બ્રિટનમાં લઘુમતિ સમાજ માટે પુસ્તકાલય સેવાની ભીતરમાં ભદ્રાબહેનનું અનન્ય અનુદાન

ઘર દીવડાં

જ્યોત્સના શાહ Wednesday 20th July 2022 09:49 EDT
 
 

સામાન્ય રીતે ભદ્રાબહેન વડગામા એટેલે જાણીતા લાયબ્રેરીયન એટલું જ આપણે જાણતાં હોઇએ. જો કે અગત્યની વાત એ છે કે આ દેશમાં લઘુમતિ સમાજ માટે પુસ્તકાલયની સેવા આપણને પ્રાપ્ત થઇ હોય તો એનો શ્રેય ભદ્રાબહેનને જાય.
૧૯૯૮માં લાયબ્રેરીયન પ્રોફેશનમાં નોંધપાત્ર અનુદાન આપવા બદલ લાયબ્રેરી એસોસિએશનના રોયલ ચાર્ટર સેનેટરી એવોર્ડ વિજેતા બન્યાનું બહુમાન પણ એમને મળ્યું. વાત આટલેથી નથી અટકતી તેઓશ્રી બહુમુખી પ્રતિભા ધરાવતાં વિદૂષી છે. તો ચાલો એમના પ્રેરણાદાયી એમના વ્યક્તિત્વના અન્ય પાસાંઓ પર એક નજર કરીએ.
ભદ્રાબહેન વડગામા ભાટિયાની દીકરી. ભદ્રાબહેન કાપડિયા (વડગામા)નો જન્મ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારની બહુવિધ સાંસ્કૃતિક સમાજ વચ્ચે થયો અને શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું. બ્રિટનના શાસન હેઠળના ઝાંઝીબારમાં મુસ્લિમ ઓમાની સુલતાન, આફ્રિકનો સાથે શાસક બ્રિટિશરો, આરબ અને ભારતીયોની વસ્તી હતી. જો કે એ ટાપુ પર ઇસ્લામનો પ્રભાવ વધુ બળવત્તર હતો.
ભદ્રાબહેનનો ઉછેર હિન્દુ ગુજરાતી સંસ્કાર અને મૂલ્યો વચ્ચે થયો હતો. પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં અને માધ્યમિક શિક્ષણ બ્રિટિશ શાસનને કારણે અંગ્રેજીમાં મેળવ્યું. સક્રિય ગર્લ ગાઇડ હોવાના નાતે યુ.કે.માં ૧૯૫૭માં વિન્ડસર ખાતે યોજાયેલ વર્લ્ડ સેનેટરી કેમ્પમાં ઝાંઝીબાર ગાઇડ્સના પ્રતિનિધિ તરીકે એમની પસંદગી થઇ હતી.
આર્ટ્સમાં પ્રથમ ડીગ્રી યુગાન્ડાની મેકરેરે યુનિવર્સિટીમાંથી અને એજ્યુકેશનમાં ડીપ્લોમા નૈરોબી-કેન્યાની યુનિવર્સિટીમાંથી કર્યું. કેન્યાની સ્કુલોમાં ડેપ્યુટી હેડ તરીકે છ વર્ષ ફરજ બજાવ્યા બાદ ૧૯૭૩માં બ્રિટન પોસ્ટગ્રેજ્યુએટ ઇન લાયબ્રેરી અને ઇન્ફોર્મશન સાયન્સનો અભ્યાસ કરવા આવ્યાં. નોર્થ લંડનની પોલિટેકનીકમાં પોસ્ટગ્રેજ્યુએટ થયા બાદ ઇનર લંડનની સ્કૂલ લાયબ્રેરી સર્વિસમાં પ્રથમ જોબ મળી. જ્યાં બે વર્ષ જોબ કર્યા બાદ ૧૯૭૭માં બહુવિધ સાંસ્કૃતિકોની વસ્તી વાળા વોન્ડસવર્થમાં લઘુમતિ સમાજ માટે લાયબ્રેરી સેવા ઉપલબ્ધ કરવા માટે પ્રથમ લાયબ્રેરીયન તરીકે એમની નિમણૂક થઇ.
અને ૧૯૯૮માં એવોર્ડ વિજેતા બન્યાં.
નિવૃત્ત થયા બાદ પણ ફ્રીલાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ ચાલુ રાખ્યું. ૨૦૦૧માં બ્રેન્ટ, હેરો અને હિલીંગ્ડન લાયબ્રેરી ઓથોરિટીસમાં ઇન્ડિક ભાષાઓના અંગ્રેજી ભાષામાં સાહિત્ય સર્જનને પુષ્ટિ મળે એ માટે વાચક આધારિત પ્રવૃત્તિઓ કરવા "ઇમેજીન એશિયન" પાર્ટનરશીપ પ્રોજેક્ટના કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂક થઇ.
એમણે બાળકો માટે લખાયેલ ૮૦થી વધુ દ્વિભાષીય (ઇંગ્લીશ અને ગુજરાતી)ભાષાઓનાં પુસ્તકોનાં ભાષાંતર કર્યાં છે.
તેમના લેખો અને વાર્તાઓ બ્રિટનમાં અને ભારતના પ્રતિષ્ઠિત સામાયિકોમાં સમયે-સમયે પ્રસિધ્ધ થાય છે. જેનો સમાવેશ ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના સંગ્રહમાં કરાયો છે. તેમણે કેટલીક ઇંગ્લીશ કવિતાઓનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું છે.
 હાલમાં તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમી યુ.કે.ના ઉપપ્રમુખ પદેથી સેવા સાદર કરે છે અને ગુજરાતી સાહિત્ય ફોરમના વેસ્ટ લંડન ચેપ્ટરના દૂત તરીકે કાર્યરત છે.
ભદ્રાબહેન એમના જીવન કાળમાં સમાજ આધારિત સંસ્થાઓમાં સ્વૈચ્છિક સેવાઓમાં વ્યસ્ત રહ્યાં છે. જેમ કે, એમની દીકરીની સ્કુલમાં પેરન્ટ ગર્વનર તરીકે, વોન્ડસવર્થ અને ક્રોયડનમાં ઘરેલૂ હિંસાઓનો ભોગ બનેલ રેફ્યુજ મહિલાઓ માટે રહેઠાણની પહેલમાં, ક્રોયડનમાં એશિયન મહિલાઓ માટે ક્રોયડન વિમેન્સ ઓર્ગેનાઇઝેશન સ્થાપિત કર્યું છે. ક્રોયડનમાં એશિયન વડીલો માટે શેલ્ટર્ડ હોમ "અપના આશિયાના" સ્થાપવા સહિત અનેક કાર્યક્રમોમાં સક્રિય રહ્યાં છે.
 લોકો સાથે હળવા-મળવાનું એમને ખૂબ ગમે છે. ભારતીય સંગીત, કલા, થીયેટર, યોગા અને પ્રવાસનો શોખ ધરાવે છે. જીવનને ભરપૂર માણવામાં માને છે. આપણી ખુશીઓનું અને તંદુરસ્તીનું રહસ્ય છે સદાય સક્રિય રહીએ. "ગમતાંનો કરીએ ગુલાલ."


comments powered by Disqus