બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સન 21મી એપ્રિલે ભારત પ્રવાસનો આરંભ ગુજરાતથી કરી રહ્યા છે તે સમાચાર ખરેખર કોઈ પણ ગુજરાતી માટે આનંદદાયક બની રહે તેમાં કોઈ શંકા નથી. યુકેમાં બ્રિટિશ ભારતીય વસ્તીમાં ગુજરાતીઓની સંખ્યા લગભગ અડધી છે ત્યારે કોઈ પણ બ્રિટિશ વડા પ્રધાનની આ પ્રથમ ગુજરાત મુલાકાત હશે. જ્હોન્સન ગુજરાતમાં સાયન્સ, હેલ્થ અને ટેકનોલોજીના ક્ષેત્રે નવા પ્રોજેક્ટ અથવા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરે તેવી પણ ધારણા રખાય છે. ખરેખર તો યુકેની જેસીબી કંપનીએ ગુજરાતના વડોદરા નજીકના હાલોલસ્થિત પ્લાન્ટમાં 65 મિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું છે અને ભારતમાં તેની કામગીરીના 40 વર્ષની ઉજવણી નિમિત્તે જ્હોન્સન આ પ્લાન્ટની મુલાકાત લેવાના છે. જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડના હસ્તે આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
બ્રેક્ઝિટ પછી બ્રિટને વિશ્વના અગ્રણી બજાર દેશો સાથે હાથ મિલાવવાનો અને વેપાર વધારવાનો તખતો તૈયાર કરવા માંડ્યો હતો. યુરોપિયન યુનિયનનું સભ્ય હતું ત્યારે બ્રિટન ઈચ્છિત દેશ સાથે ઈચ્છિત શરતોએ વેપાર કરી શકતું ન હતું પરંતુ, બ્રેક્ઝિટ પછી આ સુવિધા તેને મળી છે. જ્હોન્સન ભારત સાથે વેપારી સંબંધો વધારવા માગે છે અને 2020માં તેમણે બે વખત ભારતની મુલાકાત મુલતવી રાખવાની ફરજ પડી હતી. આમ છતાં, 2021માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને વર્ષ 2030 સુધીનો વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાવવામાં તેઓ સફળ રહ્યા હતા. મોદી અને જ્હોન્સનની નવી દિલ્હી બેઠકમાં યુકે-ભારત મુક્ત વ્યાપાર સંધિ અને ડિફેન્સ પાર્ટનરશિપ પર વધુ ભાર અપાનાર છે. મુક્ત વ્યાપાર સંધિ અથવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાબતે ઘણા સમયથી વાટાઘાટો ચાલી રહી છે અને આ પ્રવાસમાં તેને આગળ વધારવા કોઈ પ્રોત્સાહન જાહેર કરાય તેવી પણ શક્યતા છે. મુક્ત વ્યાપાર કરાર થાય તો બંને દેશ વચ્ચે 2035 સુધીમાં વેપાર વધીને 28 બિલિયન પાઉન્ડ થવાની અપેક્ષા છે.ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ જ્હોન્સનના પ્રવાસનો મહત્ત્વનો એજન્ડા છે.
ભારત દ્વારા તેના વિદ્યાર્થીઓ અને સ્કિલ્ડ વર્કર્સ માટે બ્રિટિશ ઈમિગ્રેશન વિઝા સરળતાથી મળી રહે તેવી માગણી અવશ્ય મૂકાશે. બ્રિટનમાં 53000થી વધુ ભારતીય વિદ્યાર્થી છે. જોકે, ઈમિગ્રેશનની નવી નીતિ સંદર્ભે યુકે દ્વારા માગણી સ્વીકારાય તેવી શક્યતા ઓછી છે. અગાઉ ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે વિઝાનો ક્વોટા વધારવાનું પ્રોત્સાહન અપાશે તેવા પ્રશ્નને જ્હોન્સને નકારી દેતા સ્પષ્ટ કર્યું હતું કે વેપારસંધિ માટે આવું કોઈ ગાજર લટકાવવામાં નહિ આવે.
ભારત અને બ્રિટનના સંબંધો નવા નથી. તેમની સાથે 400 વર્ષનો ઈતિહાસ સંકળાયેલો છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરત સાથેનો નાતો વેપારી બ્રિટન વિસરી શકે તેમ નથી કારણકે સુરતમાં જ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ વેપારની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે તે સમગ્ર દેશમાં ફેલાઈ હતી. ભારત અને બ્રિટનના સંબંધો પરસ્પરને આધારિત હોવા વિશે જરા પણ શંકા નથી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં બોરિસ જ્હોન્સનનો ભારત પ્રવાસ મહત્ત્વપૂર્ણ મનાય છે. અમેરિકા અને યુકે સહિતના દેશો ભારત રશિયાની ધરીમાંથી બહાર આવે તેવું દબાણ કરી રહ્યા છે પરંતુ, ચોક્કસ હદથી વધુ આગળ જઈ શકે તેમ નથી. જ્હોન્સન અને મોદીની બેઠકમાં પણ આ મુદ્દો અવશ્ય મૂકાશે પરંતુ, ભારત મચક આપે તેમ જણાતું નથી. અમેરિકાની માફક યુકે પણ આને પ્રેસ્ટિજ ઈસ્યુ નહિ બનાવે અને જ્હોન્સને અગાઉ કહ્યું છે તેમ વેપારવૃદ્ધિ તેમજ નોકરીઓના સર્જન પર જ ધ્યાન કેન્દ્રિત કરવાના છે. ભારતયાત્રા અગાઉ જ્હોન્સને ભારતનું મહિમાગાન કર્યું છે. તેમણે ભારતને આર્થિક મહાશક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાવવા સાથે વર્તમાન અસ્થિર વૈશ્વિક સંજોગોમાં બ્રિટનનું મહત્ત્વનું ભાગીદાર હોવાનું પણ સ્વીકાર્યું છે.
