કિવ: રશિયાના ભીષણ હુમલા વચ્ચે હથિયાર મોકલવામાં વિલંબ કરતાં યુરોપિયન દેશો પર ઝેલેન્સ્કી ખફા થયા હતા અને જણાવ્યું હતું કે હથિયાર મોકલવામાં જેટલો વિલંબ થશે તેટલા વધુ યૂક્રેનિયન મરશે. યૂક્રેનના પ્રેસિડેન્ટે પશ્ચિમના દેશોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે લડાઇનું ભવિષ્ય તમારા નિર્ણય પર નિર્ભર કરે છે. આ દરમિયાન ક્રિમિયન હ્યુમન રાઇટ ગ્રૂપે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકો મારિયુપોલ શહેરમાંથી લગભગ 150 નાના બાળકોને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા છે. સૈનિકોએ દાવો કર્યો હતો કે બાળકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. પરંતુ આ બાળકો કોઇ અનાથ ન હતા. અહેવાલો અનુસાર રશિયન સૈનિકો આ બાળકોને કોઇ અજ્ઞાત સ્થળે લઇ ગયા છે. આ દરમિયાન બેલ્જિયમ, એસ્ટોનિયા, બલ્ગેરિયાએ પણ પોતાના બંદરો પર રશિયન જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અગાઉ ઘણા યુરોપિયન દેશો રશિયન જહાજોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે.
રશિયાએ મારિયુપોલ શહેર કબજે કર્યું
યુક્રેન પર આક્રમણ કર્યાના લગભગ બે મહિનામાં રશિયાને પહેલી વખત એક મોટા શહેર પર કબજો કરવામાં સફળતા મળી છે. રશિયન સૈન્યે રવિવારે દક્ષિણ યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલની સ્ટીલ ફેક્ટરી તોડી પાડી હતી. છ સપ્તાહની ઘેરાબંદીનો સામનો કરી રહેલા મારિયુપોલ પર કબજાથી રશિયા માટે યુક્રેનના પૂર્વીય ભાગમાં મોટાપાયે આક્રમણ કરવાનું સરળ બનશે. વધુમાં રશિયન સૈન્ય આકાશમાંથી ફોસ્ફરસ બોમ્બ વરસાવી રહી હોવાનો યુક્રેનના નાગરીકોએ દાવો કર્યો છે. આ સાથે રશિયાએ કીવ સહિત યુક્રેનના અન્ય શહેરો પર હુમલા વધાર્યા છે અને હથિયારોનો એક પ્લાન્ટ ઉડાવી દીધો હતો.
રશિયન સૈન્યે રવિવારે જણાવ્યું કે, તેણે યુક્રેનના પોર્ટ સિટી પર કબોજ કરી લીધો છે. હવે માત્ર અજોવની ઈસ્પાત મીલમાં યુક્રેનના કેટલાક સૈનિકો છુપાયેલા છે. રશિયાએ તેમને રવિવારે બપોર સુધીમાં આત્મસમર્પણ કરવા ચેતવણી આપી હતી. જોકે, યુક્રેનના સૈનિકોએ રશિયાની ચેતવણી ફગાવતા કહ્યું કે તેઓ મરી જશે અથવા મારિયુપોલને બચાવવા માટે અંતિમ ક્ષણ સુધી લડતા રહેશે.

