બ્રિટિશ રાજકારણ હવે ધીમા પગલે નવા વડા પ્રધાનની પસંદગી તરફ આગેકદમ કરી રહ્યું છે. બોરિસ જ્હોન્સનના સ્થાને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બનવાની સ્પર્ધામાં હવે માત્ર ત્રણ સ્પર્ધક એટલે કે રિશિ સુનાક, પેની મોરડૌન્ટ અને લિઝ ટ્રસ બાકી રહ્યાં છે અને આ વાંચતા હશો ત્યારે તો માત્ર બે ઉમેદવાર બાકી રહ્યા હશે તેમનામાંથી એક એટલે કે વડા પ્રધાનપદના ઉમેદવારની પસંદગી હવે કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બર્સના હાથમાં આવી ગઈ હશે.
અત્યાર સુધી ઝીંક ઝીલી રહેલા કેમી બેડનોક મંગળવારના રાઉન્ડમાં માત્ર એક મત વધુ મેળવીને સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા છે અને તેનો સૌથી વધુ ફાયદો ફોરેન સેક્રેટરી એલિઝાબેથ ટ્રસને વધુ 15 સમર્થક સાંસદ મળવા સાથે થયો છે. પ્રથમ ક્રમે રહેલા પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકને માત્ર 3 વધુ સાંસદોનું સમર્થન મળવા સાથે તેમને 357 ટોરી સાંસદોના ત્રીજા ભાગ જેટલી સરસાઈ સુધી પહોંચવાની મહેચ્છા મનમાં જ રહી છે.
સામાન્યપણે કન્ઝર્વેટિવ નેતાની સ્પર્ધામાં કડવાશ જોવા મળતી નથી તે આ વખતે જોવા મળી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સન ખુલ્લેઆમ ભારતવંશી રિશિ સુનાકના વિરોધમાં બહાર આવ્યા છે. આ ‘દોસ્ત બના દુશ્મન’ જેવી પરિસ્થિતિ છે. જ્હોન્સને ઘણી વખત સુનાકને ચાન્સેલરપદેથી દૂર કરવાની માગણી ફગાવી તેમની આર્થિક નીતિઓને સમર્થન આપ્યું હતું અને બંને વચ્ચેની મિત્રતા ઘનિષ્ઠ બની હતી. પરંતુ, કોરોનાકાળમાં ચાન્સેલર સુનાકે જે સરાહનીય કામગીરી બજાવી જનતા અને બિઝનેસીસને નાણાકીય સપોર્ટ પૂરો પાડ્યો તેનાથી તેમની લોકપ્રિયતા વધી ગઈ હતી અને જ્હોન્સન પછી નેતા તરીકે તેમનું નામ સતત આગળ વધતું રહ્યું હતું. જોકે, સુનાકે છેલ્લે સુધી જ્હોન્સનને ટેકો આપી મિત્રતા નિભાવી પરંતુ, વિશ્વાસભંગની વાત આવી ત્યારે સુનાકના રાજીનામાને જ્હોન્સન જીરવી શક્યા નહિ અને પોતાના પતન માટે તેમણે સુનાકને જ જવાબદાર ઠેરવી તેમના વિરુદ્ધ લિઝ ટ્રસની તરફેણ કરી છે. નવાઈની બાબત તો એ કહી શકાય કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમેન જેવાં ભારતવંશીઓ પણ સુનાકની તરફેણમાં આવ્યા નથી.
ટેલિવિઝન ડિબેટમાં લિઝ ટ્રસ અને પેની ડૌરમૌન્ટે અર્થતંત્રની હાલત અને જીવનનિર્વાહ કટોકટીના મુદ્દે સુનાકને ઘેરવાની ઘણી કોશિશ કરી પરંતુ, ફાવ્યાં નહિ. અર્થતંત્રની વર્તમાન હાલત કોરોના મહામારીમાં આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ તેમજ લોકો અને બિઝનેસીસને સહાય કરવા મોટા પાયે નાણાકોથળી ખુલ્લી મૂકી દેવાઈ તેના કારણે જ છે. યુક્રેનયુદ્ધે પણ આ ફૂગાવાની કટોકટીમાં મોટી ભૂમિકા ભજવી છે. બ્રિટને જે દેવું કર્યું છે તેને ભરપાઈ કરવા ટેક્સ લાદવા સિવાય બીજો કોઈ માર્ગ રહ્યો નથી અને સુનાકે પણ કબૂલ્યું જ છે કે ફૂગાવો અંકુશમાં આવવાની સાતે જ તેઓ ટેક્સમાં રાહતો વિશે વિચારશે. આ વ્યવહારિતા છે.
અહેવાલોને માનવામાં આવે તો કન્ઝર્વેટિવ પાર્ટી ખરેખર રૂઢિચૂસ્ત જ છે અને આ સ્પર્ધા શ્વેત વિરુદ્ધ અશ્વેતની બની ના રહે તે માટે પાર્ટીએ જોવાનું રહેશે. જો રિશિ સુનાક પાર્ટીના નેતાપદે ચૂંટાઈ ન આવે તો બ્રિટિશ લોકશાહી હજુ ભારતીય કે અશ્વેત વડા પ્રધાન મેળવવા માટે તૈયાર નથી તે ચોક્કસ કહી શકાય. બ્રિટને આ માનસિકતામાંથી બહાર આવવાની આવશ્યકતા છે.
