અમારા વિચારો અને મૂલ્યોને મૂર્તિમંત કરનાર સૌ સહયોગીઓને વંદન

સી.બી. પટેલ Wednesday 20th July 2022 06:57 EDT
 

વડિલો સહિત સૌ વાચક મિત્રો,
“સ્મરણ યાત્રા"નો આ પાંચમો હપ્તો છે. અગાઉના હપ્તાઓમાં સહેતુક કેટલાક નામોનો ઉલ્લેખ કર્યો છે જેઓ અમારી સુવર્ણ યાત્રામાં ઉપકારક નીવડ્યાં છે, અમારા વિચારો મૂર્તિમંત કરવામાં સિંહફાળો આપ્યો છે એ સૌના અનુદાનને અમે માથે ચડાવીએ છીએ. કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
“ગુજરાત સમાચાર" અને "એશિયન વોઇસ" સમાચાર પત્રોએ આપણી વસાહતના પાયામાં કંઇક નક્કર અનુદાન આપવાના પ્રયાસ કર્યા છે જેની સફળતામાં અનેકોનો સહકાર સાંપડ્યો છે. પાછલા પચાસ વરસના ઇતિહાસને યાદ કરી પ્રકાશન યાત્રામાં પ્રવેશની સંક્ષિપ્ત રૂપરેખા રજુ કરી. મેં અજાણ્યા ક્ષેત્રમાં ઝૂકાવ્યું અને "કરત કરત અભ્યાસ સે, જડમતિ હોત સુજાણ, રસરી આવત જાવત તે, સિલ પર પરત નિશાન"ની જેમ શ્રધ્ધાપૂર્વક, નિષ્ઠાથી અને સખત પરિશ્રમના બળે "મન હોય તો માળવે જવાય"ની જેમ વિકાસની કેડી કંડારી છે.
આ દેશમાં ભારતીય/ગુજરાતી અસ્મિતા કાયમી છે અને નવો ઇતિહાસ સર્જી રહ્યાં છે એના સંદર્ભમાં આછેરો ઉલ્લેખ આવશ્યક છે. આપણા ભાઇ-બહેનોએ પ્રોફેશ્નલ કારકિર્દીથી માંડી રાજકારણ સુધીના ચઢાણ સર કર્યા. આ દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ધરોહરને મજબૂત બનાવવા ફાળો આપ્યો. એની ગણના બ્રિટન સહિત વિશ્વભરમાં થઇ રહી છે એ આપણા સંસ્કારોનું પરિણામ છે. આપણી તપશ્ચર્યા અને મહેનતના મીઠાં ફળ છે. સ્થાનિક પ્રજા પણ આપણા ઉત્સવોમાં સામેલ થઇ ભાઇચારો કેળવતી થઇ એ આપણી ઉમદા અને ઉજળી પરંપરાનું જીવંત ઉદાહરણ છે.
આગેકૂચમાં અમે ૨૦૦૬થી અમદાવાદમાં "ગુજરાત સમાચાર"ની આગવી ઓફિસ શરૂ કરી કાર્યરત બની શક્યાં એ અમારૂં સદ્નસીબ છે. એમાં પણ ઘણાં સાથીઓનો સાથ સાંપડ્યો; સાંપડી રહ્યો છે. અમદાવાદની ઓફિસ લગભગ શરુ થઇ ત્યારથી રેસિડેન્સ એડીટર તરીકે શ્રીનીલેશભાઇ પરમાર સુંદર અનુદાન આપી રહ્યા છે એ સરાહનીય છે.
જીવનમાં જેમ અવરોધો આવે છે તેમ અનેક ક્ષેત્રે આવતા હોય છે. આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે. એમાંથી બહાર આવી વિકાસના પગથિયાં ચઢવા કટિબધ્ધ બનવું એ આપણી ફરજ બને છે, જવાબદારી છે. અવરોધો હલ કરવા આપણે કયો રસ્તો અપનાવીએ છીએ એ પણ અગત્યનો ભાગ ભજવે છે. નૈતિક મૂલ્યોના પાલન સહ સકારાત્મક અને સર્જનાત્મક શૈલીને અનુસરીએ તો જરૂર તકલીફોમાંથી બહાર આવી શકાય છે. એ મુજબ અમારે પણ કેટલાક અવરોધોનો સામનો કરવો પડ્યો હતો અને એ બધાંમાંથી હેમખેમ બહાર આવી ૫૦ વર્ષની મજલ પૂર્ણ કરી એનો અમને સંતોષ છે. આનંદ છે. ગૌરવ છે. આ ગૌરવના અધિકારી આપ સૌ વાચકો છો. આપના વિના અમે એક ડગ પણ આગળ વધી ના શકીએ.
મને શ્રધ્ધા છે કે, “ગુજરાત સમાચાર" ઉમદા વિચારને વળગી રહી આગેકૂચ કરશે જ. એમાં મારા વડિલો, મિત્રો, સહયોગીઓ, પ્રેરણાદાયીઓના સાથ મળશે એવી અડીખમ શ્રધ્ધા છે.
(ક્રમશ:)

---------------------

શ્રદ્ધા નથી હૃદયમાં

- સ્વામી શ્રીકૃપાલાનંદજી

શ્રદ્ધા નથી હૃદયમાં, સાધન કરે છે શાને;
પ્રીતિ નથી પ્રિતમમાં, પ્રેમી બને છે શાને?.....

નરસિંહ હતો દીવાનો, મીરાં હતી દીવાની;
પ્રેમે બન્યા એ પાગલ, હરિહરમાં શ્રદ્ધા રાખી.....

પ્રહલાદ ભક્ત મોટો, ધીરજથી સ્તંભે ભેટ્યો;
ધ્રુવજી અમરત્વ પામ્યા આકાશ તેનો ફોટો....

સુદામાના ખાધા તાંદુલ, વિદૂરની ખાધી ભાજી,
શબરીના બોર ખાધા, વ્હાલે મુખથી લીધા માંગી.....

શંકા હતી હૃદયમાં, મુજ રંકનું શું થાશે;
પ્રભુ પાગલના પ્રતાપે, રહુ છું સદા ઉલ્લાસે.....


comments powered by Disqus