ક્રિસમસની સિઝનના પ્રારંભ સાથે જ આપણે વર્ષ 2022ના અંત તરફ આગળ વધી રહ્યાં છીએ. ગુજરાત સમાચારનો આ અંક તમારા હાથમાં આવશે ત્યારે 2022ના અંતના ગણતરીના દિવસો બાકી રહ્યાં હશે. કોરોના મહામારીના બે વર્ષ બાદ આશાનું કિરણ લઇને આવેલું 2022નું વર્ષ યુનાઇટેડ કિંગ્ડમ માટે પડકારજનક રહ્યું. યુનાઇટેડ કિંગ્ડમમાં 70 વર્ષના ક્વીન એલિઝાબેથ દ્વિતિયના યુગનું સમાપન થયું અને સાત દાયકા બાદ દેશને કિંગ ચાર્લ્સ તૃતિય તરીકે રાજા મળ્યાં. 8મી સપ્ટેમ્બરે 96 વર્ષની વયે નામદાર ક્વીનના નિધનની સાથે જ જાણે કે દેશે એક છત્ર ગુમાવી દીધાંની અનુભૂતિ સપ્તાહો સુધી હૃદયમાં અનુભવાતી રહી. સમગ્ર યુનાઇટેડ કિંગ્ડમ અને વિશ્વ શોકમાં ગરકાવ થઇ ગયાં. યુકેએ તેની પ્રિય મહારાણીને ગૌરવવંતી વિદાય આપી. યુકે માટે 2022ની કદાચને આ સૌથી વસમી અને પડકારજનક ક્ષણો હતી.
બ્રિટને 2022માં સંખ્યાબંધ રાજકીય પડકારોનો પણ સામનો કર્યો. ખાસ કરીને સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીને રાજકીય અંધાધૂંધીમાંથી પસાર થવું પડ્યું. કોરોના મહામારીમાં પાર્ટી ગેટ સહિતના કૌભાંડોના આરોપસર કન્ઝર્વેટિવ પાર્ટીમાં તત્કાલિન ચાન્સેલર રિશી સુનાકના નેતૃત્વમાં વડાપ્રધાન બોરિસ જ્હોન્સન સામે બળવો થયો અને તેમને રાજીનામુ આપવાની ફરજ પડી. રિશી સુનાકે ટોરી લીડરશિપની રેસમાં ઝંપલાવ્યું પરંતુ લિઝ ટ્રસે તેમને પરાજિત કર્યાં અને બ્રિટનના વડાંપ્રધાન તરીકે આરૂઢ થયાં. આ સમયે બ્રિટન આર્થિક મોરચે પ્રચંડ પડકારોનો સામનો કરી રહ્યો હતો. લિઝ ટ્રસ અને તેમના ચાન્સેલર ક્વાસી ક્વારતેંગ દ્વારા રજૂ કરાયેલા મિની બજેટે અર્થતંત્રને વધુ ઊંડી ખાઇમાં ધકેલી દીધું હતું અને ફક્ત 44 દિવસમાં જ લિઝ ટ્રસને વડાંપ્રધાનપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ફરી એકવાર ટોરી પાર્ટીના સાંસદોએ તેમના નેતા તરીકે રિશી સુનાકની પસંદગી કરી અને તેઓ બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડાપ્રધાન તરીકે સત્તા પર બિરાજમાન થયાં હતાં. બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય માટે આ અત્યંત ગૌરવની પળ હતી. આમ ફક્ત 3 મહિનાના ગાળામાં બ્રિટનને 3 વડાપ્રધાન મળ્યા હતા.
2022માં બ્રિટને પ્રચંડ આર્થિક પડકારોનો સામનો કરવાની ફરજ પડી હતી. ફુગાવાનો દર 40 વર્ષની ટોચની સપાટી પર પહોંચી જતાં દેશમાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ સર્જાઇ હતી. મોંઘવારીને કાબૂમાં લેવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડને વારંવાર વ્યાજદરોમાં વધારો કરવાની ફરજ પડી જેના કારણે મોર્ગેજ બિલ, ક્રેડિટ કાર્ડના બિલ અને લોન મોંઘાદાટ બની જતાં આમ આદમીને પીસાઇ મરવાનો વારો આવ્યો હતો. 2022માં સામાન્ય જનતા માટે સૌથી પડકારજનક મોંઘવારી રહી હતી. વીજળીના બિલ, ઇંધણોની કિંમતો અને ખાદ્યપદાર્થોના ભાવો આસમાને પહોંચતાં સરકારે જનતાને રાહત આપવા માટે વિવિધ આર્થિક સહાયની જાહેરાતો કરવાની ફરજ પડી હતી. દેશના જીડીપીમાં પણ નોંધપાત્ર ઘટાડો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બ્રિટનની શાખને પારાવાર નુકસાન થયું હતું. જોકે રિશી સુનાકના વડાપ્રધાન બન્યા પછી તેમણે લીધેલા આર્થિક પગલાંના કારણે કટોકટી થોડી હળવી બની છે. ફુગાવાના દરમાં ઘટાડો થવાનો પ્રારંભ થયો છે.
2023નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આશા રાખીએ કે બ્રિટનમાં આર્થિક અને રાજકીય સ્થિરતા જોવા મળે. રિશી સુનાકના નેતૃત્વમાં દેશ આર્થિક પ્રગતિ કરે અને જનતાની હાડમારીઓમાં ઘટાડો થાય.
