પાર્ટીગેટ કૌભાંડ અને લોકશાહીની માગ

Wednesday 19th January 2022 05:36 EST
 

અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સન માટે વોટરગેટ કૌભાંડ મૃત્યુઘંટ સમાન પુરવાર થયું હતું તે જ રીતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે પાર્ટીગેટ કૌભાંડ સત્તા છોડાવનારુ સાબિત થઈ શકે છે. જ્હોન્સને કોરોના મહામારીના પ્રથમ લોકડાઉનમાં નિયંત્રણોનો ભંગ કરી યોજાએલી ગાર્ડન પાર્ટીમાં ઉપસ્થિત રહ્યાની કબૂલાત કરી માફી માગ્યા પછી કન્ઝર્વેટિવ સાંસદો ખુલ્લેઆમ તેમના રાજીનામાની માગ કરી રહ્યા છે. જોકે, કેટલાક કેબિનેટ મિનિસ્ટર્સ તેમના સમર્થનમાં બહાર આવ્યા છે તે પણ હકીકત છે. આમ છતાં, આ રાજકારણ છે જે દેખાય છે તેના કરતાં વધુ ઊંડુ હોય છે. લોકો પણ જ્હોન્સનના જુઠાણાથી નફરત કરી રહ્યા છે. જે વ્યક્તિ પ્રજા પર અતિ કઠોર લોકડાઉન નિયંત્રણો લાદે પરંતુ, પોતે તેનું પાલન ન કરે તે વાત લોકોને પચતી નથી. લોકોએ લોકડાઉનના કારણે ઘણી હેરાનગતિ ભોગવી છે.
જ્હોન્સને ગાર્ડન પાર્ટીને કહેવાતા વર્ક ઈવેન્ટ તરીકે ગણાવતો ખુલાસો કર્યો છે તે કોઈને ગળે ઉતરતો નથી. નિયમભંગ માટે માફી માગી લેવાથી પ્રશ્ન દબાઈ જશે નહિ. હવે માત્ર જ્હોન્સન અથવા કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રતિષ્ઠા જ નહિ પરંતુ, મહાન લોકશાહીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. વર્ષ ૧૯૪૪માં ગેલપ પોલમાં ૩૭ ટકા મતદારોએ રાજકારણીઓ સ્વાર્થી હોવાનું જણાવ્યું હતું. આજે ૭૭ વર્ષ પછી નવેમ્બરમાં આવું માનનારા મતદારોની ટકાવારી વધીને ૬૩ની થઈ છે. જ્હોન્સનનું જુઠાણું બહાર આવ્યા પછી ટકાવારી વધી જશે તેમાં કોઈ શંકા નથી. જો જ્હોન્સન અને તેમના સહાયકો નિયમભંગ કરીને પણ છટકી જશે, સત્તાસ્થાને બેઠેલા અન્ય લોકો પણ આ મુદ્દે વ્હાઈટવોશ ફેરવી દેશે તો આ દેશના બહુમતી નાગરિકો પણ માનતા થઈ જશે કે આપણા દેશની રાજકીય વ્યવસ્થા ખરેખર ખાડે ગઈ છે.
માત્ર જ્હોન્સનના રાજકીય ભવિષ્યની વાત થતી નથી પરંતુ, લાખો લોકો માટે વિચારવાની વાત છે કે તેમણે કેવા કેવા લોકોના હાથમાં દેશનું સુકાન સોંપ્યું છે. આગામી દિવસોમાં સીનિયર સિવિલ સર્વન્ટ સ્યુ ગ્રેની કમિટી શો રિપોર્ટ જાહેર કરે છે તેના પર ઘણો આધાર રહેલો છે. સંભવતઃ જ્હોન્સન અને સહાયકોએ જે કર્યું તેમાં ક્રિમિનાલિટી અથવા અપરાધીકરણ વિશે વાત નહિ થાય પરંતુ, નૈતિકતાની દૃષ્ટિએ તેમણે શું કરવું જોઈએ તેના માટે દિલ-હૃદયની વાત સાંભળવામાં આવે તે જરૂરી બની રહેશે કારણકે જ્હોન્સન જાણે જ છે કે તેમણે શું કર્યું છે અને હવે શું કરવું જોઈએ.


comments powered by Disqus