યુકેમાં સ્થિર અને સક્ષમ નેતાની તલાશ જારી છે!

રુચિ ઘનશ્યામ Tuesday 19th July 2022 12:59 EDT
 
 

યુકેમાં રહેલા વાચકગણ માટે યુકેનાં રાજકારણ વિશે લખવાનું વિવેકપૂર્ણ- યોગ્ય ગણાશે ખરૂં? બોરિસ જ્હોન્સનની કેબિનેટમાંથી એક પછી એક મિનિસ્ટરના રાજીનામાં પડતા જવા સાથે હું મારી જાતને આ પ્રશ્ન કરતી રહી છું. યુકેમાં વડા પ્રધાનનું રાજીનામું લોકશાહીના મહાન વિજયનું પ્રતિબિંબ પાડે છે. માત્ર ત્રણ વર્ષ અગાઉ અભૂતપૂર્વ બહુમતી સાથે ચૂંટાયેલા નેતાએ ઘણી મોટી કહેવાય તેવી એક ભૂલના કારણે સત્તા છોડવી પડી છે! તેઓ પોતાની પાછળ રસપ્રદ વારસો મૂકી જઈ રહ્યા છે. તેમણે બ્રેક્ઝિટની સિદ્ધિ હાંસલ કરી છે જોકે, સૌથી નાજૂક છતાં જટિલ મુદ્દો નિરાકરણ આવ્યા વિનાનો રહ્યો છે. દાયકાઓની ‘અશાંતિ- The Troubles’ પછી જે વિસ્તારમાં શાંતિ આવી શકી તેવા ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટ ( Good Friday Agreement)ની શરતો કે જોગવાઈઓને જાળવવા સાથે નોર્ધર્ન આયર્લેન્ડના બાકીના યુકે વિસ્તારો સાથે સંપર્કકડીને જાળવી રાખવાનો મુદ્દો ઉકેલી શકાયો નથી. દેશના નવા વડા પ્રધાનના શિરે તમામ હિસ્સેદારોને સંતોષ થાય તેવો ઉકેલ શોધી કાઢવાનું લગભગ અશક્ય અને ભગીરથ કાર્ય આવી પડશે!

આ અશાંતિ કે અરાજકતા સર્જાવનારા ઘટનાક્રમને બ્રિટિશ અને ભારતીય મીડિયામાં ઘણી સારી રીતે, સુપેરે આવરી લેવાયાં છે. ખરેખર તો વડા પ્રધાનપદના ઉમેદવારો વચ્ચેની ચર્ચાઓના કારણે જ આ કોમેન્ટ લખવાની પ્રેરણા મળી છે. એક સમયે, એમ લાગતું હતું કે ચર્ચા ખરેખર યુકેના અર્થતંત્રની હાલત અને ઊંચા ટેક્સીસ મુદ્દે રિશિ સુનાક અને બાકીના ઉમેદવારો વચ્ચે ચાલી રહી હતી. એક માત્ર સંભવિત અપવાદ કેમી બેડનોકનો જણાયો જેમણે વારંવાર જણાવ્યું કે યુકે મુશ્કેલ આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને દરેક રાહત માટે બીજે કશે ગોઠવણ કરવી જ પડશે! રવિવારની રાતે ચર્ચામાં રિશિ સુનાકને પ્રશ્નો પૂછવામાં લિઝ ટ્રસ ઘણાં આક્રમક જણાતાં હતાં. આ તો જાણે અપેક્ષિત જ હતું કારણકે પ્રથમ ડિબેટમાં હાજરજવાબી રિશિ સુનાકે તેમને તરત જણાવ્યું હતું કે,‘ ફૂગાવામાંથી બહાર નીકળવા માટે કરજ લેવાનો તમારો માર્ગ એ કોઈ યોજના નથી, તે માત્ર પરીકથા જ છે’ યુકેના અર્થતંત્રની હાલત અને પ્રસંગોપાત પ્રશ્નો અને ગર્ભિત સૂચનો સાથે એક્સચેકરના ચાન્સેલર તરીકે રિશિ સુનાકના પરફોર્મન્સ સામને સવાલ ઉઠાવાયો હતો.

