વેર - ઝેરની વિદાય અને મૈત્રીના વાવેતર કરવા પધારી રહ્યા છે પર્વાધિરાજ પર્યુષણ

-જ્યોત્સના શાહ Wednesday 17th August 2022 07:49 EDT
 
 

દેશ-વિદેશમાં વસતાં શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વ ૨૪ થી ૩૧ ઓગષ્ટ ઉજવાશે. ભૌતિક સુખથી જરા હટકે તન-મન-ધનની શુધ્ધિ કરનાર પર્યુષણ પર્વનો મહિમા અનેરો છે. મનની મોકળાશ અનુભવવી હોય તો આ પર્વનો મહિમા સમજવો જરૂરી છે. પ્રતિ વર્ષે તહેવારોની ઉજવણી આપણે સદીઓથી કરતાં આવ્યાં છે. ધર્મ શું છે? ધર્મ આપણને રોજબરોજનું જીવન જીવવાની પધ્ધતિ શીખવે છે. જીવનમાં સુખ, શાંતિ જળવાય, સમતા, સંતોષ કેળવાય, મૈત્રીભાવનો મંત્ર ગૂંજતો થાય એ માટેનું માર્ગદર્શન આપે છે. એ સમજવાની કોશીષ કરીએ તો જરાય અઘરું નથી. ધર્મને આપણે એક વાડામાં બાંધી સંકુચિત કરી દીધો છે. જે પાળે એનો ધર્મ. માનવતાના પાઠ શીખવતા કોઇપણ ધર્મના મૂળભૂત સિધ્ધાંતોને સમજી જીવનમાં ઉતારીએ તો જીવતર સફળ થઇ જાય છે. ધર્મ હંમેશા સારૂં શિક્ષણ આપે છે. એની સારાસારતા ગ્રહણ કરનાર પર આધાર રાખે છે.
કોઇના દિલને દૂભાવવું નહિ, સૌના પ્રતિ પ્રેમભાવ રાખવો, હિંસાથી દૂર રહેવું, જુઠ્ઠું ના બોલવું, પ્રામાણિક બનવું, ઇર્ષ્યા ભાવ ન રાખવો, આ બધાં સાદા-સરળ નિયમો અપનાવવાથી જીવન સુખમય બને છે. સુખની શોધ સૌને છે પણ આપણે એને બહાર શોધતાં ફરીએ છીએ. મૃગ જેમ એની નાભિમાં કસ્તુરી હોવા છતાં એને શોધવા વનમાં ભટકે છે એમ ! સુખ એ આંતરશોધનો વિષય છે.
જૈન ધર્મના પાયાનું સૂત્ર છે "અહિંસા પરમો ધર્મ", "જીવો અને જીવવા દો". "ક્ષમાપના" એ પર્યુષણ પર્વનો પ્રાણ છે. ક્ષમા માગવા અને આપવા માટે દિલની ઉદારતાની જરૂર છે.
