ભારત-નેપાળ વચ્ચે બૌદ્ધ લુમ્બિની ગાંઠ

Wednesday 18th May 2022 06:37 EDT
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુદ્ધપૂર્ણિમાના પવિત્ર દિવસે પડોશી રાષ્ટ્ર નેપાળની મુલાકાત લઈને બંને દેશો વચ્ચેના સંબંધોને લુમ્બિની ગાંઠ થકી બાંધ્યા છે. ભારત અને નેપાળ વચ્ચે સદીઓ પુરાણા સાંસ્કૃતિક સંબંધો છે પરંતુ, ચીનની મેલી નજરે આ સંબંધોમાં તિરાડ ઉભી કરી હતી. વડા પ્રધાન મોદીની પાંચમી નેપાળ મુલાકાતને બંને દેશ વચ્ચે કડવાશપૂર્ણ બનેલા રાજકીય સંબંધોમાં મીઠાશ પ્રસરાવવા માટે મહત્ત્વપૂર્ણ મનાય છે. મોદીએ નેપાળી વડા પ્રધાન શેર બહાદુર દેઉબા સાથે ભગવાન ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં મંત્રણાઓ કરી હતી.
ભારતમાં બૌદ્ધ લોકોની વસ્તી ભલે ઓછી હોય પરંતુ, બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિના ભારતનો ઇતિહાસ પૂર્ણ નથી. નેપાળમાં બૌદ્ધોની બીજા નંબરની સૌથી મોટી વસ્તી છે અને ત્યાંના રાજકારણમાં પણ બૌદ્ધો મહત્ત્વ ધરાવે છે. વિશ્વની સૌથી મોટી બૌદ્ધ વસ્તી ચીન, નેપાળ ભુતાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશોમાં છે. ભારત બૌદ્ધ કૂટનીતિના સહારે એશિયાને એકતાના સૂત્રમાં બાંધવા અને ચીન સિવાયના દેશો સાથે સંબંધોની ગાંઠ વધુ મજબૂત બનાવવા માગે છે.
થોડા સમય અગાઉ, નેપાળ અને શ્રી લંકાએ ચીની ખૂટના સહારે ભારે કૂદાકૂદ કરી હતી અને ભારત સાથેના સંબંધોમાં કડવાશ પ્રસરાવી હતી. ભારતનું વર્તન પડોશીઓ સાથે મોટા ભાઈ જેવું જ રહ્યું છે. ભારત સરકાર ચીનની કૂટનીતિને બરાબર સમજે છે તેથી તેણે ધીરજ રાખવામાં જ શાણપણ જોયું અને આખરે ચીન સાથેના આર્થિક સંબંધોનો પરપોટો ફૂટતાની સાથે જ નેપાળ અને શ્રી લંકાને જાણે બ્રહ્મજ્ઞાન લાધી ગયું છે. હવે ત્યાંના નેતાઓના સૂર બદલાઈ ગયા છે કારણકે ભારતે અણીના સમયે આ દેશોની સહાય કરી છે.
ચીનની જિન પિંગ સરકારે દેવાંની માયાજાળ ફેલાવી નેપાળમાં 3 બિલિયન ડોલરના ખર્ચે વિશ્વ શાંતિ કેન્દ્ર બનાવવાની પેરવી કરી હતી. આ ચાલની સામે ભારતે નેપાળ સાથેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવા એક બિલિયન રૂપિયાના ખર્ચે બૌદ્ધવારસાને આગળ વધારવા લુમ્બિનીમાં બૌદ્ધ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણની ઓફર કરી છે. ચીનની સામ્યવાદી સરકારના ઈશારે પૂર્વ વડા પ્રધાન કેપી ઓલીની સરકાર ભાર વિરુદ્ધ વિષવમન કરતી રહી હતી પરંતુ, હવે ભારતતરફી દેઉબા સરકાર આવતા બદલાયેલા રાજકીય માહોલમાં બંને દેશોના રાજકીય સંબંધો પુનઃ વધુ મજબૂત બનાવવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે.
ભારતના પડોશી દેશો પણ ભારત સાથે સંબંધો પૂર્વવત બનાવવા આગળ વધી રહ્યા છે ત્યારે બદલાયેલા વૈશ્વિક રાજકીય માહોલમાં પશ્ચિમી દેશો પણ મૈત્રીનો હાથ લંબાવી રહ્યા છે. રશિયા મુદ્દે ભારતની પ્રારંભિક ટીકા કર્યા પછી યુએસ, યુકે, ફ્રાન્સ અને જર્મની સહિતના પશ્ચિમી દેશો ભારતને ચાઈનીઝ ડ્રેગન સામે સમતુલા તરીકે નિહાળી રહ્યા છે. ચીનનો સામનો કરવામાં ભારત સિવાય કોઈ દેશ ‘સુપર પાવર’ બતાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાની સમજ હવે આવી ગઈ છે. નઆથી, તેમણે વડા પ્રધાન મોદીને ગળે લગાવવાની શરૂઆત પણ કરી દીધી છે.


comments powered by Disqus