અમેરિકાના અનેક રાજ્યો હાલમાં બરફથી થીજી ગયાં છે. તેવા તબક્કામાં ન્યૂયોર્કના બફેલો શહેરની સ્થિતિ બિહામણી થઈ ગઈ છે. રસ્તા પર કારમાં સવાર લોકો અને રાહદારીઓના જીવ જઈ રહ્યા છે, જેથી રસ્તા પર ઊભા વાહનમાં અને ઘરોમાં મૃતદેહોને શોધવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્થિતિ ત્યાં સુધી વણસી ગઈ કે શહેરમાં ડ્રાઇવિંગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે આર્કટિક ડીપ ફ્રિઝના કારણે આ બરફીલું તોફાન આવ્યું છે. ખાસ કરીને ન્યૂયોર્કના મોટા શહેર બફેલોના રસ્તા સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઈ ગયા છે, જેથી સ્થાનિક પ્રશાસન દ્વારા ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા બરફમાં ફસાયેલા લોકોના ઘર સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે.
બફેલોમાં ખરાબ થઈ રહેલી સ્થિતિને જોતાં સ્ટેટ અને મિલિટરી પોલીસને બચાવ કાર્યમાં લગાવાઈ છે. બફેલોના પ્રવેશ સાથે અનેક સ્થળે પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે, જેથી લોકોને ડ્રાઇવિંગ કરતા રોકી શકાય.
બફેલોના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં બફેલોમાં 30થી વધુ લોકો ઠંડીના કારણે પોતાનો જીવ ખોઈ બેઠા છે, જેમાં મંગળવારે એકસાથે 7 મૃતદેહ મળી આવ્યા છે. કાઉન્ટી ઇમર્જન્સી સર્વિસના કમિશનરે આ હિમ તોફાનની સાથે આવનારા પૂર અંગે પણ ચિંતા દર્શાવી છે, જે બરફ ઓગળવા બાદ શરૂ થશે. અહીં થોડા સમયમાં જ હવામાન સામાન્ય ગરમ થઈ જશે, જેનાથી મોટા પ્રમાણમાં બરફ ઓગળતાં શહેરમાં પૂર જેવી સ્થિતિ ઊભી થશે.
બરફના ભારે તોફાનના કારણે બફેલો એરપોર્ટનું સંચાલન પણ સંપૂર્ણપણે થંભી ગયું છે. તે ઉપરાંત ચાર હજાર ઘર અને દુકાન એવાં છે, જ્યાં વીજપુરવઠો ખોરવાઈ જતાં સ્થિતિ બદ્તર બની ચૂકી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં બરફના તોફાન દ્વારા આવી તબાહી તેમણે ક્યારેય જોઈ નથી.
બફેલોની સ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયા પર ત્યાંની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. જ્યાં ઘર સંપૂર્ણપણે બરફમાં દબાઈ ગયાં છે. દરવાજો ખોલતાં જ સામે બરફની દીવાલ સર્જાઈ હોવાનાં દૃશ્યો સામે આવી રહ્યાં છે.
