અનોખા માતૃભાષાપ્રેમી જોશનાબહેન ડી. પટેલ

“ગ્લોબલ ગુજરાતી વીથ ટ્રાન્સલીટરેશન અને ટ્રાન્સલેશન”

- જ્યોત્સના શાહ, ઘર દીવડાં Wednesday 19th October 2022 09:19 EDT
 
 

“મને ગુજરાતી શીખવામાં રસ છે" એવું વાક્ય કાને પડતાં જ કાન સરવા થઇ જાય અને બધાં કામ પડતાં મૂકી માતૃભાષાની સેવા કરવા જોશનાબહેન ડી. પટેલ જોશભેર દોડતાં થઇ જાય! માતૃભાષા પ્રત્યેની આ ઘેલછાએ જોશનાબહેને કલમ ઉપાડી. કોવીદ-૧૯ પેનેડેમીકના સમયનો સદુપયોગ કરવા મગજ અને હ્દયને કામે લગાડ્યાં. પોતાની પાસેની અઢળક શૈક્ષણિક સાધન-સામગ્રી તથા આધુનિક રસપ્રદ, સરળ પધ્ધતિનો સરવાળો કરી “ગ્લોબલ ગુજરાતી વીથ ટ્રાન્સલીટરેશન અને ટ્રાન્સલેશન” પુસ્તકનું સર્જન કર્યું.
૨૮૩ પાનાંના આ સચિત્ર, દળદાર પુસ્તકમાં ચાર વિભાગો છે. જેમાં ઉચ્ચાર, કક્કો, બારાખડી, રોજબરોજના જીવનમાં વપરાતાં શબ્દો..લખવા, વાંચવા અને બોલવાની પ્રેક્ટીસ, રોજીંદા વાક્યોની રચના, બાર મહિના, વારના નામ, ઋતુઓના નામ, પશુ-પંખીના નામ ઇત્યાદી, સમય, કાળનું જ્ઞાન..આદીના ઉપયોગથી વિધ્યાર્થીઓમાં આત્મ વિશ્વાસ વધે એનો ખ્યાલ આ પ્રકરણોમાં રખાયો છે. આ ઉપરાંત સામાન્ય વાતચીતના મુદ્દાઓ દા.ત. હવામાન, પ્રવાસ, તહેવારો વગેરેના વર્ણનો પણ આપ્યા છે. ખાસ કરીને જે ગુજરાતી અક્ષરો અંગ્રેજીમાં નથી તેની સચોટ સમજણ
આપી છે.
આપને જાણીને નવાઇ લાગશે કે, એમના આ પુસ્તકને જર્મનોએ વધાવી લીધું. તેઓને આપણી ભાષા, સંસ્કૃતિ શીખવામાં વધુ રસ છે એનું આ માપદંડ છે. દિવાળી કે બર્થ ડે જેવા પ્રસંગોએ યુવા પેઢીને આપવાની આ આદર્શ ભેટ છે. જે પેઢી દર પેઢી ભાષાનો વારસો સાચવી રાખશે.
જોશનાબહેનના આ માતૃભાષા પ્રેમની લગનીની ભીતરમાં એક ડોકિયું કરીએ. એમના પિતાશ્રીનો બીઝનેસ મદ્રાસમાં હોવાને કારણે જન્મ અને શિક્ષણ ત્યાં જ થયાં. ચાર ભાઇ-બહેનોમાં ત્રીજો નંબર. બ્રિટિશ સ્ટાન્ડર્ડની મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. એમ.એડ.ની ડીગ્રી મેળવી. મૂળ ચરોતરના નાર ગામના અને લગ્ન મહેળાવના દિનેશભાઇ સાથે થયાં. ૧૯૭૯માં ભારતથી લંડન આવ્યાં. ૧૯૯૧માં નીસડનની શ્રી સ્વામિનારાયણ સ્કુલમાં શિક્ષિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. ફુલ ટાઇમ અને વીકેન્ડમાં કેટલીક ગુજરાતી શાળાઓમાં પાર્ટ ટાઇમ ગુજરાતી ભાષા શીખવતાં.
દુનિયાના અનેક દેશોના પ્રવાસ ખેડવાનું સૌભાગ્ય તેમને સાંપડ્યું. એમની સફર દરમિયાન કેટલાય ગુજરાતીઓને મળવાનું થયું. એમની સાથે ભાષા,સાહિત્ય, સંસ્કૃતિ વિષયક ચર્ચા કરતાં. કાળક્રમે આત્મવિજ્ઞાની દાદા ભગવાન ફાઉન્ડેશન સાથે સંલગ્ન થઇ શુધ્ધાત્મા, આંતરિક શાંતિ અને સંતોષના ત્રિવિધ સુમેળે કોરોના કાળમાં હકારાત્મક દ્રષ્ટિ અપનાવી આ પુસ્તક બનાવવા શક્તિ કામે લગાડી.
શિક્ષણ શાસ્ત્રી ડો.જગદીશ દવેએ આ પુસ્તકમાં આશીર્વચન પાઠવતાં જણાવ્યું છે કે, “છેલ્લા વીસેક વર્ષના શિક્ષક તરીકેના અનુભવને કારણે શ્રીમતી પટેલ નવી પેઢીને સારી રીતે ઓળખે છે. તેઓ જાણે છે કે વ્યાકરણની પળોજણમાં ગયા વિના પ્રેક્ટીકલ અભિગમ અપનાવવો જે આવકાર્ય છે".
દુનિયાભરમાં વસતા ગુજરાતી કે બિન ગુજરાતી જેને પણ ગુજરાતી ભાષા શીખવામાં રસ છે તેઓના રસને પુષ્ટિ મળે એવું સરસ પુસ્તક છે. રસ ધરાવનાર માટે સંપર્ક : [email protected]


comments powered by Disqus