ક્રિકેટવિશ્વની સૌથી સફળ ટૂર્નામેન્ટ આઈપીએલના સ્થાપક કમિશનર લલિત મોદીએ ભૂતપૂર્વ વિશ્વસુંદરી અને એકટ્રેસ સુસ્મિતા સેન સાથે પોતે ડેટિંગ કરી રહ્યા હોવાનું જાહેર કરીને હલચલ મચાવી દીધી હતી. જોકે, લલિત મોદીની આ સનસનાટી સર્જતી જાહેરાત અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ નહીં આપનારી સુસ્મિતાએ ફરી એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે હળવા-મળવાનું શરૂ કરતાં તરેહ તરેહની અટકળો શરૂ થઇ છે. તાજેતરમાં સુસ્મિતાના માતા શુભ્રા સેનના બર્થ ડે નિમિત્તે પાર્ટી યોજવામાં આવી હતી. તેમાં સુસ્મિતાની દીકરીઓ રીની - આલિશા અને અન્ય પરિવારજનો પણ હાજર હતાં. આ પાર્ટીમાં રોહમન પણ હાજર હોવાનું ખુદ સુસ્મિતાએ પોસ્ટ કરેલા વીડિયોમાં જોવા મળે છે. વીડિયો પરથી ખ્યાલ આવે છે કે રોહમન માત્ર સુસ્મિતા જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર સાથે નિકટતા ધરાવે છે.
આ પછી 'લાલ સિંહ ચઢ્ઢા'નો પ્રિમિયર શોમાં સુસ્મિતા અને રોહમન સાથે સાથે આવ્યાં હતાં. રોહમન ત્યારે પણ સુસ્મિતાની બંને દીકરીઓ સાથે એકદમ આત્મીયતાથી હળતોભળતો હોવાનું જોવા મળ્યું હતું. સુસ્મિતા - રોહમન અગાઉ બ્રેકઅપ જાહેર કરી ચૂક્યાં છે. જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે બંને સારાં મિત્રો તરીકે યથાવત્ રહેશે. હવે બન્ને માત્ર ‘સારાં મિત્ર’ જ કે ‘ખાસ મિત્ર’ છે એ તો સમય જ કહેશે.

