લંડનઃ કેમ્બ્રિજ યુનિર્વિસિટીના પુસ્તકાલયે બ્રિટનમાં આર્કિટેકચર માટે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર જીતી લીધો છે. મેગડાલેન કોલેજમાં ઊભા થયેલા નવા પુસ્તકાલયને રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ચર સ્ટર્લિંગ પ્રાઈસ-2022થી નવાજવામાં આવશે. 24 કલાક ખુલ્લા રહેતા આ પુસ્તકાલયની ડિઝાઇન એ રીતે તૈયાર કરાઇ છે કે ઇમારત ઓછામાં ઓછા 400 વર્ષ સુધી ટકી રહે. હવાની અવરજવર માટે હરોળબંધ ટાવર ઊભા થયેલા હોવાથી ઇમારત વેન્ટિલેશનની પણ ઉત્કૃષ્ટ સુવિધા ધરાવે છે. ઇમારતમાં લાકડાંનો ઉપયોગ પણ બહુ જ કલાત્મક રીતે થયો છે. વિશાળ બારીઓ પર કાચ લાગેલા હોવાથી ઇમારતમાં કુદરતી સૂર્યપ્રકાશની પણ ઊણપ નથી. આર્કિટેક્ટ નિઆલ મેકલૌધ્લિને આ પુસ્તકાલયની રચના કરેલી છે. આ ઇમારતનું નિર્માણ કરવામાં ઇંટો અને લાકડાનો બખૂબી ઉપયોગ થયો છે. 24 કલાક ખુલ્લા રહેતા આ પુસ્તકાલયમાં આવીને વાંચવા બેસવાનું વિદ્યાર્થીઓને પણ ખૂબ ગમે છે. આગામી દિવસોમાં લંડનમાં યોજાનારા સમારંભમાં કોલેજને સ્ટર્લિંગ પ્રાઇઝ એવોર્ડ એનાયત થશે.

