સંસ્કાર નગરી વડોદરા બની ક્ષત્રિયકુંડ નગરી...

ભગવાન મહાવીરની જન્મ જયંતિમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ

-જ્યોત્સના શાહ Wednesday 20th April 2022 10:17 EDT
 
 

ચૈત્ર સુદ તેરસ, ગુરુવાર તા.૧૪ એપ્રિલના રોજ બે વર્ષના લોકડાઉન બાદ જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીરની ૨૬૨૦મી જન્મજયંતિ સંસ્કારનગરી વડોદરાએ શાનદાર રીતે ઉજવી. એ દિવસે દેશવિદેશમાં વસતા જૈનોએ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક પોતપોતાની રીતે ઉલ્લાસ-ઉમંગ અને ભક્તિભેર ભેર ઉજવ્યો હશે. આપણા યુ.કે.ની જૈન સંસ્થાઓ પણ એમાંથી બાકાત નથી.
એ બધામાં સંસ્કાર નગરી વડોદરામાં એક આગવો માહોલ સર્જાય છે. ભારતભરમાં માત્ર વડોદરા શહેરના સમગ્ર જૈન સમાજના ૪૮ જેટલા સંઘો કદમે કદમ મિલાવી મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી કરે છે. વીસેક વર્ષ પહેલા સ્થપાયેલ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક
યુવા સંઘ છેલ્લા ૧૯ વર્ષથી સક્રિય છે.
 આ વર્ષે આ ઉજવણીમાં સામેલ થવાનો અવસર મને વર્ષો બાદ મળ્યો. સવારના ૮.૩૦- ૯.૦૦ વાગ્યાથી માંડવીથી એક વિશાળ વરઘોડો વાજતે-ગાજતે નીકળ્યો. જેમાં ભગવાન મહાવીરની વિશાળકાય પ્રતિમા સહિત વિવિધ સંસ્થાઓના ટેબ્લો, બેન્ડ્સ વગેરે સહિત હજારો ભાવિકો એમાં જોડાયાં હતાં. આ વરઘોડાનું વિસર્જન મામાની પોળના ભગવાન મહાવીરના જીનાલય પાસે થયું હતું.
રસ્તામાં જતા-આવતા નાગરિકોના મોં મીઠાં કરાવવા સવાલાખ બૂંદીના લાડુનું વિતરણ થયું હતું. તેમજ સ્વામિ વાત્સલ્યનું સુંદર આયોજન કરાયું હતું.
રાતના નવલખી મેદાન પર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે યોજાયેલ "મહાવીર રંગ લાગ્યો" ભક્તિ સંઘ્યામાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહભાગી થયા હતા. એમની સાથે શહેરના અન્ય અગ્રણીઓ પણ પધાર્યા હતાં. ભવ્ય, રંગબેરંગી લાઇટોની રોશનીથી ઝળહળતા વિશાળ શમિયાણામાં ભક્તિ સંગીત પીરસવા દેશભરના ટોચના કલાકારોએ રંગત જમાવી હતી. ૧૩,૦૦૦ જેટલા ઉપસ્થિત જૈનોને સંબોધતાં મુખ્યમંત્રીશ્રીએ ભગવાન મહાવીરના અહિંસા, કરૂણા અને મૈત્રીના સંદેશો ફેલાવવાના ઉપદેશનું પાલન કરવા ગુજરાત સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે જીવદયા માટે ગૌ માતા પોષણ યોજના હેઠળ આ વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની માતબર જોગવાઇ કરી છે. રાજ્ય સરકાર ગાય આધારિત કૃષિને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાનના પ્રાકૃતિક કૃષિ અભિયાનમાં ગુજરાત સરકારે પણ ભાગીદારી નોંધાવી છે. જેમાં જમીનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોના ઉપયોગ બંધ કરી અનાજની ગુણવત્તા સુધારવા પર ભાર મૂકાયો છે. “અન્ન તેવા ઓડકાર" ને લક્ષમાં રાખી રાસાયણોથી મુક્ત આરોગ્યપ્રદ અનાજ દેશવાસીઓ સુધી પહોંચે એ જરૂરી છે. આપણે જેવું જમીએ તેવું વિચારીએ અને જેવું વિચારીએ તેવું કાર્ય કરીએ છીએ. એથી અન્નની ગુણવત્તા સુધારવા કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું છે. આ અભિયાનમાં ખેડૂતોના હિતને પણ મધ્ય નજરે રખાયું છે. જીવદયા માટે જૈન સમાજ સતત કાર્યરત રહ્યો છે. ભારતની કુલ પાંજરા પોળોમાં ૯૦% અનુદાન જૈનોનું છે. ભગવાન મહાવીરના ઉપદેશ અને તેમના વચનોને જીવનમાં ઉતારવાથી જ આ જન્મ જયંતિની સાચી ઉજવણી ગણાશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભગવાન મહાવીરના બાળ સ્વરૂપને પારણમાં ઝૂલાવી આરતી વંદના કરી હતી.
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવા સંઘના પ્રમુખ તરીકે છેલ્લા ચૌદ વર્ષથી સેવા આપતા શ્રી હિતેશભાઇ શાહે "ગુજરાત સમાચાર"ના પ્રતિનધિ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “એમના આ કાર્યમાં ૬૫૦ જેટલા સેવાભાવી કાર્યકરોનો સહયોગ સાંપડ્યો છે. એના દાતાઓ પણ વર્ષોથી પોતાનું ઉદાર દાન નોંધાવી રહ્યાં છે. આ ઉત્સવનો અંદાજી ખર્ચ ૪૦ લાખ રૂપિયા થવા જાય છે.
આ મેદાન વડોદરાના મહારાજા તરફથી વિના મૂલ્યે ઉજવણી માટે સાદર કરાય છે. આવો અદ્ભૂત કાર્યક્રમ યોજવા બદલ ચેરમેનશ્રી ભાવેશભાઇ લોડાયા, મહામંત્રીશ્રી જયેશભાઇ અને કિરિટભાઇ શાહ અને અન્ય સેવાભાવીઓને અભિનંદન.


comments powered by Disqus