વિજયી વિશ્વ તિરંગા પ્યારાઃ આઝાદીનો અમૃત મહોત્સવ

Wednesday 17th August 2022 07:22 EDT
 

વિશ્વની મહાન લોકશાહી ભારતે બ્રિટનની ગુલામીની સાંકળ તોડીને સ્વતંત્રતા હાંસલ કર્યાને 75 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી દેશ અને વિદેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ સ્વરૂપે કરવામાં આવી છે. ભારતનો ભૂતકાળ મહાન અને ભવ્ય હતો અને હવે તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. ભારતે આ 75 વર્ષમાં અપ્રતિમ સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારત જેવા દેશના અતિ પ્રાચીન ઈતિહાસમાં ૭૫ વર્ષનો કાલખંડ ખૂબ જ નાનો લાગે છે પરંતુ, આઝાદી પછીના કાળમાં આ દરેક નાગરિકની જીવનયાત્રા બની રહી છે. ભારત આઝાદ થયું ત્યારે કદાવર બ્રિટિશ નેતા સર વિન્સ્ટન ચર્ચિલે ‘હિન્દુસ્તાન સ્વતંત્રતાને માટે હજુ લાયક થયું નથી કેમકે સ્વતંત્રતા મળતાં જ આ દેશનું સુકાન ગુંડાઓ, ગમારો અને લુંટારાઓના હાથમાં આવી પડશે. રાજકીય કાવાદાવામાં દેશ વેરવિખેર થઇ જશે.’ના શબ્દો ઉચ્ચાર્યા હતા. આજે ભારતનું સ્થાન વિશ્વમાં એટલી ઊંચાઈ એ છે કે યુકે અને યુએસ સહિતના સમૃદ્ધ દેશો ભારત સાથે વેપારકરાર કરવા તેમજ સંરક્ષણ કરારો કરવા તલપાપડ રહે છે. ભારતવાસીઓએ વિદેશીઓની આશંકાઓને ખોટી સાબિત કરી વિશ્વ સમુદાયને લોકતંત્રની વાસ્તવિક ક્ષમતાનો પરિચય કરાવ્યો છે.
આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘હર ઘર તિરંગા’નું સૂત્ર આપ્યું હતું તેને સમગ્ર દેશની જનતાએ ભારે પ્રતિસાદ આપ્યો છે. હર ઘર તિરંગા અભિયાને દેશભક્તિની લહેર જગાવી છે. બાળકો અને યુવાનોના દિલમાં રાષ્ટ્રપ્રેમની ભાવના છવાઈ ગઈ છે. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોલકાતા સુધી વસતા નાગરિકોએ પોતાના ઘર અને ધંધાના સ્થળોએ તિરંગો ફરકાવીને આઝાદીનો જશ્ન મનાવવામાં જરા પણ પાછીપાની કરી નથી. આટલું જ નહિ, લંડન અને લેસ્ટર સહિત યુકે તેમજ વિશ્વના અન્ય દેશોમાં વસતા મૂળ ભારતીયોએ પણ ઉલટભેર પોતાની માતૃભૂમિની આઝાદીની વંદના સાથે યશોગાન ગાયું છે. અન્ય મહત્ત્વની વાબત એ પણ કહી શકાય કે હર ઘર તિરંગા અભિયાને લાખો લોકોને રોજગારની તક પૂરી પાડી છે. દેશમાં સામાન્ય રીતે આઝાદી પર્વે 100 થી 150 કરોડ રૂપિયાના રાષ્ટ્રધ્વજનુ વેચાણ થતુ હોય છે પણ આ વખતે 500 કરોડ રૂપિયાના ધ્વજ વેચાયા છે. ઉત્સાહ એટલો હતો કે પાંચ કરોડથી વધુ લોકોએ હર ઘર તિરંગા વેબસાઈટ પર તિરંગા સાથે સેલ્ફી પણ અપલોડ કરી છે.
વિશ્વના અન્ય રાષ્ટ્રોની સરખામણીએ ભારત અતિ સમૃદ્ધની વ્યાખ્યામાં બેસી શકે તેમ નથી પરંતુ, તેણે ઘણી ઊંચાઈ હાંસલ કરી છે. આઝાદીના આરંભે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી મોટું છઠ્ઠા ક્રમનું અર્થતંત્ર હોવાં છતાં તેની કોઈ ગણતરી કે વિસાત ન હતી, 1990ના દાયકામાં તેની પીછીહઠ થઈ અને તે 12મા ક્રમે પહોંચ્યું અને આજે હરણફાળ ભરીને પુનઃ છઠ્ઠા ક્રમે છે. આઝાદી વેળાએ સરેરાશ આવક વૈશ્વિક સરેરાશના 18 ટકા હતી જે 1990ના દાયકામાં ઘટી ગઈ અને આજે ફરી 18 ટકાથી વધુએ પહોંચી છે. 1990ના દાયકા પછી ભારતની કુલ ઘરેલુ પેદાશ GDP– 10 ગણી વધીને 3.2 ટ્રિલિયન ડોલરે અને માથીદીઠ આવક પાંચ ગણી કરતા વધીને 2200 ડોલરે પહોંચી છે.હવે ભારતના અર્થતંત્રનું લક્ષ્ય પાંચ ટ્રિલિયન ડોલરને આંબી જવાનું છે.
વિશ્વના મોટાં અર્થતંત્રો મંદીની ડણકથી ઢીલાં થઈ રહ્યા છે ત્યારે ભારત માટે તે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. ભારતની મજબૂત તાકાત તેના લોકોની ઉદ્યાગસાહસિકતા છે તેઓ પથ્થરમાંથી પાણી કાઢવાની કળા ધરાવે છે. ભારતમાં બિલિયોનેર્સની સંખ્યા એક દાયકામાં જ ૫૫થી વધીને 140 થઈ છે જે યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમે છે. ટેકનોલોજી અને મેન્યુફેક્ચરિંગ જેવા ઉત્પાદકીય ઉદ્યોગોના સેક્ટરમાં ભારત પછાત હતું તેમાં જ નવા બિલિયોનેર્સ ઉભા થયા છે. માત્ર પાંચ ટકાના દરે પણ વૃદ્ધિ થતી રહેશે તો આગામી 10 વર્ષમાં યુકે, જર્મની અને જાપાનને પાછળ રાખી ત્રીજા નંબરનું વૈશ્વિક અર્થતંત્ર બની જશે.
વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી સંબોધન કરતા આગામી 25 વર્ષ માટેની બ્લુપ્રિન્ટ જાહેર કરી છે જેની સફળતા માટે વિકસિત ભારત, ગુલામીમાંથી મુક્તિ, સ્વદેશના વારસાનો ગર્વ, એકતા અને એકજૂટતા અને કર્તવ્યપાલનના પાંચ સંકલ્પોનો અમલ આવશ્યક ગણાવ્યો છે. 2047ના વર્ષમાં ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાઈ રહી હશે ત્યારે દેશની સિકલ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હશે. નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ રાષ્ટ્રજોગ સંદેશામાં શતાબ્દીની ઉજવણી કરતું ભારત સ્વાતંત્ર્યસેનાનીઓના સાકાર થયેલું સ્વપ્ન બની રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. આપણે તો હરકદમ ગાઈશું કે ‘વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા’


comments powered by Disqus