એક ગુજરાતી વીરાંગનાએ અંગ્રેજ માલિકની જોહુકમી સામે ઉઠાવેલો અવાજ જેક ડ્રોમી જેવા મજૂર નેતાનો જન્મદાતા બન્યો

Tuesday 18th January 2022 08:57 EST
 
 

જીવન અને વ્યવસાયમાં થયેલા અનુભવો અને મુલાકાતો ક્યારેય વીસરી શકાતી નથી. કેટલીક ઘટનાઓ અને વ્યક્તિત્વો આપણા જીવન પર અનેરી છાપ મૂકી જતાં હોય છે. ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બર્મિંગહામ એર્ડિંગ્ટન બેઠકના ૭૩ વર્ષીય બ્રિટિશ સાંસદ જેક ડ્રોમીના નિધનના સમાચાર આવતાં જ ઊંડા આઘાતની લાગણીમાં સરી પડ્યો પરંતુ સાથે સાથે બ્રિટનમાં શ્રમિકો અને વિશેષ કરીને લઘુમતી સમુદાયોના હામી એવા જેક ડ્રોમી અને તેમના પત્ની હેરિયટ હરમનના કાર્યોની ઝાંખી સ્મૃતિ પટલ પર એક ફિલ્મની જેમ દોડવા લાગી. તેમાં પણ બ્રિટિશ ઇતિહાસમાં ગુજરાતી મહિલાઓ દ્વારા કરાયેલા આંદોલન અને જેક ડ્રોમીએ તે આંદોલનને આપેલા સમર્થનની એ ઘટના મારા અંતરપટલ પર આજે પણ એટલી જ જીવંત છે.
એ હતો વર્ષ ૧૯૭૬નો ઊનાળો. ૧૯૭૨માં પત્રકારત્વની દુનિયામાં પદાર્પણ કરનાર ગુજરાત સમાચાર વીકલીને માંડ ચાર વર્ષ થયાં હતાં. હું પણ પત્રકારત્વની પાઠશાળામાં એક પછી એક પાઠ આત્મસાત કરી રહ્યો હતો. તેવામાં ચેપ્ટર રોડ, ડોલિસ હિલ ખાતે આવેલા ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વંશીય ભેદભાવ રાખીને એશિયન સમુદાયના કામદારો પર જુલમો ગુજારતા કંપનીના બોસ જ્યોર્જ વોર્ડ સામે ૪ ફૂટ ૧૦ ઇંચની સામાન્ય ઊંચાઇ ધરાવતા ગુજરાતી મહિલા જયાબેન દેસાઇએ આંદોલનનું રણશિંગડું ફૂંકી દીધું હતું. ખૂબ ધીમી ગતિએ કામ કરવાના આરોપ બદલ મૂળ કચ્છના દેવશી ભુડિયાને બરતરફ કરવામાં આવતા ૨૩ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ જયાબેનના નેતૃત્વમાં કંપનીના કામદારોએ પહેલીવાર વોકઆઉટ કરી આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
વીરાંગના જયાબેન અને સાથી ગુજરાતી અને એશિયન મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા આ આંદોલનની સાથે બ્રિટનના ટ્રેડ યુનિયન જગતમાં રાષ્ટ્રીય ફલક પર જેક ડ્રોમી નામના એક નવા સિતારાનો ઉદય થયો. જેક ડ્રોમીના સમર્થન છતાં બે વર્ષ ચાલેલા આ આંદોલનને ધારી સફળતા તો ન મળી પરંતુ આ આંદોલન સમાજ જાગૃતિનો પર્યાય બની ગયો હતો અને આ સાથે જ બ્રિટનમાં ડ્રોમી એક મજબૂત ટ્રેડ યુનિયન નેતા તરીકે ઊભરી આવ્યા.
વીરાંગના જયાબેન સાથે કૌશ્લ્યાબેન(જી.પી.), સુભાષ પટેલ(બ્રેન્ટ ઈંડિયા એસોસિએશન), વિલ્સન અમૃત(લેખક અને સામાજિક કાર્યકર) જેવા ઘણા બધા લોકોએ આ આંદોલનમાં સક્રિય ભાગીદારી નિભાવી હતી. બ્રિટનમાં સાડીધારી મહિલાઓના આંદોલન તરીકે પ્રસિદ્ધ બનેલા ગુજરાતી મહિલાઓના આંદોલનને મેં અને ગુજરાત સમાચાર વીકલીએ સમર્થન આપ્યું હતું અને તેમની ચળવળને વેગવંતી બનાવવામાં શક્ય તમામ સહાય કરી હતી.

