટ અંગે માહિતી આપી મુલાકાત માટે પ્રેરે છે.
કિગ્સબરીમાં રહેતા જીત ગોરસિયા કહે છે કે શ્રીજી ડોસા દ્વારા પીરસાતી ગુજરાતી થાળી સ્થાનિકોમાં ઘણી લોકપ્રિય બની છે. ગુરુવારે કાઠિયાવાડી થાળી પીરસવામાં આવે છે જ્યારે અન્ય દિવસોમાં ગુજરાતી વાનગીઓ ઉંધિયું, થેપલા, ટિંડોળા બટાકાનું શાક વગેરે પીરસાય છે. કાઠિયાવાડી થાળીમાં ખિચડી, કઢી, રોટલા, છાશ અને રિંગણ-વટાણાના શાક સહિત અન્ય વાનગીઓ પીરસાય છે. પરંતુ મને થાળીની સાથે પીરસાતી મિઠાઇ અને ડેઝર્ટ ઘણા પસંદ આવે છે જેમાં રસમલાઇ, ગુલાબજાંબુ અને ગાજરનો હલવો સામેલ છે. ગ્રાહકોને ટેક અવેની સુવિધા પણ અપાય છે.
સ્કૂલ ટીચર લિન્ડા લોલેગ શ્રીજી ડોસાના નિયમિત ગ્રાહક છે. તે અને તેમના બ્રિટિશ મિત્રો અહીં મળતી મેંગો લસ્સી, દહીં-પુરી અને પરાઠાના મોટા પ્રશંસક છે. સુમન કહે છે કે શ્રીજી ડોસા ગ્રાહકોને 130 કરતાં વધુ વાનગીઓ પીરસે છે.
દક્ષિણ ભારતીય વાનગીઓ અને ગુજરાતી થાળી ઉપરાંત રેસ્ટોરન્ટ પાંઉ ભાજી, પંજાબી કરીઝ, ઇન્ડિયન સ્ટાર્ટર, મોગો અને ઇન્ડો-ચાઇનિઝ વેરાઇટિઝ પણ પીરસે છએ. અમારા મેનૂમાં ગ્રાહકોની ફેવરિટ આઇટમ મસાલા ડોસા છે. આગામી વર્ષોમાં અમે લંડનના અલગ અલગ વિસ્તારોમાં અમારી શાખાઓ ખોલવા વિચારી રહ્યાં છીએ. ગ્રાહકોનો સંતોષ મને વધુ મહેનત કરવા પ્રોત્સાહન આપે છે.

