અસ્તાનાઃ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને શુક્રવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે યૂક્રેન યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા. લાખો વિસ્થાપિત થયા પણ રશિયાને તેનો કોઈ પ્તાવો નથી. તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય છે. તેમણે ભારતનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી ભારત કહેતું આવ્યું છે કે આ પ્રશ્નોનો શાંતિપૂર્ણ વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. ભારતનો આ પ્રસ્તાવ રશિયા અત્યાર સુધી ભલે ટાળતું આવ્યું હોય પણ પુતિને પહેલીવાર સ્વીકાર્યું કે ભારત શરૂઆતથી જ શાંતિપૂર્ણ વાતચીતનું હિમાયતી હતું ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ઉઝેબકિસ્તાનના સમરકંદમાં એસસીઓની શિખર બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી. કોઈપણ પ્રશ્નો વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ. તે બેઠકની સમાંતરે મોદી-પુતિન વચ્ચે વાતચીત પણ થઈ હતી. પુતિને એમ પણ કહ્યું કે યૂક્રેન વાતચીત માટે તૈયાર નહોતું. 8 મહિનાથી ચાલતા યુદ્ધથી અમને કોઈ પસ્તાવો નથી. હાલ જે કંઈ થઈ રહ્યું છે એ સુખદ નથી પણ જો અમે હુમલા ન કર્યા હોત તો અમે વધુ બદતર સ્થિતિમાં હોત.

