રશિયાએ યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ આક્રમણ કર્યાથી યુદ્ધના 55 દિવસ વીતી ગયા છે પરંતુ, વિજય હાંસલ કરવાની તેની મનસા હજુ અધુરી રહી છે. ખરેખર તો રશિયાની તાકાત જોતા આ યુદ્ધ એક સપ્તાહમાં સમાપ્ત થઈ જવું જોઈતું હતું પરંતુ, તેમ થયું નથી. પરિણામે રશિયાએ તેના હુમલાઓનું પ્રમાણ વધારી દીધું છે. રશિયા ચેતવણી પર ચેતવણી આપતું જાય છે પરંતુ, યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી જરા પણ ગાંઠતા નથી અને યુદ્ધ વરવા સ્વરુપ તરફ આગળ વધી રહ્યું છે. યુદ્ધસ્ય કથા રમ્યાઃ ભલે કહેવાતું હોય પરંતુ, તેની ભયાનકતાનો સામનો સમગ્ર વિશ્વે કરવો પડે છે.
સામાન્યપણે યુદ્ધ કરી રહેલા બે દેશોને જ તેની ખરાબ અસરો નડતી હોય છે પરંતુ, રશિયા-યુક્રેનની બાબતમાં આમ નથી. યુક્રેન અને રશિયા વિશ્વ માટે ઘઉંનો ભંડાર છે અને હાલ તે ખુલ્લો મૂકી શકાય તેમ નથી. યુક્રેનમાં ખેતીકાર્ય બંધ છે જ્યારે રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવાયા હોવાથી જરૂરિયાતમંદ દેશો પણ તેની સાથે વેપાર કરી શકતા નથી અથવા તો ખચકાય છે. અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની અવગણના કરીને ભારત જેવું તટસ્થ રાષ્ટ્ર જ રશિયા સાથે વેપાર ચાલુ રાખી શકે છે. ભારત આમ કરી શક્યું છે તેના કારણો અને પરિબળો પણ અલગ છે.
રશિયા દ્વારા આડેધડ અથવા તો કાર્પેટ બોમ્બિંગના કારણે યુક્રેનનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્રપણે તહસનહસ થઈ ગયું છે. ભલે રશિયા થોડા દિવસ પછી યુદ્ધવિરામ જાહેર કરે પરંતુ, યુક્રેન માટે હવે વિરામ કદી જોવાં નહિ મળે. યુદ્ધની ખાનાખરાબી યુક્રેનને જ વધારે સહન કરવી પડશે કારણકે રશિયાએ તેને જ રણભૂમિ બનાવી દીધી છે. સેંકડો હોસ્પિટલ્સ, શાળાઓ, મકાનો તદ્દન નષ્ટ થઈ ગયા છે. આમાંથી ઉભાં થવા માટે યુક્રેનને અમેરિકા સહિતના દેશો પાસેથી આર્થિક મદદ મેળવવી પડશે અને આ દેશો તેની કિંમત વસૂલતા જરા પણ અચકાશે નહિ. હાલ તો ઝેલેન્સ્કીએ 60 બિલિયન ડોલરની મદદની ઝોળી ફેલાવી છે, કેટલા મળશે તેની ખબર નથી. યુક્રેનના 4 મિલિયનથી વધુ લોકો દેશ છોડી ગયા છે. આર્થિકબળની સાથોસાથ માનવબળની તંગીનો પણ યુક્રેને સામનો કરવો પડશે. નાણાકીય મદદ મળશે તેના દુષ્પરિણામો પણ યુક્રેનને જ ભોગવવાના રહેશે. અત્યારે તો વિશ્વ તરફથી માનવીય સહાય અને અમેરિકા સહિતના દેશો પાસેથી લશ્કરી સહાય જ યુક્રેનને મળી રહી છે.
પોતાની ગણતરી ખોટી પડતી જણાય છે ત્યારે ‘પેટનો બળ્યો ગામ બાળે’ના હિસાબે રશિયાને સમગ્ર વિશ્વને યુદ્ધમાં ખેંચી લાવવાની વેતરણમાં છે. ફિનલેન્ડ અને સ્વીડનને પણ નાટોમાં નહિ ભળવા અન્યથા પરિણામો માટે તૈયાર રહેવાની ચિમકી આપી દેવાઈ છે. ઝેલેન્સ્કી સતત વલણ બદલતા રહે છે અને મદદગાર દેશો સામે બળાપો પણ કાઢતા રહે છે. તેમને નાટોમાં અને યુરોપિયન યુનિયનમાં જોડાવું છે પણ તેમનો હાથ ઝાલવા અત્યારે કોઈની તૈયારી નથી. અમેરિકા કે તેના સાથી દેશો પ્રત્યક્ષ યુદ્ધમાં સંકળાયા વિના જ યુક્રેનને પાછલા બારણે મદદ કરીને રશિયાને પ્રોક્સી વોરથી હંફાવી દેવાની વ્યૂહરચના ચાલુ રાખવા માગે છે. પશ્ચિમી દેશો પુટિનને યુદ્ધ માટે નવું કારણ આપવા માગતા નથી. આમ પણ અનાજ અને ઓઈલની અછતની અસર બધા જ દેશો ઓછાંવધતા અંશે અનુભવી રહ્યા છે. યુકે સહિત સમૃદ્ધ કહેવાતા દેશોની પ્રજા પણ મોંઘવારી અને આસમાને જતી કિંમતો સાથે જીવનનિર્વાહની કટોકટીનો સામનો કરી રહી છે ત્યારે ગરીબ દેશોની તો વાત જ શું કરી શકાય?
