અમેરિકાના ટેક્સાસમાં પાકિસ્તાની આતંકીઓએ યહૂદી ધર્મસ્થળ પર હુમલો કરીને ચાર બંધકોના બદલામાં લેડી અલકાયદા ‘આફિયા સિદ્દીકી’ને છોડવાની માગણી કરી હતી. આ ઘટનાથી ત્રાસવાદી ઘટનાઓમાં પાકિસ્તાનના છેડા અડતા હોવાનું સ્પષ્ટપણે બહાર આવ્યું છે.
અફઘાનિસ્તાનમાં અમેરિકી આર્મી વિરુદ્ધ ષડયંત્ર રચવા અને જીવલેણ હુમલા કરવા સહિતના આરોપો બદલ અમેરિકી જેલમાં ૮૬ વર્ષની જેલની સજા ભોગવી રહેલી પાકિસ્તાની આફિયા ન્યુરોસાયન્ટિસ્ટ છે. અમેરિકી એફબીઆઈ અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ૨૦૦૪માં જ આફિયા સિદ્દીકીને સ્પષ્ટપણે અલ કાયદાની સંચાલક અને સૂત્રધાર ગણાવી હતી. આફિયા અમેરિકાની બ્રેન્ડિસ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અભ્યાસ કરતી હતી ત્યારથી અલ કાયદાની સમર્થક બની હોવાનું કહેવાય છે. ૧૧ સપ્ટેમ્બરના હુમલા પછી જ અમેરિકી એજન્સીઓની તેની પર નજર પડી હતી. અન્ય આતંકવાદીએ તેના વિશે માહિતી આપ્યા પછી જ અફઘાનિસ્તાનમાંથી આફિયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનામાં બ્રિટિશ નાગરિક અને લેન્કેશાયરના બ્લેકબર્નના રહેવાસી મલિક ફૈઝલ અકરમે આફિયાને જેલમાંથી છોડાવવા હથિયાર ઉપાડ્યા હતા. પોલીસ ગોળીબારમાં તેનું મોત થયું અને ચારેય બંધકને બચાવી લેવાયા હતા. હવે પોલીસે વધુ બે બ્રિટિશ સગીરની ધરપકડ કરી છે તેની પણ નોંધ લેવી જોઈએ.
આ મુદ્દે પાકિસ્તાનનું વલણ પણ વિચારવાલાયક છે. પાકિસ્તાન હંમેશાંથી આતંકવાદનું સમર્થક રહ્યું છે. ભારતના કાશ્મીરમાં આતંક ફેલાવી રહેલા પાકિસ્તાની આતંકી સંગઠનોને પાકિસ્તાની સરકાર અને આર્મી- જાસૂસી સંસ્થાનો ખુલ્લો ટેકો મળે છે તે સર્વવિદિત છે. આફિયા સિદ્દિકીને અમેરિકામાં સજા કરાઈ તેની વિરોધમાં પાકિસ્તાનના ઘણા શહેરોમાં દેખાવો કરાયા હતા. તત્કાલીન વડા પ્રધાને આફિયાને દેશની બેટી કહીને બિરદાવી તેને જેલમુક્ત કરાવવા ચળવળ શરૂ કરી હતી. આફિયાને કેવી રીતે મુક્ત કરાવી શકાય તેની ચર્ચા સતત પાકિસ્તાનમાં થતી રહી છે. દેવાળિયું જાહેર થયા પછી પણ પાકિસ્તાનની કટ્ટર ઈસ્લામિક માનસિકતા જરા પણ બદલાઈ નથી.
