દર વર્ષે વિશ્વમાં 15 મેના દિવસે પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવી સામાજિક પ્રાણી છે પરંતુ, પ્રાણીઓની અપેક્ષાએ તેની બુદ્ધિ, સંવેદના અને લાગણી પણ અલગ છે. વ્યક્તિ સમાજનું સૌથી પ્રાથમિક ઘટક છે. વ્યક્તિઓ એકઠાં મળીને પરિવાર બને છે જે લાગણીઓથી જોડાયેલો રહે છે. આવા પરિવારો એકઠાં થઈને સમુદાય અને સમાજનું બંધારણ રચે છે. પરિવારમાં માતા-પિતા અને સંતાનો કેન્દ્રસ્થાને રહે છે. પક્ષીઓ કે પ્રાણીઓમાં પરિવારની વિભાવના નથી. બચ્ચું મોટું થતાં જ ફરરર કરી ઉડી જાય છે. માનવીમાં આમ થતું નથી કારણકે તેઓ સ્નેહ અને સંવેદનાના તાંતણે બંધાયેલા છે.
ભારતના સામવેદમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વિશાળ ભાવનાનું પ્રદર્શન કરાયું છે પરંતુ, વર્તમાન સમયમાં તે શક્ય જણાતું નથી. ભારતની સંસ્કૃતિમાં રહેલી અખૂટ તાકાત પરિવારોને મજબૂત બનાવે છે. ભારતીય સંસ્કૃતિમાં બાળકો માટે કહેવાયું છે કે ‘પ્રાપ્તે તું ષોડશે વર્ષ પુત્ર મિત્રવત્ સમાચરેત્’ એટલે કે પુત્ર કે પુત્રી 16 વર્ષના થાય તેમની સાથે મિત્ર સમાન વ્યવહાર આચરવો જોઈએ. આના કારણે વર્તમાનમાં જે જનરેશન ગેપની મોટી મોટી દલીલો થાય છે તેનો છેદ ઉડી જાય છે. સંતાનો જ પરિવારનો પાયો હોય છે. જો સંતાનો પ્રસન્ન રહેશે તો પરિવાર પણ ખુશહાલ રહેશે. માતા-પિતા અરસપરસ સન્માન દર્શાવશે તેની બાળક પર પડનારી અસર તેમને જીવનમાં સફળતાના માર્ગે લઈ જશે.
એક સમય એવો હતો કે ભારતમાં બાળકો અને લોકો માટે પરિવારનો અર્થ મા-બાપ, કાકા-કાકી, ફઈ-ફૂવા, મામા-મામી, માસા-માસી, બહેન-બનેવી, નણંદ-નણંદોઈ, દીયર-દેરાણી, જેઠ-જેઠાણી, દાદા-દાદી, નાના-નાની અને અન્ય સગાંસંબંધી જેવપો વિસ્તૃત હતો. આ સમયે પશ્ચિમી દેશોમાં વિસ્તૃત અથવા તો એક્સટેન્ડેડ ફેમિલીમાં અંકલ અને આન્ટીના શબ્દો જ હતા. બાકીના સંબંધો તો ‘ઈન લોઝ’ એટલે કે કાયદાથી પારિભાષિત હતા. પરંતુ, હવે પરિવાર અને તેને સંબંધિત સંબંધો સીમિત- મર્યાદિત બની ગયા છે. પરિવારો વિખરાઈ ગયા છે. વિશાળ સંયુક્ત પરિવારની શાખા-પ્રશાખાઓ તૂટીને વિભક્ત પરિવારો બન્યા અને હવે વિભક્ત પરિવારો પણ એકલ પરિવાર બની ગયા છે. અમર્યાદિત પરિવાર હવે મર્યાદિતની વ્યાખ્યામાં આવી ગયો છે.
જોકે, મુશ્કેલીના સમયમાં એકસંપ થઈ જવાની આદિમ વૃત્તિ હજુ યથાવત રહી છે. કોરોના મહામારીના ગાળામાં પરિવારનો મંત્ર અસરકારક નીવડ્યો હતો. સમગ્ર સમુદાય એક પરિવાર બની ગયો હતો. નોકરીધંધા અથવા અભ્યાસ કે અન્ય કોઈ કારણોસર માતાપિતાથી અલગ થયેલા સંતાનો પણ પરિવારના વટવૃક્ષની છાયામાં શીતળતા મેળવવા સાથે રહેવા લાગ્યા હતા. બાળકોએ પરિવાર કે માતાપિતા સાથે મહામૂલો સમય વીતાવ્યો હતો. મહામારીએ પરિવારના મહત્ત્વનો અહેસાસ કરાવ્યો હતો. સમગ્ર વિશ્વે પરિવારની પરિભાષાને જાગૃત થતી જોઇ હતી.
સંયુક્ત પરિવારમાં બાળકને સામૂહિક જીવન જીવવાનો બોધપાઠ મળે છે. કોની સાથે કેવું વર્તન થાય કે કેવી રીતે બોલાય તે પરિવારના સભ્યોને જોઈને શીખવા મળે છે. અત્યારે વિભક્ત કુટુંબમાં બાળકનો હવાલો પગારદાર વ્યક્તિને સોંપવામાં આવે છે તેની નરસી મઅસરો આપણે જોઈ શકીએ છીએ પરંતુ, સંયુક્ત કુટુંબમાં બાળક એની મેળે જ ઉછરી જાય છે. આવાં બાળઉછેર માટે પણ પરિવાર આવશ્યક છે.
