યુકે-ભારત વેપારસંધિનું અદ્ધરતાલ ભાવિ

Friday 21st October 2022 05:32 EDT
 

આખરે પરસ્પર ફાયદાની ભરપૂર સંભાવના ધરાવતા ભારત અને યુકે વચ્ચે દીવાળીએ થનારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) એટલે કે મુક્ત વેપાર સમજૂતીનું હાલ પૂરતું ફીંડલું વળી ગયું હોય તેમ લાગે છે. યુકેમાં લિઝ ટ્રસ સરકાર ખુદ ભીંસમાં આવી ગયેલી છે અને વડા પ્રધાન ટ્રસનો તેમની કેબિનેટના મિનિસ્ટર્સ પર કોઈ પ્રકારનો અંકુશ રહ્યો ન હોવાથી તેઓ જાત જાતના નિવેદનો આપી રહ્યા છે તેમાંથી એક હોમ સેક્રેટરી અને ભારતવંશી સુએલા બ્રેવરમેનનું ભારતવિરોધી વલણ સ્પષ્ટપણે બહાર આવ્યું છે. બ્રેક્ઝિટ સાથે યુકેએ યુરોપીય યુનિયનનો ત્યાગ કર્યો ત્યારે વિશ્વના અન્ય દેશો સાથે વેપારવણજ વધારવાના પ્રયાસો કરી રહેલ છે. સ્વાભાવિક રીતે જ ભારતના 1.4 બિલિયનની વસ્તી ધરાવતા કન્ઝ્યુમર માર્કેટ પર તેની નજર રહેવાની. યુકેના પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વિઝન 2030 કરાર થયા હતા તેના અંતર્ગત બંને દેશ વચ્ચે મુક્ત વેપાર સમજૂતી માટે વાટાઘાટો શરૂ કરાઈ હતી. જ્હોન્સને તો દીવાળી સુધીમાં વેપારસંધિ માટે ખાસ સૂચના આપી હતી પરંતુ, લિઝ સરકાર આવ્યા પછી સમસ્યાઓ શરૂ થઈ છે.
કોઈ પણ સમજૂતીમાં બંને પક્ષો પોતાના લાભનો આગ્રહ રાખે અને આખરે બંનેને લાભપ્રદ સમજૂતીને આકાર અપાય છે. ભારત પોતાના નાગરિકોને યુકેના વિઝા સરળતા અને વધુ પ્રમાણમાં મળે તેવો આગ્રહ ધરાવે છે. યુકેને ગેરકાયદે માઈગ્રન્ટ્સની સમસ્યા સતાવે છે ત્યારે ભારતના ગેરકાયદે માઈગ્રન્ટ્સને પરત લઈ લેવાય તેવો આગ્રહ યુકેએ રાખ્યો હતો અને તેના સંદર્ભે સમજૂતી પણ કરાઈ છે. હવે હોમ સેક્રેટરી બ્રેવરમેનને સૌથી વધુ ગેરકાયદે માઈગ્રન્ટ્સ ભારતીયો જ છે અને મુક્ત વેપાર સમજૂતીથી ભારતીય માઈગ્રન્ટ્સનું ઘોડાપૂર યુકેને વહાવી જશે તેવો નિરર્થક ભય સતાવતો હોય તેમ લાગે છે. વાસ્તવમાં ઈંગ્લિશ ચેનલ થકી હજારો ગેરકાયદે માઈગ્રન્ટ્સ બ્રિટિશ ભૂમિ પર આવે છે પરંતુ, બ્રિટિશ સરકાર તે મુદ્દે કશું કરી શકતી નથી. ભારતીય માઈગ્રન્ટ્સથી બ્રિટિશ અર્થતંત્રને કેટલો લાભ થાય છે, બ્રિટિશરોને ભારતીય કંપનીઓ દ્વારા કેટલી નોકરીઓ મળે છે તેના સંદર્ભે તેઓ મૌન રહે છે. યુકેને કુશળ વર્કર્સની ખાસ જરૂર રહે છે અને ભારતીયો દ્વારા તેની આ જરૂર પરિપૂર્ણ થઈ શકે તેમ છે.
ભારતે યુનાઈટેડ આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા સાથે પણ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરેલા છે. વેપારસંધિના પરિણામે માત્ર ભારતને લાભ થવાનો નથી બ્રિટનને પણ વિશાળ માર્કેટ ભારત સાથે વેપાર વધવાથી તેની નિકાસો વધવાની છે. ભારતને યુકેની જરૂર હોય તેના કરતાં વધુ જરૂર યુકેને છે. હવે બ્રિટિશ મિનિસ્ટર્સના બેજવાબદાર નિવેદનોના કારણે ભારત પણ વેપારસંધિને હાલ પૂરતું નજરઅંદાજ કરી દેવાનું વિચારે તે જરા પણ અયોગ્ય નથી.


comments powered by Disqus