આ છેલ્લી ટીપ્પણીએ મને વિચાર કરતા મૂકી દીધી કે આ માત્ર પરીકથા નથી પરંતુ, એક પરીલોક - પરીઓનો દેશ છે જ્યાંથી કેટલાક ઉમેદવારો આવ્યા હોવાનું જણાય છે! સમગ્ર વિશ્વ આજે પણ સમાપ્ત નથી થઈ તેવી જીવલેણ મહામારીના પગલે અભૂતપૂર્વ આર્થિક કટોકટીના કળણમાં જકડાયેલું છે. યુરોપમાં યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં અગાઉની મહાસત્તા સંકળાયેલી છે. યુએસના ડોલરની સામે યુરોની કિંમત પણ નીચી ગઈ છે. હું આ લખું છું ત્યારે 100 ડોલરની સામે માત્ર 99.1414 યુરો જ મળે છે! ચીનનું અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં ન હોવાં છતાં, તકલીફમાં તો છે જ, એક વર્ષ અગાઉની સરખામણીએ આ બીજા ત્રિમાસિક ગાળામાં તેની વૃદ્ધિ માત્ર0.4 ટકાની જ રહી છે, જેનાથી ચીનના વાર્ષિક વૃદ્ધિના લક્ષ્યાંક સામે જોખમ સર્જાયું છે. શ્રી લંકામાં જે ઘટનાક્રમો જોવાં મળ્યા તેને પણ સારી રીતે મીડિયામાં આવરી લેવાયા હતા પરંતુ, પરીલોકમાં વસનારાના ધ્યાન બહાર જ જતા રહ્યા છે!

આ ચર્ચાઓમાં ઊંચા ટેક્સીસ અને ફૂગાવાના કારણે સર્જાયેલી દુર્દશાની પણ ચર્ચા થઈ હતી. રિશિ સુનાક અંગત રીતે સંપત્તિવાન હોવાથી સામાન્ય માનવીની પીડા કે યાતના પ્રત્યે અસંવેદનશીલ હોવાનું ગર્ભિત સૂચન કરવાનું ઘણું સહેલું છે. જોકે, આ એ જ સુનાક છે જેમણે ચાન્સેલર તરીકે લોકડાઉન અને તેના ફળસ્વરૂપ આર્થિક પડકારોની અસરથી મુશ્કેલીમાં મૂકાયેલા નાના બિઝનેસીસ અને પરિવારોની મદદ કરવા માટે બિલિયન્સ પાઉન્ડ્સની નાણાકોથળી ખુલ્લી મૂકી દીધી હતી. થોડા સમય અગાઉ માર્ચ 2022માં જ લોકો માટે જીવનનિર્વાહની કટોકટીને હળવી બનાવવાના પ્રયાસમાં સુનાકે 37 બિલિયન પાઉન્ડ્સની સરકારી સહાય સહિતના પગલાંનું પેકેજ જાહેર કર્યું હતું.

દરેક ગૃહિણી જાણે છે કે અચાનક આવી પડેલા ભારે ખર્ચા પછી પેટે પાટા બાંધવાની જરૂર પડે છે. આપણા પરિવારમાં કોઈ ઈમર્જન્સી આવી જાય અને મોટું ભંડોળ વાપરવું પડે તો પછી આપણામાંથી કેટલાં લોકોએ વેકેશનમાં રજાઓ ગાળવાના પ્લાન્સ મુલતવી રાખ્યા છે? આપણે બધા જાણીએ છીએ કે વધારાનો ખર્ચ કરીએ તે પહેલા ગાડીને પાછી પાટા પર ચડાવવી પડે છે અને થોડી બચત પણ એકઠી કરવી પડે છે. રોજબરોજના ખર્ચા પૂરા પાડવા માટે વારંવાર શાહુકાર- નાણા ધીરનાર પાસે દોડી જઈએ તે ચોક્કસપણે દેવાના ડુંગરમાં ડૂબી જવાનો માર્ગ છે. અર્થશાસ્ત્રની આ સામાન્ય બાબતને દરેક શાણો પરિવાર અનુસરે છે. સારો દેખાવ કરતું અર્થતંત્ર ધરાવતો સમૃદ્ધ દેશ જ પોતાના નાગરિકોના કલ્યાણની કાળજી લઈ શકે છે. આ મુશ્કેલ સમયમાં યુકેએ પોતાના અર્થતંત્રની ગાડી ફરી પાટા પર ચડાવવામાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તાજેતરના એક સર્વેમાં દર્શાવાયું છે કે યુકેની જનતા પણ આ બાબત દેશ માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો હોવાનું સ્વીકારે છે.

