પાક. દુનિયાનો સૌથી ખતરનાક દેશઃ બાઇડેન

Tuesday 18th October 2022 16:59 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને પાકિસ્તાનની આબરૂના ધજાગરા કાઢી નાખ્યા છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ બાઇડેને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. બાઇડેને કહ્યું હતું કે, મને લાગે છે કે કદાચ દુનિયાના સૌથી ખતરનાક દેશોમાં પાકિસ્તાન એક છે. તેની પાસે કોઈપણ પ્રકારની દેખરેખ વિના પરમાણું હથિયારોનો જથ્થો પડેલો છે. તેની પાસે કોઈપણ સમજૂતી વિના જ આ જથ્થો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન પાસે 160 પરમાણું બોમ્બ હોવાનું અનુમાન છે. બાઇડેને ચીન અને રશિયાના સંબંધમાં અમેરિકન વિદેશનીતિ વિશે ચર્ચા કરતી વખતે આ નિવેદન આપ્યં હતું. તેમણે કહ્યું હતં કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એવી વ્યક્તિ છે, જેને લાગે છે કે તેની પાસે ઘણી બધી સમસ્યાઓ છે, અમે તે કેવી રતે સંભાળીએ છીએ. રશિયામાં જે કંઈપણ થઈ રહ્યું છે. તેનો નિવેડો અમે કઈ રીતે લાવીશું. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપ્રમુખનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ અમેરિકાએ પાકિસ્તાનને સૈન્ય મદદ આપી છે. અમેરિકાએ પાક.ને એફ-16 ફાઇટર જેટના મેઇન્ટેનન્સ માટે પાકિસ્તાનને 45 કરોડ ડોલરની રકમ આપવાની મંજૂરી આપી દીધી છે.

પાક.ની નો ફર્સ્ટ યૂઝની પરમાણુ નીતિ નથી

પાકિસ્તાનની નો ફર્સ્ટ યુઝની પરમાણું નીતિ નથી. આ માત્ર પાકિસ્તાની હાઇકમાન્ડ પર નિર્ભર રાખે છે કે તેણે ક્યારે અને કઈ સ્થિતિમાં પરમાણું હુમલો કરવાનો છે. 1999માં પાકિસ્તાનના વિદેશ પ્રધાને નો ફર્સ્ટ યૂઝની નીતિને નકારતા કહ્યું હતું કે અમે અમારા દેશની સુરક્ષા માટે પ્રત્યેક જરૂરી હથિયારનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. જ્યારે ભારતે 1999માં પોતાની નો ફર્સ્ટ યુઝની પરમાણું નીતિ જાહેર કરી હતી. તેના અનુસાર ભારત ક્યારેય પણ પરમાણુ હથિયારોનો પહેલો ઉપયોગ નહીં કરે. ભારત માત્ર પરમાણુ હુમલો થવાની સ્થિતિમાં જ પોતાના પરમાણુ હથિયારનો ઉપોયગનો સહારો લેશે.

પાક. પાસે ભારત કરતા વધારે પરમાણું હથિયાર

સ્વીડનના વિચાર સમૂહ સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ટ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણુ હથિયાર છે. વર્તમાન સમયમાં ચીન પાસે 320 અને પાકિસ્તાન પાસે 160 પરમાણુ હથિયાર છે. ભારત પાસે 150 પરમાણુ હથિયાર છે.

રશિયા પાસે સૌથી વધુ ન્યૂક્લિયર બોમ્બ

દુનિયામાં હાલ સૌથી વધારે પરમાણુબોમ્બ રશિયા અને અમેરિકા પાસે છે. આ બંને દેશ પાસે એવા પરમાણુ બોમ્બ પણ છે જે આખાને આખા શહેરનું નામોનિશાન સુદ્ધા મિટાવ શકે છે.

ભારતે US-પાક. સંબંધ સામે સવાલ ઉઠાવ્યા હતા

ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકર અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતં કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના જે સંબંધ છે જેનાથી ન તો ક્યારેય પાકિસ્તાનનો ફાયદો થયો છે. ન તો અમેરિકાને હવે અમેરિકાએ આ વાતે ચિંતન કરવું જોઈએ કે પાકિસ્તાન સાથે સંબંધ જાળવી રાખીને તેને શું ફાયદો મળી રહ્યો છે. બંને દેશો વચ્ચેના સંબંધ આવનારા સમયમાં કેટલા મજબૂત અને ફાયદાકારક થઈ શકે છે તેના પર વિચાર કરવો જોઈએ.


comments powered by Disqus