જેક ડ્રોમી અને હેરિયટ હરમન – એ પાવર કપલ

હરમન હાર્લી સ્ટ્રીટના ડૉક્ટર અને બેરિસ્ટરની પુત્રી હતી. તેની કાકી કાઉન્ટેસ હતી. જેક ૧૯૭૭માં હરમનને મળ્યા, ત્યારે હરમન વકીલ તરીકે ગ્રુનવિક સ્ટ્રાઈક કમિટીને સલાહ આપતા હતા. અત્યંત તેજસ્વી, અત્યંત રુપાળી હરમન અને આઇરિશ જેક વચ્ચે ટૂંક સમયમાં રોમાંસ ખીલ્યો. ૧૯૮૨માં, જ્યારે હરમન પેકહામની સલામત બેઠક માટે ઉમેદવાર હતી, ત્યારે તે ગર્ભવતી બની હતી. હરમને તેના સંસ્મરણો, અ વુમન’સ વર્કમાં વર્ણવ્યું છે કે "મારા માતા-પિતા અને મારા મતવિસ્તારના ખાતર" મેં અને ડ્રોમીએ લગ્નની પિતૃપ્રધાન સંસ્થા વિશેની શંકાઓને બાજુ પર મૂકી. તેણીએ ઑગસ્ટ ૧૯૮૨માં ઉત્તર લંડનની વિલ્સડન રજિસ્ટર ઑફિસમાં આ દ્રશ્ય રેકોર્ડ કર્યું: “ત્યાં કોઈ લગ્નની વીંટી ન હતી, સફેદ ડ્રેસ ન હતો, ફૂલો નહોતા, આજ્ઞાપાલન કરવાની પ્રતિજ્ઞા નહોતી, કોઈ પિતા મને વિદાય આપતા નહોતા. મારા કે જેકના માતા-પિતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યાં કોઈ મહેમાનો ન હતા, ફક્ત બે સાક્ષીઓ હતા. ચાર દાયકાઓ સુધી બ્રિટનના રાજકારણમાં જેક ડ્રોમી અને હેરિયટ હરમન પાવર કપલ તરીકે જાણીતા હતા. હેરિયટ હરમનને બ્રિટિશ સંસદમાં મધર ઓફ હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ બ્રિટિશ સંસદમાં સૌથી વધુ લાંબો સમય સાંસદપદે રહેનારા મહિલા છે. જેક હેરિયટને તેમની પેઢીના અદ્વિતિય મહિલાવાદી સાંસદ ગણાવતા હતા. બન્ને એક બીજા પ્રત્યે અને સમાજ પ્રત્યે એટલા જ સમર્પિત હતા. તેઓ ખરેખર આદર્શ કપલ હતા. અત્યારે તો ડ્રોમી તેમની પાછળ હેરિયટ હરમન અને ૩ સંતાન હેરી, જો અને એમીને રૂદન કરતાં મૂકી ગયાં છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ આપે..
આપનો વિશ્વાસુ
સી બી પટેલ

