ટોરી પાર્ટી અને સરકારમાં અરાજકતાનો માહોલ

Friday 21st October 2022 05:32 EDT
 

કન્ઝર્વેટિવ પાર્ટી અને લિઝ સરકાર અસ્થિરતાના વમળોમાં ઘેરાઈ ગઈ છે. વડા પ્રધાન લિઝ ટ્રસની વિશ્વસનીયતાનું સંપૂર્ણ ધોવાણ થયું છે અને તેઓ સત્તા પર ટકી રહેવાં માફી માગવા સહિતના ભારે હવાતિયાં મારી રહ્યાં છે. તેમણે તો આગામી સામાન્ય ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ તેઓ જ સંભાળશે તેવી જાહેરાત પણ કરી દીધી છે.આમ છતાં, તેમને ગમે ત્યારે હોદ્દા પરથી રુખસદ આપી દેવાય તેવો માહોલ છે. નેતાગીરીની સ્પર્ધામાં રિશિ સુનાકે લિઝની આર્થિક યોજનાને મૂર્ખામીપૂર્ણ ગણાવી હતી અને તેઓ સાચા ઠર્યા છે. લિઝ શાણપણ બતાવી શક્યાં નથી અને તેમણે વારંવાર યુ-ટર્ન જ માર્યાં છે અને હવે ફરી તેઓ છેરના ઠેર આવીને ઉભાં છે.
લિઝ ટ્રસે જે ટેક્સકાપના વચનો પર સવાર થઈને સત્તાખુરશી હસ્તગત કરી હતી તે વચનો પાળી શકાય તેવાં રહ્યાં નથી અને નવા ચાન્સેલર જેરેમી હન્ટે તો ક્વારટેન્ગના મિનિ બજેટની બધી દરખાસ્તો ફગાવી અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાની કોશિશ આરંભી છે. આંતરરાષ્ટ્રીય અને બજારોના ભારે દબાણો હેઠળ ચાન્સેલર હન્ટને વડા પ્રધાન લિઝ ટ્રસની સંપૂર્ણ આર્થિક રણનીતિ રફેદફે કરી નાખવાની ફરજ પડી છે. ક્વારટેન્ગે પબ્લિક ફાઈનાન્સીસમાં અંદાજે 72 બિલિયન પાઉન્ડનો બ્લેક હોલ ઉભો કરી દીધો છે તેમાંથી હેમખેમ બહાર નીકળવા ચાન્સેલર હન્ટે કાયદામાં તબદીલ થઈ ન હોય તેવી બધી જ દરખાસ્તો રદ કરી દેવાથી સરકારને 38 બિલિયન પાઉન્ડની રાહત મળશે. આમ છતાં, પ્રજાએ તો એનર્જી બિલ્સમાં રાહતની શક્યતા ખંખેરી નાખવી પડશે. સ્વાભાવિક રીતે જ સરકાર હવે ખર્ચાઓ પર અંકુશ મૂકશે અને તેના પરિણામે નાગરિકોની હાડમારી વધવાની છે.
હવે લિઝ પછી કોણના સવાલો પૂછાઈ રહ્યા છે ત્યારે આશ્ચર્યજનક રીતે જૂના જોગી બોરિસ જ્હોન્સન સત્તાની સંગીતખુરશી સ્પર્ધામાં પાછા ફર્યા હોવાનું જણાય છે. જ્હોન્સન તો મગનું નામ મરી પાડતા નથી પરંતુ, YouGovના વિસ્ફોટક સર્વેમાં તેઓ 32 ટકા સપોર્ટ સાથે ટોરી મતદારોની પ્રથમ પસંદગી બની રહ્યા છે જ્યારે રિશિ સુનાક 23 ટકા સાથે બીજા અને બેન વોલેસ 10 ટકા સપોર્ટ સાથે ત્રીજા સ્થાને છે. જોકે, એક વર્ગ માને છે કે વર્તમાન પરિસ્થિતિમાં તો હન્ટનું જ હંટિંગ હન્ટર ચાલે છે અને લિઝ ટ્રસ વડા પ્રધાન તરીકે સર્વસત્તાધીશ હોવાનો દેખાવ કરી રહ્યાં હોય તેમ જણાય છે. આ પરિસ્થિતિમાં જેરેમી હન્ટને જ વડા પ્રધાન બનાવી દેવા જોઈએ. કન્ઝર્વેટિવ સાંસદો પણ ગત સપ્તાહોના નાટકથી નારાજ છે. આર્થિક સ્થિરતાથી જ રાજકીય સ્થિરતા લાવી શકાશે. ટોરી પાર્ટી આર્થિક વાસ્તવિકતા તરફ પાછી વળે તે જ સમયની માગ છે.
બીજી તરફ, લેબર પાર્ટી અને સર કેર સ્ટાર્મરની ખુશીનો પાર નથી કારણકે એક પછી એક પોલ્સ ટોરી પર લેબરની સરસાઈ વધારી રહ્યા છે. જો પોલ્સનું માનીએ તો આગામી ચૂંટણીમાં ટોરી પાર્ટીના સૂપડાં સાફ થઈ જશે અને લેબર પાર્ટી ભારે બહુમતી સાથે સત્તાસ્થાન અંકે કરી લેશે. જોકે, પોલ્સ હંમેશાં સાચા પડતા નથી અને આ સરસાઈ પણ ગમે ત્યારે ઘટી જાય તે કહી શકાય તેમ નથી. આથી, કેર સ્ટાર્મર પણ ભારતીય ડાયસ્પોરાનો વિશ્વાસ જીતવા આકાશપાતાળ એક કરી રહ્યા છે. તેમણે ધર્મ અને હિન્દુફોબિયાનું કાર્ડ ઉતાર્યું છે. સ્ટાર્મરે મંદિરો, ગુરુદ્વારાની મુલાકાતો શરૂ કરી દીધી છે પરંતુ, ભારતીયો તેમનામાં ઝટ વિશ્વાસ મૂકે તેમ લાગતું નથી કારણકે લેબર પાર્ટીની મથરાવટી જ મેલી છે. અત્યાર સુધી લેબર પાર્ટીએ કાશ્મીર મુદ્દે ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી વલણ અપનાવ્યું છે. હવે સ્ટાર્મર કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન ઉપરાંત, કાશ્મીરને પણ મંત્રણામાં સામેલ કરવાનો ખેલ ખેલી રહ્યા છે. તો એમનો વિશ્વાસ ક્યાં સુધી રાખી શકાય તે યક્ષપ્રશ્ન છે.


comments powered by Disqus