નવીદિલ્હી: કોરોના મહામારીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ની કામગીરીમાં ધરમૂળથી સુધારા અને ફેરફાર કરવા ભારતનાં પીએમ મોદીએ હાકલ કરી હતી. WHOએ તેનાં નિયમો વધુ સરળ બનાવવા પડશે. મોદીએ કહ્યું કે કોરોનાની વેક્સિન તેમજ દવાઓ લોકો સુધી સમાન રીતે પહોંચવી જોઈએ. તેમણે કહ્યું કે કોવિડનાં રોગચાળા વચ્ચે વધુ સ્થિતિસ્થાપક ગ્લોબલ હેલ્થ સુરક્ષા સર્જવાની તાતી જરૂર છે.
સપ્લાય ચેનને સ્થિર રાખવા તેમણે વેક્સિન અને સારવાર માટે જરૂરી સાધનો અને પદ્ધતિને મંજૂરી આપવા WHOની અપ્રૂવલ પ્રોસેસને સરળ બનાવવા અનુરોધ કર્યો હતો. તેઓ સેકન્ડ ગ્લોબલ કોવિડ સમિટમાં 'પ્રિવેન્ટિંગ પેન્ડેમિક એન્ડ પ્રાયોરિટાઈઝિંગ પ્રીપેર્ડનેસ' વિષય પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે WTO પણ નિયમોના અમલીકરણમાં વ્યવહારુ બને, ખાસ કરીને ટ્રીપ્સ મુદ્દે વ્યવહારું બનવાની જરૂર છે. WHO સશક્ત બને તે આજના સમયની માગ છે.
મોદીએ દાવો કર્યો હતો કે ભારત દ્વારા કોરોનાની મહામારીમાં 98 કરતા વધુ દેશોનો 200 મિલિયન વેક્સિન ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા.