જોન યુજિન જોસેફ ડ્રોમી (જેક ડ્રોમી) – એક બહુમુખી ઉર્જાવાન વ્યક્તિત્વ

• ૨૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ બ્રેન્ટ ખાતે આઇરિશ પરિવારમાં જન્મ • રોજગારની શોધમાં માતા-પિતાનું લંડન સ્થળાંતર, પિતા ટ્રેન ડ્રાઇવર અને માતા ક્લિનર • હોલેન્ડપાર્ક સ્થિત કાર્ડિનલ વોઘન ગ્રામર સ્કૂલમાં શાળાકિય શિક્ષણ • શાળા શિક્ષણ બાદ બે વર્ષ કાયદાનો અભ્યાસ • ૧૯૭૦ના દાયકામાં બ્રેન્ટ લો સેન્ટરની સ્થાપના કરી • ૧૦ વર્ષ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના કારોબારી સભ્ય રહ્યા • ૨૫ વર્ષ સુધી ટ્રાન્સપોર્ટ એન્ડ જનરલ વર્કર યુનિયનના અધિકારી તરીકે સેવાઓ
• ૨૦૦૪માં લેબર પાર્ટીના ખજાનચી નીમાયા, ૨૦૧૦માં સાંસદ તરીકે ચૂંટાયા • સપ્ટેમ્બર ૨૦૧૦માં ડ્રોમી હાઉસિંગ મંત્રાલયના શેડો મિનિસ્ટર નિયુક્ત કરાયા • ૨૦૧૩માં ડ્રોમીને ગૃહ માંલયમાં પોલીસ બાબતોની જવાબદારી સોંપાઇ • ૨૦૧૬માં ડ્રોમીને શ્રમ બાબતોના પ્રવક્તાની જવાબદારી અપાઇ • ૨૦૨૧માં કેબિનેટ ઓફિસમાં શેડો પેમાસ્ટર જનરલ તરીકે નિયુક્તિ કરાઇ • ડિસેમ્બર ૨૦૨૧માં ઇમિગ્રેશન મામલાઓ રજૂ કરવાની વધારાની જવાબદારી અપાઇ • નિધનના એક દિવસ પહેલાં જ ડ્રોમીએ પહેલીવાર ઇમિગ્રેશન મુદ્દાઓ પર રજૂઆત કરી • ૧૯૯૫ અને ૨૦૦૩માં યુનિયનના વડા પદે સેવાઓ આપી

મિ. મેનેજર અમે સિંહ છીએ : જયાબેન દેસાઇના નેતૃત્વમાં સાડીધારી મહિલાઓએ ઇતિહાસ રચ્યો હતો

મને યાદ છે ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ પ્લાન્ટમાં થઇ રહેલા શોષણ અને અત્યાચારો સામે જયાબેન દેસાઇ અને સાથી ભારતીય અને એશિયન કામદારોએ આંદોલન છેડ્યું હતું. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સત્યાગ્રહના પાઠ ભણીને આવેલા જયાબેન આ આંદોલન દ્વારા લાખો કામદારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાં હતાં. તેમણે કંપનીના બોસ જ્યોર્જ વોર્ડને ચોખ્ખું સુણાવી દીધું હતું કે, તમે ફેક્ટરી નહીં પરંતુ એક પ્રાણી સંગ્રહાલય ચલાવી રહ્યા છો. તેમાં ઘણા પ્રકારના પ્રાણી છે. કેટલાંક વાંદરા છે જે તમારી આંગળીના ઇશારે નાચી રહ્યાં છે પરંતુ કેટલાંક સિંહ પણ છે જે તમારું માથુ ભાંગી શકે છે. મિ. મેનેજર અમે સિંહ છીએ. ફક્ત ૧૦૦ કરતા ઓછા કામદારોના વોકઆઉટ સાથે શરૃ થયેલું આ આંદોલન બ્રિટનમાં ઇતિહાસ સર્જી ગયું હતું. જયાબેન જેક ડ્રોમીને કહેતાં કે મારી અંગ્રેજી ભાષા સારી નથી. પરંતુ જેકને લાગતું કે જયાબેનના અવાજમાં ગાંધીજીની ભાષાનો રણકો છે. આત્મિયતાસભર શબ્દો દ્વારા જયાબેને આંદોલનને જનઆંદોલન બનાવી દીધું હતું. બે વર્ષ ચાલેલા આ આંદોલનમાં ૧૧ જુલાઇ ૧૯૭૭ના રોજ ચેપ્ટર રોડ પર ૨૦,૦૦૦ કરતાં વધુ કામદારોએ દેખાવો કરી ઇતિહાસ રચ્યો હતો.

વિલ્સન અમૃત – આંદોલનનો એંગ્લો ઇન્ડિયન ચહેરો

આંદોલનમાં સક્રિય ભાગીદારી કરનાર વિલ્સન અમૃત કહેતા કે આંદોલન બાદ હું ફરજ પર પાછી ફરી ત્યારે મારા ફોરમેને મને સવાલ કર્યો હતો છેલ્લા ૧૨ સપ્તાહમાં મને શું પ્રાપ્ત થયું. તે મારી મજાક ઉડાવતો હતો. પરંતુ મેં તેને જવાબ આપ્યો હતો કે હું તેને લડત આપતા શીખીને આવી છું. હવે તે મને એક કામમાંથી બીજા કામમાં ફૂટબોલની જેમ ફંગોળી શકશે નહીં. પહેલાં મને ઓછું મહેનતાણું ચૂકવાતું ત્યારે હું રડી પડતી હતી પરંતુ હવે હું રડીશ નહીં.


comments powered by Disqus