આકાશમાંથી વરસતી વિક્રમતોડ આગ

Wednesday 20th July 2022 03:01 EDT
 

કુદરત આગળ કાળા માથાનો માનવી આખરે પામર બની રહે છે તે ગત દિવસોના ઘટનાક્રમોએ પુરવાર કર્યું છે. ભારત સહિતના એશિયામાં જળપ્રલયની હાલત છે તો મોટા ભાગે ઠંડા રહેતા યુરોપ અને અમેરિકા સહિતના પ્રદેશોમાં તો આકાશમાંથી અગનવર્ષા થઈ રહી છે. ચીન પણ વિક્રમી ગરમીનો સામનો કરી રહ્યું છે. બીજી તરફ, અસહ્ય ગરમીના કારણે ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ સહિત આશરે 10 દેશોમાં જંગલોમાં દાવાનળનો પ્રકોપ જોવા મળ્યો છે.
બ્રિટનના ઈતિહાસમાં 19 જુલાઈ એટલે કે સોમવાર 40.2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી આકરી ગરમીના દિવસ તરીકે નોંધાઈ ગયો છે અને આ રેકોર્ડ પણ તૂટવા તરફ આગળ વધી રહ્યો છે એટલે કે તાપમાન 42 અથવા 43 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે તેવી ચેતવણી હવામાનવિજ્ઞાનીઓએ આપવી પડી છે. જો 40 ડીગ્રીના રેડ એલર્ટે રેલવે, શાળાઓ સહિત બધુ બંધ કરાવી દેવાની ફરજ પડતી હોય તો આનાથી વધુ ઉષ્ણતામાને શું થશે તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી. યુકે તો જમૈકા, માલદીવ્ઝ અને બાર્બાડોઝ કરતાં પણ વધુ ગરમીનો સામનો કરી રહ્યું છે.
ક્લાઇમેટ ચેન્જના પરિણામે સમગ્ર યુરોપ ધગધગતી અગ્નિમાં શેકાય છે અને તાપમાનના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. ગત એક સપ્તાહના હીટવેવમાં સ્પેન અને પોર્ટુગલમાં 1100થી વધુ લોકોના મોત નિપજી ચૂક્યાં છે. ગરમીથી સર્જાતા દાવાનળોએ હજારો એકરોમાં ફેલાયેલાં જંગલોમાં વિનાશ વેર્યો છે. બ્રિટનમાં પણ કાળઝાળ ગરમીથી કોર્નવોલના ઝેન્નોર અને બર્મિંગહામમાં જંગલોમાં દાવાનળ તેમજ ડોનકાસ્ટર અને હર્ટફોર્ડશાયરમાં ઘણી જગ્યાએ ઘાસના વિશાળ મેદાનો રાખના ઢગલામાં ફેરવાઇ ગયા હતા.
આપણે તો આગ લાગે ત્યારે કૂવો ખોદવાની માનસિકતા ધરાવીએ છીએ. યુએસ પ્રમુખ જો બાઈડેન નેશનલ ક્લાઈમેટ ઈમર્જન્સી જાહેર કરવા વિચારે છે તો યુરોપીય સંઘના નેતાઓ સમગ્ર યુરોપમાં વિક્રમતોડ હીટવેવના કારણે સર્જાયેલી વાઈલ્ડ ફાયર્સનો સામનો કરવા તાકીદના રિસોર્સીસનો ઉપયોગ કરવાની યોજના ઘડવા બેઠા છે. ક્લાઈમેટ કટોકટી મુદ્દે 40 દેશોની બેઠકમાં યુએન મહામંત્રી ગુટરસે માનવજીવન ખતરામાં હોવાની ચિંતા વ્યક્ત કરી છે. આ બધા છતાં, ગ્રીન એનર્જીના વિકાસના મુદ્દે મીંડુ જ છે.
માનવીએ વિકાસની આંધળી દોડમાં પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે. સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર બદલાઈ ગયું છે. આને આપણે જળવાયુ પરિવર્તન કે ક્લાઈમેટ ચેઈન્જનું રુપાળું નામ આપ્યું છે પરંતુ, વાસ્તવમાં કુદરતી સમતુલા ખોરવાઈ છે. લીલાંછમ જંગલોનું સ્થાન સિમેન્ટ-કોન્ક્રીટના જંગલોએ લઈ લીધું છે. એક સમય હતો કે શિયાળામાં ઠંડી, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદના વણલખ્યા નિયમોનું પ્રકૃતિ પાલન કરતી હતી. વર્તમાન સમયમાં ઉનાળો એટલે કે ગરમી બારે માસ થઈ ગઈ છે. આ ઉપરાંત, કુદરતના નિયમોને અનુરુપ વિશ્વના વિસ્તારોને શીતોષ્ણ, સમશીતોષ્ણ અને ઉષ્ણ કટિબંધના નામો આપવામાં આવ્યા હતા તેનો કોઈ અર્થ રહ્યો જણાતો નથી. કુદરતે અત્યાર સુધી માનવીને સાચવ્યા છે પરંતુ, આપણે કુદરતને સાચવી નથી અને તેનું પરિણામ માનવી ઉપરાંત, પશુપક્ષી સહિતના અન્ય સજીવોએ સહન કરવું પડે છે તે આપણે ક્યારે સમજીશું.


comments powered by Disqus