કીવ: રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેને દાવો કર્યો છે કે તેણે બીજા નંબરના સૌથી મોટા શહેર ખાર્કિવ પર કબજો કર્યો છે. રશિયન સૈનિકોને ત્યાંથી હાંકી કઢાયા છે. આ ઉપરાંત યુક્રેનના જાસૂસી વિભાગના વડાએ જણાવ્યું છે કે પુતિન સામે બળવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે અને તેમને ગમે ત્યારે સત્તા પરથી હટાવી દેવાઈ શકે છે. આ ઉપરાંત પુતિનને બ્લડ કેન્સર છે અને તે આરોગ્યના મોરચે પણ ઘણી તકલીફોનો સામનો કરી રહ્યા છે. તેથી આરોગ્યના આધારે પણ પદ છોડવું પડે તેવી અને વર્તમાન યુદ્ધ વર્ષના અંતે પૂરું થાય તેવી શક્યતા છે.
રશિયા 24 ફેબ્રુઆરીથી ખાર્કિવ શહેર પર અંકુશ મેળવવા બોમ્બાર્ડિંગ કરી રહ્યું હતું પણ યુદ્ધને લગભગ ત્રણ મહિના થયા હોવા છતાં પણ તે ખાર્કિવ પર અંકુશ મેળવી શક્યું નથી. યુક્રેનના સૈનિકોના જબરજસ્ત પ્રતિકારના લીધે રશિયાએ અહીં પીછેહઠ કરવી પડી છે. યુક્રેનનો દાવો છે કે સમગ્ર ખાર્કિવ પર તેનું નિયંત્રણ થઈ ચૂક્યું છે.

