બ્રિટિશ પાર્લામેન્ટમાં ચીનની મહિલા જાસૂસ ક્રિસ્ટીન લી સક્રિય હોવાના અહેવાલોએ સનસનાટી મચાવી દીધી છે. હકીકત એવી છે કે બ્રિટિશ ઈન્ટેલિજન્સ એજન્સી MI5એ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલ આ બાબતે સાવધ કર્યા હતા અને ફલસ્વરૂપ સ્પીકરે પણ દેશના સાંસદોને આ માહિતી આપી સાવધાની રાખી જાસૂસોના ચક્કરમાં ન આવી જવાય તેની કાળજી રાખવા ચેતવણી આપવી પડી છે.
બ્રિટિશ પાર્લામેન્ટમાં પોતાના હિતો જળવાઈ રહે તે માટે ચીન સાંસદોને મોટા પાયે ડોનેશન આપવાનું અર્થકારણ રમી રહ્યું છે. સાંસદોને હજારો પાઉન્ડનું ડોનેશન આપનારી ફર્મની સોલિસિટર ક્રિસ્ટિન લી ચીન સરકાર વતી કામ કરી રહ્યાનો અંદેશો છે. મહત્ત્વની બાબત તો એ કહી શકાય કે ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી વતી કામ કરતી લીએ લેબરના પૂર્વ શેડો ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી બેરી ગાર્ડિનરને ૬૦૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ દાનમાં આપી હોવાનું પણ બ્રિટિશ જાસૂસી એજન્સીએ કહ્યું છે. લી ગાર્ડિનરના ગાઢ સંપર્કમાં હતી, તેનો પુત્ર ગાર્ડિનરની ઓફિસમાં કામ કરતો હતો અને તેના સહિત કેટલાક કર્મચારીના વેતન ક્રિસ્ટિન લી દ્વારા ચૂકવાતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. જો લેબર પાર્ટી સત્તા પર આવી હોત તો ગાર્ડિનર કેબિનેટ સેક્રેટરી બન્યા હોત તેમ પણ કહેવાય છે. તે સંજોગોમાં સરકાર અને પાર્લામેન્ટના નિર્ણયોમાં ચીનનું પ્રભુત્વ વધી ગયું હોત. જોકે, જાસૂસી એજન્સીના પૂર્વ વડાના આક્ષેપ પર ધ્યાન અપાવું જોઈએ કે એજન્સી દ્વારા અપાયેલી ચેતવણીઓને મિનિસ્ટર્સે નજરઅંદાજ કરી હતી. સામા પક્ષે ગાર્ડિનરે પણ આક્ષેપ કર્યો ચે કે તેમણે લી સાથે સંપર્કમાં રહેવું કે નહિ તે જાસૂસી એજન્સીને પૂછ્યછ્યછયું હતું પરંતુ, કોઈ ઉત્તર અપાયો ન હતો. આ સ્વાભાવિક છે કારણકે જાસૂસી એજન્સી પોતાના પાના ખુલ્લા કરીને રમત રમી શકે નહિ.
ક્રિસ્ટિન નામનો જોગાનુજોગ એવો છે કે વિશ્વમાં શીતયુદ્ધ જોરમાં હતું ત્યારે બ્રિટિશ ઈતિહાસમાં રાજકીય અને ઈન્ટેલિજન્સ કૌભાંડના કારણે વડા પ્રધાન હેરોલ્ડ મેકમિલનની કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર ઉથલી પડી હતી. બ્રિટિશ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર જ્હોન પ્રોફ્યુમો, લંડનની ડાન્સર ક્રિસ્ટિન કીલર, રશિયન સ્પાય યુજેન ઈવાનોવ અને ઓસ્ટિઓપાથ સ્ટીફન વોર્ડ આ સેક્સ-સ્પાય સ્કેન્ડલના મુખ્ય પાત્રો હતા. પ્રોફ્યુમો અને ક્રિસ્ટિન વચ્ચે સુંવાળા સંબંધો હતા પરંતુ, તેમાં કશું અયોગ્ય ન હોવાનું સ્ટેટમેન્ટ પ્રોફ્યુમોએ માર્ચ ૧૯૬૩માં આપ્યું અને તેના ૧૦ સપ્તાહ પછી જ રાજીનામું આપવાની ફરજ પડી હતી. ઓક્ટોબર પછી વડા પ્રધાન મેકમિલને સત્તા છોડવી પડી હતી.