કોઈ પણ ઈરાદા વિના આ કોલમ રિશિ સુનાકનો બચાવ અને #ReadyforRishiનું સમર્થન કરતી હોવાનું બની ગઈ છે. હું જેમને મિત્ર ગણું છું તેવા અન્ય ઉમેદવાર ટોમ ટુગાન્ધાટ વિશે પણ લખવાની ઈચ્છા હતી જેમણે આ ડિબેટ્સમાં આગવી છાપ ઉપસાવી છે. ટોમે અફઘાનિસ્તાનથી લંડન પરત ફરતી વેળાએ બોલિવૂડની ઘણી ફિલ્મો નિહાળી હતી. પ્રવાસ દરમિયાન દુબઈમાં સૌથી લાંબી ફિલ્મ નિહાળવાનું પસંદ કરતા હતા જે હંમેશાં ભારતીય ફિલ્મ જ હોય! તેઓ સાઉથ એશિયાને ઘણી સારી રીતે જાણે છે અને પાર્લામેન્ટમાં ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પણ ઉઠાવ્યા છે. ઘણી વખત કોઈ મુદ્દા પર તેમની ચોકસાઈએ પોલિસીમાં છિદ્રો શોધી કાઢવાની કુશળતા પણ તેમણે દર્શાવી છે. અમે બધી બાબતો પર સંમત થતા નથી પરંતુ, ટોમ પોતાના વલણોને સ્પષ્ટ કરવામાં હંમેશાં ચોક્કસ રહ્યા છે.

હું અન્ય ઉમેદવારોને જાણતી નથી પરંતુ, રવિવારની ડિબેટમાં સૌથી પ્રભાવ પાડ્યો હોય તો તે લિઝ ટ્રસ જ હતા. મેં કદાચ ખોટું સાંભળ્યું હોઈ શકે જ્યારે તેમણે યુક્રેન યુદ્ધ વિશે જેમની સાથે કડકાઈથી વાત કરવાની હોય (શબ્દો મારાં છે) તેવા દેશોની યાદીમાં ભારતનો ઉલ્લેખ કર્યો હતો. ભારતીય નેતાગીરીએ ભારતની પોઝિશન કે વલણને હંમેશા સ્પષ્ટ કરેલું છે. રશિયન ફોરેન મિનિસ્ટરની સાથોસાથ લિઝ ટ્રસની ભારત મુલાકાત યોજાઈ હતી ત્યારે પણ આ બાબત સ્પષ્ટ કરી જ દેવાઈ હતી.

મિત્રરાષ્ટ્ર યુકેના પ્રાઈમ મિનિસ્ટર તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર બહાર આવે તેવી શુભેચ્છા સાથે હું લેખને સમાપ્ત કરીશ. એપ્રિલ 2022ના ‘War sets back the global recovery’ મથાળા સાથેના ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વૈશ્વિક આર્થિક દષ્ટિકોણમાં એવો નિષ્કર્ષ મૂકાયો હતો કે સંઘર્ષ-યુદ્ધના કારણે થતાં આર્થિક નુકસાન 2022માં વૈશ્વિક વૃદ્ધિને નોંધપાત્રપણે ધીમી પાડવામાં ફાળો આપશે અને ફૂગાવાને વધારશે, ફ્યૂલ અને ફૂડની કિંમતો ઝડપથી વધવા સાથે ઓછી આવક ધરાવતા દેશોની નિર્બળ વસ્તીને સૌથી વધારે સહન કરવાનું થશે. IMF એ તેની વૈશ્વિક વૃદ્ધિના અંદાજને પણ ઘટાડ્યો છે. આ મુશ્કેલ સમયમાં દેશને માર્ગદર્શન આપવા સર્વોચ્ચ પદ પર સ્થિર અને સક્ષમ નેતાની યુકેને જરૂર છે.

(રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા સાઉથ આફ્રિકા, ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારાં તેઓ માત્ર બીજાં મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.

Twitter: @RuchiGhanashyam)


    comments powered by Disqus