આ પાવન પર્વ દરમિયાન આપણા વ્યસ્ત જીવનમાં થોડો પોઝ કરી, આત્મ સંશોધન કરીએ અને ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એ માટે કટિબધ્ધ બનીએ. આપણી અંદર રહેલ મોહ-માયા, લોભ-માન, વેર-ઝેર જેવા શત્રુઓને મહાત્ કરવા સજ્જ બનીએ. આપણા શાસ્ત્રોમાં તપ-જપનો મહિમા ગાયો છે. શા માટે? તપ કરવાથી શરીરની શુધ્ધિ થાય છે. હવે તો વૈજ્ઞાનિકો પણ ઉપવાસની તરફેણ કરે છે. આજની પેઢીને હવે તપનો મહિમા સમજાવવાની જરૂર નથી.
પરંતુ તનની શુધ્ધિ બાદ મનની શુધ્ધિ મહત્વની છે. જ્ઞાનીઓના વ્યાખ્યાનનું શ્રવણ કરી એના પર ચિંતન કરીએ તો ક્રોધ, લોભ, મોહ-માયા, ઇર્ષા જેવા પ્રલોભનો કે વિકારોને દૂર કરવાનો માર્ગ મળી રહે છે. જપ એટલે કે મંત્રોચ્ચારના પ્રભાવની અસર આપણા આરોગ્ય પર થતી હોવાનું હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે. માફી માગવા અને આપવાથી હળવા થવાય છે. સુખની નિંદર આવે છે. અજંપો દૂર થાય છે. મનના ઉદ્વેગો શમી જાય છે. આહાર, આચાર, વિચાર, વર્તન, વાણી આ બધાં પર કાબૂ મેળવી વર્ષ દરમિયાન જાણતાં-અજાણતાં થયેલ કર્મો પર એક નજર કરી, એનું પૃથ્થકરણ કરી આપણી કુટેવોને જાણી એ દૂર કરવાના પ્રયાસ કરવાથી જીવનમાં શાંતિનો અહેસાસ થાય છે.
 આપણે સૌ જાણીએ છીએ કે બીજા પર આપણો કાબૂ નથી પરંતુ આપણી જાત પર કાબૂ મેળવી શકાય, જો સાચા દિલથી પ્રયત્ન કરીએ તો! માનવ જાતનો સૌથી મોટો કોઇ શત્રુ હોય તો તે આપણે જાતે જ. આપણે આપણી ભૂલો પર પરદો પાડી બીજાના અવગુણોની ખણ ખોદ કરીએ છીએ. એના કરતા જાતની જ કરીએ તો કેટલાય ઉદ્વેગોનું શમન થઇ જશે.
ધાર્મિક ક્રિયાઓ માત્ર કરવા ખાતર કે દેખા-દેખી કરવાથી યા પરંપરાના અનુસરણ માટે જ કરવાનું આંધળું અનુકરણ
કરવા કરતા એને ઊંડાણપૂર્વક સમજી કરીએ એમાં જ એની સાર્થકતા છે.
“સુખનો આધાર "સમજણ" પર છે.
“મુક્તિ"નો આધાર "શરણાગતિ" પર છે અને પ્રાપ્તિનો આધાર "સમર્પણ" પર છે.
સાચી સમજણથી પર્યુષણ પર્વની આરાધના કરી કરૂણાની ગંગા વહાવીએ. દાનની સરવાણીથી દીન-દુ:ખીયાના આંસુ લૂછીએ અને ક્ષમાપનાથી વૈર-ઝેરને વિદાય આપી મૈત્રીનો મંગલનાદ જગાવીએ.

