કેન્યાના નવનિયુક્ત ડેપ્યુટી હાઈ કમિશનર રોહિતભાઇ વઢવાણાએ મંગળવારે નૈરોબીમાં ભારતીય હાઇ કમિશનની મુલાકાત લીધી અને સાથી અધિકારીઓને મળ્યા. કેન્યાના વર્તમાન હાઈ કમિશનર વીરેંદ્રકુમાર પોલ અંકારા (ટર્કી)માં ભારતના રાજદૂત નિયુક્ત થયા છે. ઉચ્ચ પદસ્થ સૂત્રો જણાવે છે કે, કાઠમંડુમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન નમગ્યા સી. ખામ્પા કેન્યામાં આગામી ભારતીય હાઈ કમિશનર બનશે.
વિયેતનામમાં ભારતીય રાજદૂત પ્રણય કુમાર વર્મા હવે ઢાકામાં આગામી ભારતીય હાઈ કમિશનર હશે. એટલે, ઢાકામાં વર્તમાન ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીની હવે ગમે ત્યારે લંડનમાં ભારતીય હાઈ કમિશનર તરીકે નિયુક્તિની સત્તવાર જાહેરાત થઈ શકે છે. કુવૈતમાં ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ જાપાનમાં આગામી ભારતીય રાજદૂત બનશે. નીતા ભૂષણ ન્યુઝીલેન્ડમાં આગામી ભારતીય હાઈ કમિશનર હશે.
પ્રણય વર્માએ વિદેશ મંત્રાલયમાં પૂર્વ એશિયા વિભાગના ડિરેક્ટર-જનરલ તરીકે સેવા આપી છે અને ભારતની પરમાણુ મુત્સદ્દીગીરીની દેખરેખ રાખતા અણુ ઊર્જા વિભાગમાં બાહ્ય સંબંધો માટેના ડિરેક્ટર-જનરલ પણ હતા. જ્યારે સિબી જ્યોર્જ કૈરો, દોહા, ઈસ્લામાબાદ, વોશિંગ્ટન ડીસીમાં સેવા આપી ચૂક્યા છે અને તહેરાન તથા રિયાધમાં ભારતીય મિશનમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન હતા. ખામ્પાએ જુદા-જુદા સમયે યુનાઇટેડ સ્ટેટ્સ, શ્રીલંકા અને મ્યાનમાર સાથેના સંબંધો સંભાળ્યા અને 2016 થી 2018 સુધી વડા પ્રધાનના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિ પર સેવા આપી. સૂત્રો એમ પણ જણાવે છે કે, શિકાગોમાં ભારતના કોન્સ્યુલ જનરલ અમિત કુમાર હવે દક્ષિણ કોરિયામાં આગામી ભારતીય રાજદૂત હશે.
લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાની UPSCમાં નિમણૂક
સરકારે લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લા (નિવૃત્ત) ની નિમણૂક સાથે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) - સિવિલ સેવાઓ અને અન્ય સરકારી પોસ્ટ્સ પર પરીક્ષાઓ અને ભરતીઓ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થામાં સભ્યની ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ફરીથી શરૂ કરી છે. આર્મી ટ્રેનિંગ કમાન્ડ ખાતે ભૂતપૂર્વ જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ શુક્લા સોમવારે એજન્સીના સભ્ય તરીકે જોડાયા હતા.
કમિશનમાં અધ્યક્ષ સિવાય 10 સભ્યોની સંખ્યા હોય છે પણ હાલ માત્ર પાંચ જ સભ્યો છે. હાલમાં ડૉ. મનોજ સોની UPSC સભ્યોમાંના એક અને કમિશનના કાર્યકારી અધ્યક્ષ છે.
દોરાઈસ્વામીએ ઢાકા-કોલકાતા વચ્ચે ચોથી ઇંટર કંટ્રી ટ્રેનનો પ્રસ્તાવ મૂક્યો
બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ ઢાકા અને કોલકાતા વચ્ચે ચોથી ઇંટર કંટ્રી ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 18 જુલાઇએ દોરાઇસ્વામીએ રેલ્વે મંત્રી નુરુલ ઇસ્લામ સુજાન સાથેની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય ભંડોળ સાથે ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. ભારતીય હાઈ કમિશનરે જણાવ્યું કે, "હાલમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મૈત્રી, બંધન અને મિતાલી એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે."