પર્યુષણ પર્વના કાર્યક્રમો : તા.૨૪-૮-૨૨ થી તા.૩૧-૮-૨૨

• જૈન નેટવર્ક અને જૈન મૈત્રીભાવ ગૃપ યોજીત પર્યુષણ: જૈન નેટવર્ક, ફ્લાઇટ વેઝ રીસોર્સીસ સેન્ટર, ધ કોનકોર્સ, કોલીન્ડલ, NW9 5UX ખાતે થશે. દર્શન: દરરોજ સવારના ૯ થી ૧ (લંચ બપોરના ૧ વાગ્યે). પ્રતિક્રમણ સાંજના ૬.૧૫થી. ચૌદસ પ્રતિક્રમણ શુક્રવાર તા.૨૬-૮-૨૨ના સાંજે ૫.૩૦થી. સંવત્સરી પ્રતિક્રમણ બુધવાર ૩૧-૮-૨૨ સાંજના ૪.૩૦થી. કલ્પસૂત્ર વાંચન, મહાવીર જન્મ આદી કાર્યક્રમોની વિગત માટે સંપર્ક : કો-ઓર્ડીનેટર શ્રી વિજય શેઠ 07956 454 149
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ : જાણીતા સંગીતકાર વિકી પારેખ સંગીત સહ ભક્તિ-ભાવનાની રમઝટ બોલાવશે. દરરોજ સાંજે પ્રતિક્રમણ અને ભાવના : સાંજે ૬.૧૫ થી ૧૦.૩૦ સ્થળ: Cannans High school, Edgware, HA8 6AN સવારના ૮ થી ૧.૩૦ : સ્નાત્ર પૂજા, પ્રવચન અને ભોજન સ્થળ:નવયુગ સેન્ટર, 11 Sheaves hill Avenue, Colindale, NW9 6SE વધુ વિગત માટે સંપર્ક: પુષ્પક : 07397 085 258
• નવનાત વણિક એસોસિએશન યુ.કે.ના.સ્થાનકવાસી અને દેરાવાસી પર્યુષણ નવનાત સેન્ટરમાં ઉજવાશે
સ્થળ: નવનાત સેન્ટર, પ્રીન્ટીંગ હાઉસ લેન, હેઝ, UB3 1AR પ.પૂ. નમ્રમુનિજી મહારાજ સાહેબના આશીષ લઇશાસન પ્રભાવક પૂર્વી દીદી અને જીનીતભાઇ પ્રવચન માટે પધારશે, દૈનિક કાર્યક્રમ: દરરોજ સવારના ૧૧ થી ૧૨.૫૦ ધ્યાન, ભક્તિ અને વ્યાખ્યાન. ૧ થી ૨ લંચ. ૩ થી ૪.૩૦ સત્સંગ, ક્વીઝ અને પ્રશ્નોત્તરી. સાંજના ૫.૩૦ થી ૬.૧૫ ડીનર. ૬.૩૦ થી ૮.૧૦ દેરાવાસી પ્રતિક્રમણ.૬.૪૫ થી ૮.૧૦ સ્થાનકવાસી પ્રતિક્રમણ. શનિવાર ૨૬ ઓગષ્ટ મહાવીર જન્મ ક્લ્યાણક બપોરના ૨ થી. ૩૧ ઓગષ્ટ સંવત્સરી પ્રતિક્રમણ. ૧ સપ્ટેમ્બરે તપસ્વી સંઘ પારણા સવારના ૧૦.૩૦થી. ૧૧ સપ્ટેમ્બર પ્રીતિ ભોજન. વધુ વિગત માટે સંપર્ક: ભારતીબહેન શાહ 07947 144 080 Or સુષમાબહેન શાહ 07941 711 125
• મહાવીર ફાઉન્ડેશનના ઉપક્રમે દરરોજ સવારના ૧૦.૩૦થી ૧૧.૩૦ વ્યાખ્યાન. સ્થળ: 555 કેન્ટન રોડ, અને સાંજના ૬.૩૦થી પ્રતિક્રમણ તેમજ ભાવના JFS School, The Mall, HA3 9TE ખાતે થશે. મહાવીર જન્મ કલ્યાણક, રવિવાર ૨૮ ઓગષ્ટ અને ૩૦ ઓગષ્ટ તપસ્વીઓનું બહુમાન. સંવત્સરી પ્રતિક્રમણ સાંજના ૪ વાગ્યાથી. વધુ વિગત માટે દહેરાસરમાં શ્રી કેતન ગાંધીનો સંપર્ક સાધો.: 020 8206 1659.
• SRMD લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર, ફાલ્કન રોડ, Bushey, WD23 3AD ખાતે પર્યુષણ પર્વની આરાધના થશે.
મુંબઇથી દરરોજ પૂ.ગુરૂદેવશ્રીના પ્રવચનો શ્રી કઠોપનિષદ પર સાંજના ૪ થી ૫.૩૦ અને રાતના ૭.૩૦ થી ૧૦ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પ્રસારિત થશે. ૩૧ ઓગષ્ટ સંવત્સરીના દિને સાંજના ૬ થી ૯ સંવત્સરિક ભાવ પ્રતિક્રમણ થશે. વધુ વિગત માટે સંપર્ક : 07835 237 325.


comments powered by Disqus